ખેડા જિલ્લાના સેવાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલી ગામ નજીક મહિસાગર નદીના રેલવે બ્રિજ પાસે આવેલા વણઝાર સ્મશાન નજીકથી એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી છે. યુવકના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવાના ઇરાદે મૃતદેહને બાવળના ઝાડની ડાળી સાથે લટકાવી દેવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતકની ઓળખ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વાવડી ખુર્દ ગામના રહેવાસી મહિપાલસિંહ કિરણસિંહ ઝાલા તરીકે થઈ છે. ગોધરા પોલીસ તરફથી મળેલા ફોટોગ્રાફના આધારે પરિવારજનોએ મૃતદેહ મહિપાલસિંહનો હોવાનું ઓળખ્યું હતું. ત્યારબાદ પરિવારજનો અને મિત્રો સેવાલિયા સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. પત્ની સાથેના ઝઘડા બાદ પતિ ગુમ થયો
મહિપાલસિંહના લગ્ન વર્ષ 2012માં ખાંડીયા ગામના હરિશચંદ્રની પુત્રી મીનાબેન સાથે થયા હતા. મીનાબેન વર્ષ 2017માં વડોદરા ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા હતા અને વર્ષ 2022માં તેમની પંચમહાલ જિલ્લામાં બદલી થઈ હતી. હાલ તેઓ પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં ફરજ બજાવે છે. પોલીસની નોકરી મળ્યા બાદ મહિપાલસિંહ અને મીનાબેન પોલીસ લાઇનમાં રહેતા હતા. બંને વચ્ચે નાના-મોટા કારણોસર અવારનવાર ઝઘડા અને કંકાસ થતા હોવાની માહિતી સામે આવી છે. રાત્રે પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો
17 અને 18 ઓગસ્ટની રાત્રે આશરે 3 વાગ્યે મીનાબેનના નાના ભાઈ નરેશભાઈ પરમારે મહિપાલસિંહના ભાઈ જયપાલસિંહને ફોન કરીને જાણ કરી હતી કે મહિપાલસિંહે મીનાબેન સાથે મારપીટ કરી છે અને તેમની હાલત ગંભીર છે. માહિતી મળતા જયપાલસિંહ અને તેમની માતા તાત્કાલિક ગોધરાની ભાગ્યોદય હોસ્પિટલ પહોંચ્યા હતા. મીનાબેનને તીક્ષ્ણ હથિયારથી ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તબીબોની સલાહ મુજબ તેમને વધુ સારવાર માટે વડોદરાની આદિક્યુરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહિપાલસિંહનોનો મોબાઇલ સ્વિચ ઓફ આવતા શોધખોળ શરૂ કરાઈ હતી
પત્નીને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ જયપાલસિંહે પોતાના ભાઈ મહિપાલસિંહનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમનો મોબાઇલ ફોન સ્વિચ ઓફ આવતો હોવાથી પરિવારજનોની ચિંતા વધી હતી. મહિપાલસિંહની કોઈ ભાળ ન મળતા જયપાલસિંહે પોતાના મિત્ર વર્તુળમાં પણ તેમની શોધખોળ શરૂ કરી હતી. 19 ઓગસ્ટે લાશ મળી હોવાની પોલીસે જાણ કરી
જયપાલસિંહ ભાભીની સારવાર માટે વડોદરા હોસ્પિટલમાં રોકાયા હતા અને 19 ઓગસ્ટે સાંજે આશરે 5 વાગ્યે પોતાના ઘરે પરત ફર્યા હતા. દરમિયાન રાત્રે આશરે 8:30 વાગ્યે ગોધરા પોલીસ મારફતે સેવાલિયા નજીક મહિસાગર નદીના રેલવે બ્રિજ પાસે એક લાશ મળી હોવાની માહિતી પરિવારને આપવામાં આવી હતી. પોલીસ દ્વારા મોકલવામાં આવેલા ફોટોગ્રાફના આધારે પરિવારજનોએ લાશ મહિપાલસિંહની હોવાનું ઓળખ્યું હતું. માથા પર ગંભીર ઈજાઓ, કપડાં અને મોં પર લોહીના ડાઘ
પરિવારજનો સેવાલિયા સરકારી હોસ્પિટલ પહોંચ્યા ત્યારે મૃતદેહની તપાસ કરતાં મહિપાલસિંહના માથાના ભાગે ગંભીર ઈજાઓના નિશાન જોવા મળ્યા હતા. તેમના કપડાં તેમજ મોં પર પણ લોહીના ડાઘ હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. સ્થાનિક લોકો અને પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મહિપાલસિંહનો મૃતદેહ મહિસાગર નદી નજીક આવેલા વણઝાર સ્મશાન પાસે બાવળના ઝાડની ડાળી સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. અજાણ્યા શખ્સે અગમ્ય કારણોસર મહિપાલસિંહના માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કર્યા બાદ ગુનાના પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને ઝાડ પર લટકાવી દીધો હોવાની આશંકા છે. સેવાલિયા પોલીસે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી
સમગ્ર ઘટનાને પગલે સેવાલિયા પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા હત્યા પાછળનું ચોક્કસ કારણ, ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ તેમજ પત્ની પર થયેલા હુમલા અને મહિપાલસિંહની હત્યા વચ્ચે કોઈ કડી છે કે કેમ તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમમાં વિલંબથી પરિવારજનોમાં રોષ
બીજી તરફ, સૂત્રોના જણાવ્યા મુજબ સેવાલિયા મેડિકલ સેન્ટરથી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. જોકે, સેવાલિયાથી ડોક્ટરની કથિત બેદરકારીને કારણે પોસ્ટમોર્ટમ કરવામાં વિલંબ થયો હોવાના આક્ષેપને પગલે પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો. સમગ્ર મામલે પોલીસ તપાસ સાથે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુનું ચોક્કસ કારણ અને ઈજાઓ અંગે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.
કોન્સ્ટેબલ પત્ની પર હુમલો કરનાર પતિનો લટકતો મૃતદેહ મળ્યો:માથાના ભાગે ગંભીર ઈજાઓના નિશાન અને કપડાં-મોં પર લોહીના ડાઘ; હત્યા બાદ લાશ ઝાડ પર લટકાવાઈ હોવાની આશંકા
📅 Published: August 20, 2026 |
📂 Category: gujarati-news
