કોન્સ્ટેબલ પત્ની પર જીવલેણ હુમલો કરનાર પતિનું રહસ્યમય મોત:હત્યા કે આત્મહત્યાનો કોયડો ઉકેલવા FSLઅને ડોગ સ્ક્વોડની તપાસ, ભાઈએ મર્ડરની ફરિયાદ નોંધાવી

📅 Published: August 21, 2026 | 📂 Category: gujarati-news

ગોધરામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી પત્ની પર જીવલેણ હુમલો કરનાર પતિની બીજા દિવસે ખેડા જિલ્લાના સેવાલીયામાં ઝાડ પર લટકતી લાશ મળી આવવાના મામલે રહસ્ય ઘેરાયું છે. પ્રાથમિક દૃષ્ટિએ કોઈએ હત્યા કરી લાશને લટકાવી દીધી હોવાની શક્યતા છે. આ ઘટનામાં મૃતકના ભાઈએ હત્યાની ફરિયાદ નોંધાવી છે. આ હત્યા છે કે આત્મહત્યા એ કોયડો ઉકેલવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. પત્ની પર ધારીયા વડે જીવલેણ હુમલો કર્યો
ગોધરાના વાવડી ખુર્દ ગામે રહેતા અને ડીજેનો વ્યવસાય કરતા મહિપાલસિંહ કિરણસિંહ ઝાલા અને પંચમહાલ SP કચેરીમાં કોન્સ્ટેબલ તરીકે કાર્યરત તેની પત્ની મીનાબેન ઝાલા બંને વચ્ચે 17 અને 18 ઓગસ્ટની રાત્રે ઘર્ષણ થયું હતું. મહિપાલસિંહે ધારીયા વડે મીનાબેનના માથા અને હાથ પર જીવલેણ હુમલો કર્યો હતો અને બાદમાં ફરાર થઈ ગયો હતો. આ હુમલો એટલો ખતરનાક હતો કે મીનાબેનનું માથું લોહીલુહાણ થઈ ગયું હતું, જમણા હાથે ફ્રેકચર થયું હતું અને લોહી નીકળતું હતું અને ડાબા હાથનો અંગુઠો કપાઈ ગયો હતો. ગંભીર ઈજાઓ પહોંચતા મીનાબેનને સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બીજા દિવસે સેવાલીયામાં લાશ લટકતી મળી
આ ઘટનાના બીજા દિવસે 19 ઓગસ્ટની રાત્રે સેવાલીયા ગામમાં મહીસાગર નદીના કાંઠે મહિપાલસિંહનો મૃતદેહ બાવળના ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ મૃતદેહના માથા પર ઇજાના નિશાન હતા અને મોઢા અને કપડાં પર લોહીના ડાઘ હતા. પોલીસને આશંકા છે કે કોઈએ મહિપાલસિંહની હત્યા કરીને મૃતદેહને ઝાડ સાથે ગળેફાંસો આપી લટકાવી દીધો, જેથી કરીને આ ઘટના આત્મહત્યા લાગે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કરમસદ હોસ્પિટલ ખસેડ્યો છે. આ ઘટનામાં મૃતજ મહિપાલસિંહના ભાઈ જયપાલસિંહ ઝાલાએ તેના ભાઈની કોઈ આજાણ્યા શખ્સે હત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ સેવાલિયા પોલીસ મથકમાં નોંધાવી છે.
FSL અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો તપાસમાં જોડાઈ
ઘટનાની તપાસમાં સેવાલીયા પોલીસ ઉપરાંત LCB, FSL, ડોગ સ્ક્વોડ અને સર્વેલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમો દ્વારા ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા મોબાઈલ ડેટા એનાલિસિસ તેમજ આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ મેળવવામાં આવી રહ્યા છે. પત્ની પર હુમલા બાદ મહિપાલસિંહ પંચમમહાલ અને ખેડાના સરહદી વિસ્તારમાં આવ્યા હોવાની અને પસ્તાવા અથવા પત્નીનું મૃત્યુ થયું હોવાનું માનીને છુપાઈ જવાનો પ્રયાસ કર્યો હોવાની શક્યતા પણ તપાસમાં ધ્યાનમાં લેવામાં આવી રહી છે.
બીજી તરફ, પત્ની પર થયેલા હુમલામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી હોય અને તેણે મહિપાલસિંહની હત્યા કરી લાશને આત્મહત્યાનો રંગ આપવાનો પ્રયાસ કર્યો હોય તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી. પોલીસ દ્વારા એવી શક્યતા પણ તપાસવામાં આવી રહી છે કે લોહીલુહાણ હાલતમાં રહેલા મહિપાલસિંહ પર કોઈ અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે હુમલો કર્યો હોય. ઘટનાસ્થળની પરિસ્થિતિને આધારે જાણભેદુ વ્યક્તિ દ્વારા સમગ્ર કારસો રચાયો હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. હત્યા કે આત્મહત્યાનું રહસ્ય ઉકેલવા પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી
આ સમગ્ર મામલે ડીવાયએસપી વિક્રમસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે પોલીસે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ટેકનિકલ ટીમ, એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદથી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. મૃતકના કૌટુંબિક સંબંધો, પત્નીના પિયર પક્ષ સાથેના સંબંધો તેમજ અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે.
પત્ની પર જીવલેણ હુમલો થયા બાદ પતિનું ગુમ થવું અને ત્યારબાદ શંકાસ્પદ સંજોગોમાં તેમની લાશ મળી આવતાં સમગ્ર ઘટનાક્રમ રહસ્યમય બન્યો છે. મહિપાલસિંહનું મોત હત્યા છે કે આત્મહત્યા તેમજ આ સમગ્ર ઘટનાની પાછળ અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા છે કે કેમ તે અંગે હવે પોલીસની તપાસ પર સૌની નજર છે. પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ જ મોત પાછળનું સાચું રહસ્ય બહાર આવશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *