કોળી CMની માગ પર શું કહે છે ભાજપના 13 ધારાસભ્યો?:ભાસ્કરના સવાલ પર હીરા સોલંકીએ કહ્યું 10 મિનિટમાં ફોન કરૂં, શામજી ચૌહાણે પક્ષને અપાવી માધવસિંહની યાદ

📅 Published: November 17, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ એક વર્ષની વાર છે પરંતુ તે પહેલાં જ રાજ્યમાં રાજકીય હલચલ તેજ બની છે. ખાસ કરીને કોળી સમાજના રાજકીય વર્ચસ્વ અને નેતૃત્વને લઇને ચર્ચાઓ શરૂ થઈ છે. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે સોમવારે કોળી સમાજના માતાજીના માંડવાના પ્રસંગે મુખ્યમંત્રી પણ કોળી સમાજમાંથી હોવા જોઇએ તેવું નિવેદન આપતાં રાજકીય ગરમાવો વધ્યો છે. બીજી તરફ કોળી સમાજના જ કેટલાક આગેવાનો વચ્ચે કુંવરજી બાવળિયાના રાજકીય ભવિષ્યને લઇને મતભેદ સામે આવ્યા છે ત્યારે સવાલ એ છે કે પબુભાના નિવેદનને ભાજપના કોળી સમાજના ધારાસભ્યો કેવી રીતે જુએ છે? શું તેઓ પણ સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માગ સાથે સહમત છે કે પછી મુખ્યમંત્રીપદનો નિર્ણય પાર્ટી પર છોડવો જોઇએ તેવું માને છે? પબુભા માણેકે માંડવાના મંચેથી મુખ્યમંત્રી પદની કરી વાત
દ્વારકામાં કોળી સમાજની વાડી ખાતે 12 નવેમ્બરે યોજાયેલા માતાજીના માંડવાના પ્રસંગે ભાજપના ધારાસભ્ય પબુભા માણેકે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીની હાજરીમાં નિવેદન આપ્યું હતું કે, મુખ્યમંત્રી પણ તમારા સમાજના હોવા જોઇએ. તમારો સમાજ ગુજરાત લેવલે બીજા નંબરનો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અગાઉ જે થયું તેમાં આપણા વડીલોએ પણ બધું સારું જ કર્યું હશે પરંતુ હવે યુવાનોએ ખરેખર જાગવાની જરૂર છે. આજના સમયમાં સંગઠન જ સર્વસ્વ- પબુભાની સમાજને એક થવાની અપીલ
પબુભા માણેકે પોતાના સંબોધનમાં સમાજના સંગઠન પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે માણસ જન્મે ત્યારે તેના પર મા-બાપ, ગુરુ, તીર્થ અને સમાજ એમ ચાર ઋણ હોય છે. આજના સમયમાં સંગઠન જ સર્વસ્વ છે. સમાજનું ઋણ ઉતારવા માટે જેની પાસે પૈસા હોય તે પૈસા આપે, હાજરી આપી શકે તે હાજરી આપે, કામ કરી શકે તે કામ કરે અને પીરસી શકે તે પીરસે. પબુભાના આ નિવેદન બાદ કોળી સમાજને રાજ્યના સર્વોચ્ચ રાજકીય પદમાં પ્રતિનિધિત્વ મળવું જોઇએ કે કેમ તે મુદ્દે ચર્ચા શરૂ થઇ છે.
***
કોળી સમાજનું રાજકીય ગણિત કેટલું નિર્ણાયક?
ગુજરાતમાં કોળી સમાજ સામાજિક અને રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ સમુદાયોમાંનો એક છે. રાજ્યમાં સમાજની વસ્તી આશરે 20થી 24% હોવાનો અંદાજ છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સમાજની નોંધપાત્ર હાજરી છે. તળપદા કોળી, ચુંવાળિયા કોળી, ઘેડિયા કોળી અને ખાંટ કોળી સહિતનાં જુદાં જુદાં જૂથો ધરાવતા આ સમાજનું રાજકીય સમીકરણ અનેક બેઠકો પર મહત્ત્વનું બની શકે છે. આથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો માટે કોળી સમાજનું સમર્થન મહત્ત્વ ધરાવે છે. નીચેના ગ્રાફિક્સની મદદથી જાણો કે ગુજરાતની કઇ વિધાનસભા બેઠક પર કોળી સમાજનું વર્ચસ્વ છે. ***
2 મંત્રીનો સંપર્ક ન થયો
દિવ્ય ભાસ્કરે ભાજપના કોળી સમાજના મંત્રીઓ અને ધારાસભ્યોનો ટેલિફોનિક સંપર્ક કરીને પબુભાના નિવેદન મુદ્દે તેમનો મત જાણ્યો હતો. કોળી સમાજના જે 2 કદાવર મંત્રીઓ છે તે કુંવરજી બાવળિયા અને પરસોત્તમ સોલંકીએ ફોન રિસીવ કર્યો નહોતો. હીરા સોલંકીની 10 મિનિટ હજુ પણ ન થઇ!
જ્યારે સૌથી અચરજભર્યું નિવેદન હીરા સોલંકીનું હતું. પબુભાએ હીરા સોલંકીની હાજરીમાં કોળી સમાજના CM હોવા જોઇએ તેવું નિવેદન આપ્યું હતું. જ્યારે ભાસ્કર રિપોર્ટરે હીરા સોલંકીનો મત જાણવા તેમને ફોન કર્યો તો તેમણે મિટિંગ પૂરી થયા બાદ 10 મિનિટમાં ફોન કરવાની વાત કરી હતી પરંતુ ત્યારબાદ તેમનો ફોન આવ્યો નહોતો. શિવાભાઇએ તો ફોન કટ કરી નાંખ્યો
પબુભા માણેકના નિવેદન અંગે ભાસ્કરે મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે મારા ધ્યાનમાં નથી આવ્યું. બીજા જિલ્લાનું આપણને કંઇ ખબર નહીં. આટલું કહી તેમણે ફોન કટ કરી નાખ્યો હતો. મંત્રી મુકેશ પટેલે પણ ફોન કાપી નાંખ્યો
ઓલપાડના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી મુકેશ પટેલે આ મુદ્દે કહ્યું હતું કે, આમાં સમાજનું કશું ન હોઈ શકે જે છે એ પાર્ટી જ છે. આટલું કહી તેમણે ફોન કટ કરી દીધો હતો. તેમના ટૂંકા પ્રતિભાવમાં પણ મુખ્યમંત્રીપદના નિર્ણયમાં પાર્ટીની ભૂમિકાને જ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. ભગવાનજી કરગઠિયા બોલ્યા- પબુભાના કહેવાથી કોઇ CM થોડા બની જાય
માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઇ કરગઠિયાએ કહ્યું હતું કે, એ તો પાર્ટી નક્કી કરે. પબુભાના કહેવાથી કે કોઇ સમાજના કહેવાથી થોડી કોઇ મુખ્યમંત્રી બની જાય? તેમ કહી તેમણે મુખ્યમંત્રીપદ માટે પાર્ટીની પ્રક્રિયાને મહત્ત્વ આપ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે હાલની સરકારમાં અમારા સમાજના મંત્રીઓ છે અને એવા નેતાઓ પણ હોવા જોઈએ જે આ પદ સંભાળી શકે. ચોટીલાના ધારાસભ્યએ પક્ષને માધવસિંહની યાદ અપાવી!
ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણે કહ્યું હતું કે કોળી સમાજની પોતાની લાગણીઓ અને માગણીઓ હોઈ શકે છે. તેમના મતે, જે તે વખતે માધવસિંહ મુખ્યમંત્રી બન્યા હતા ત્યારબાદ કોઈ મુખ્યમંત્રી OBC સમાજમાંથી બન્યું નથી એટલે સમાજની લાગણી અને માગણી હોઈ શકે. સાણંદના ધારાસભ્ય કનુ કરમશીભાઈ પટેલે કહ્યું હતું કે દરેક વ્યક્તિ પોતાના વ્યક્તિગત વિચારો રજૂ કરતી હોય છે. વ્યક્તિગત પોતાના વ્યૂ હોય, બધા પોતાના વ્યૂ આપતા હોય છે અને દરેક સમાજનો વારો આવશે વારાફરતી. આમ કહીને તેમણે પબુભાના નિવેદનને તેમના વ્યક્તિગત વિચાર તરીકે જોયું હતું અને દરેક સમાજને રાજકીય પ્રતિનિધિત્વ મળવાની વાત કરી હતી. પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાએ કહ્યું હતું કે પબુભા માણેકે જે નિવેદન આપ્યું છે તે તેમના વ્યક્તિગત વિચારો છે. બાકી આપણે ત્યાં તો મોવડી મંડળ જે નક્કી કરે એ થાય. તેમણે પણ આ મુદ્દે પબુભાના નિવેદનને વ્યક્તિગત ગણાવ્યું હતું. આ તરફ ધંધુકાના ધારાસભ્ય કાળુ ડાભીએ કહ્યું કે નિવેદન તો દરેક સમાજના લોકો અલગ અલગ આપતા રહે છે. દરેકનો પોતાનો સમાજ મોટો છે. આપણે તો પાર્ટી જે નક્કી કરે એ કરવાનું હોય. કોંગ્રેસ પણ એ રીતે નક્કી કરે છે અને ભાજપ એ રીતે નક્કી કરે. જે નક્કી કરે એ સ્વીકારવાનું. તેમણે પક્ષના નિર્ણયને જ અંતિમ ગણાવ્યો હતો. આ ધારાસભ્યો માટે પાર્ટી જ સર્વોપરી
તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણે આ મુદ્દે કહ્યું હતું કે, એમાં મારે કંઇ કહેવાનું ન હોય. કોળી સમાજની સંખ્યા છે, વર્ચસ્વ છે બાકી તો કોને પદ આપવું એ જેમ ઠીક લાગે તેમ પાર્ટી નક્કી કરશે તેવું કહીને તેમણે સમાજની સંખ્યા અને રાજકીય વર્ચસ્વ હોવાનું સ્વીકાર્યું હતું પરંતુ મુખ્યમંત્રીપદ અંગેનો નિર્ણય પાર્ટી પર છોડ્યો હતો. કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે પબુભાના નિવેદન અંગે ટૂંકમાં પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, એ તો હવે પાર્ટી નક્કી કરે એમ થાય. એમાં આપણે તો શું કરી શકીએ? તેમણે પણ મુખ્યમંત્રી પદ માટે સમાજની માગ કરતાં પાર્ટીના નિર્ણયને મહત્ત્વ આપ્યું હતું. ઉનાના ધારાસભ્ય કાળુભાઇ રાઠોડે પણ પાર્ટીને જ સર્વોપરી ગણાવી. તેમણે કહ્યું કે દરેક સમાજની પોતાની માગ હોય છે પરંતુ અંતે સમાજ કરતાં પાર્ટી મોટી હોય છે. ભારતીય જનતા પાર્ટી અમારા સમાજ કરતાં મોટી છે. પાર્ટીને જીતાડવામાં ફક્ત એક જ સમાજનો ફાળો હોય એવું નથી. દરેક સમાજ ભેગા થઈને પાર્ટીને જીતાડે છે. એટલે અંતે પાર્ટીનો નિર્ણય હોય છે. આમ, તેમના નિવેદનમાં પણ પક્ષની એકતા અને સામૂહિક રાજકીય સમર્થન પર ભાર જોવા મળ્યો હતો. ગુજરાતની 6 લોકસભા બેઠકો ઉપર પણ કોળી સમાજનું વર્ચસ્વ છે. આ બેઠકો કઇ છે તે નીચેના ગ્રાફિક્સથી જાણો. પબુભા માણેકના નિવેદન બાદ દિવ્ય ભાસ્કરે ગુજરાત ભાજપના કોળી સમાજના કુલ 13 ધારાસભ્યો સાથે વાત કરી હતી. મુખ્યમંત્રી પદ માટે સમાજમાંથી નેતૃત્વ હોવું જોઇએ કે નહીં, સમાજની લાગણી કેટલી મહત્ત્વની છે અને આખરી નિર્ણય કોણે લેવો જોઈએ તે અંગે ધારાસભ્યોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. મોટાભાગના ધારાસભ્યોએ મુખ્યમંત્રી પસંદ કરવાનો અંતિમ નિર્ણય પાર્ટી અને ધારાસભ્યો પર છોડ્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *