કોમનવેલ્થને ધ્યાનમાં રાખી સાણંદ-નીધરાડ આસપાસ નવી ટીપી સ્કીમ ખુલશે:500 હેક્ટરમાં પ્લોટ મળતાં સુવિધા ઉભી થશે, 15 પ્લોટના વેચાણથી ઔડાને કરોડોની આવક થશે

📅 Published: August 14, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)માં ચાર મહિના બાદ બોર્ડ બેઠક યોજાઈ હતી. આગામી વર્ષ 2030ના કોમનવેલ્થને ધ્યાનમાં રાખીને સાણંદ, કાણેટી, નિધરાડ અને દહેગામ ખાતે નવી ટીપી સ્કીમો બહાર પાડવામાં આવશે. ભુવાલડી, કણભા,કઠવાડા, સીંગરવા, બારેજડી સહિતના વિસ્તારોમાં 14 ટીપી સ્કીમોનો પરામર્શ આપવામાં આવ્યો છે. જેથી આ વિસ્તારોમાં હવે પાયાની સુવિધાઓ બનવાની શરૂઆત થશે. અંતિમ મંજૂરી બાદ તમામ ટીપી સ્કીમના વિસ્તારોમાં વિવિધ સુવિધાઓ માટે પ્લોટ રિર્ઝવેશન પણ કરાશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ ઔડામાં ડાયરેક્ટર હોવા છતાં પણ તેની ગેરહાજરીમાં બેઠક કરવામાં આવી હતી અને નિર્ણયો લેવામાં આવ્યા હતા. ‘આજે પાર્ટીનો કાર્યક્રમ હતો જેથી હું ત્યાં ગયો હતો’
મનપાની ચૂંટણી બાદ ચાર મહિના સુધી ઔડાની બોર્ડ બેઠક મળી નહોતી અને નવા ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર તરીકે મીરાંત પરીખની નિમણૂક બાદ સૌપ્રથમ વખત આજે 14 ઓગસ્ટના રોજ બોર્ડ બેઠક મળી હતી. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે ગેરહાજર હોવાને લઈ જણાવ્યું હતું કે મારે આજે પાર્ટીનો કાર્યક્રમ હતો જેથી હું ત્યાં ગયો હતો. મને પત્ર મારફતે બોર્ડ બેઠકની જાણ કરવામાં આવી હતી. તમામ હોદ્દેદારોને પત્ર મારફતે જાણ કરી હતી
જ્યારે CEO મીરાંત પરીખે જણાવ્યું હતું કે, ઔડા ઓફિસ તરફથી તમામ હોદ્દેદારોને પત્ર મારફતે જાણ કરવામાં આવી હતી જો કે આજે સ્ટેન્ડિંગ ચેરમેન કોઈ કાર્યક્રમમાં જવાના હોવાથી હાજર રહી શક્યા નહોતા. 14 ટીપી સ્કીમોનું પરામર્શ,500 હેક્ટરમાં પ્લોટ મળશે
આજે 14 ઓગસ્ટે મળેલી કમિટીમાં પૂર્વ વિસ્તારના અને સાણંદ તેમજ આસપાસ ટી.પી. સ્કીમોના વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ માટે પ્લોટ તથા રસ્તાઓનો વિકાસ માટે 14 ટીપી સ્કીમોનું પરામર્શ કરવામાં આવ્યું છે જ્યારે ઔડા વિસ્તારમાં સમાવિષ્ટ મોજે દહેગામ, ગોધાવી, કાણેટી, સાણંદ તથા નિધરાડ ગામોમાં વિકસિત કરવાનું આયોજન છે. જેથી 500 હેક્ટર વિસ્તારમાં પ્લોટ મળવાથી નાગરિકો માટે જરૂરી સુવિધાઓ ઉભી કરવાનો અને ઉપલબ્ધ સુવિધાઓમાં વધારો કરવાનો માર્ગ મોકળો થશે. નવી સ્કીમોની રચનાથી નવા રસ્તાઓનું નિર્માણ કાર્ય પણ ઝડપથી હાથ ધરી શકાશે જેનાથી આ વિસ્તારોના નાગરિકોની શહેર સાથેની કનેક્ટિવિટી વધુ સુગમ બનશે. 709 ફ્લેટના 2800 જેટલા રહીશોને ફાયદો થશે
વર્ષ 2001માં બનાવવામાં આવેલા નિર્ણયનગર-ઘાટલોડિયા ટી. પી. સ્કીમ નં. 02, ફાયનલ પ્લોટ નં. 282માં સ્થિત નંદનવન આવાસના 624 ફ્લેટ તથા વર્ષ 1988માં ફાળવાયેલા મેમનગર ટી. પી. સ્કીમ નં.1. ફાયનલ પ્લોટ નં. 140માં સ્થિત મહાત્મા ગાંધી વસાહતના 84 ફ્લેટના રહીશો દ્વારા ઉપરોક્ત સ્કીમોનું રિડેવલપમેન્ટ કરવાની મંજૂરી આપવામાં આવી છે. રહીશો દ્વારા રીડેવલોપમેન્ટ માટેની વિનંતી અરજી ઔડામાં આપવામાં આવી હતી. ઔડા દ્વારા આ બંને સ્કીમોમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટીની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં આ સ્કીમોની પરિસ્થિતિ સ્ટ્રક્ચરલી વીક જણાઈ હતી. જેથી સ્કીમોના સરકારી ધારાધોરણ પ્રમાણે રિડેવલપમેન્ટ કરવા માટેની દરખાસ્ત મંજુર કરવામાં આવેલ છે. આ નિર્ણયથી કુલ 709 ફ્લેટના 2800 જેટલા રહીશોને ફાયદો થશે. 15 પ્લોટ્સનું વેચાણ કરવાનો નિર્ણય
ઔડા દ્વારા વિવિધ પ્રજાલક્ષી પ્રોજેક્ટ્સના ખર્ચને પહોંચી વળવા તથા સત્તામંડળનું આર્થિક માળખું જળવાઈ રહે તે હેતુથી નગર રચના યોજનાઓમાં સંપ્રાપ્ત થતા પ્લોટો પૈકી અમુક પ્લોટ્સનો તબક્કાવાર નિકાલ કરવામાં આવતો હોય છે. તદનુસાર આજની બેઠકમાં 6 જુદી જુદી ટી. પી. સ્કીમમાં સ્થિત 15 પ્લોટ્સનું વેચાણ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. ઔડાને કરોડોની આવક થશે
આ 15 પ્લોટ્સ ટી. પી. સ્કીમ નં. 22 અને 44 (ચાંદખેડા), ટી. પી. સ્કીમ નં. 3 (બોપલ), ટી. પી. સ્કીમ નં. 38 અને 39 (થલતેજ) તથા ટી. પી. સ્કીમ નં. 45 (ચાંદલોડિયા-ગોતા)માં સ્થિત છે. આ પ્લોટ્સના વેચાણની પ્રક્રિયા લેન્ડ ડિસ્પોઝલ પોલિસીની જોગવાઈ મુજબ અને સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલા તળિયાની કિંમત પ્રમાણે ઈ-ઓક્શન દ્વારા હાથ ધરવામાં આવશે. આ પ્લોટના વેચાણથી ઔડાને કરોડો રૂપિયાનો લાભ થશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *