ગાંધીનગર જિલ્લા પોલીસ તંત્ર અને પાટનગરની કાયદો-વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી શહેરમાં જ પોલીસ કર્મચારીઓ માટે એક સુઆયોજિત અને અત્યાધુનિક ફાયરિંગ રેન્જ (ફાયરિંગ ડાર્ટ) ઊભી કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી ગાંધીનગરના પોલીસ જવાનો અને અધિકારીઓને નિયમિત ફાયરિંગ પ્રેક્ટિસ માટે અન્ય જિલ્લાઓ કે દૂરના નિર્ધારિત કેન્દ્રો પર જવું પડતું હતું. જોકે, હવે સ્થાનિક સ્તરે જ આ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ખાસ પહેલ કરીને યોગ્ય જમીનની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. કટોકટી અને આતંકી હુમલા જેવી સ્થિતિમાં સચોટ કામગીરી માટે નિયમિત પ્રેક્ટિસ અનિવાર્ય
બદલાતા સમય સાથે ગુનાખોરીની પદ્ધતિઓમાં પણ પરિવર્તન આવી રહ્યું છે, ત્યારે પોલીસ દળ પાસે આધુનિક હથિયારો હોવાની સાથે તેના સચોટ ઉપયોગની કુશળતા હોવી પણ એટલી જ જરૂરી છે. નવનિયુક્ત જવાનોથી લઈને અનુભવી અધિકારીઓ સુધીના તમામ સ્ટાફ માટે હથિયાર સંચાલન અને નિશાનબાજીનો મહાવરો અનિવાર્ય હોય છે. ગાંધીનગરમાં જ ફાયરિંગ ડાર્ટ તૈયાર થવાથી પોલીસ કર્મચારીઓનો કિંમતી સમય બચશે અને કોઈ પણ અવરોધ વિના નિયમિત પ્રેક્ટિસ કરી શકશે, જેનાથી કોઈ પણ કટોકટી કે આતંકી હુમલા જેવી પરિસ્થિતિમાં જવાનો વધુ ઝડપ અને સચોટતાથી ઓપરેશન પાર પાડી શકશે. મહેસૂલ અને પોલીસ વિભાગનો સંયુક્ત સર્વે
આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે પોલીસ અને મહેસૂલ વિભાગ દ્વારા સંયુક્ત રીતે ગાંધીનગરની આસપાસની સરકારી જમીનોનો સર્વે યુદ્ધના ધોરણે શરૂ કરાયો છે. સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં રાખીને લોકવસ્તીથી સુરક્ષિત અંતરે આવેલી જમીનની પસંદગી કરવામાં આવી રહી છે, જ્યાં તમામ પ્રકારના આધુનિક હથિયારોનું ટેસ્ટિંગ નિર્ભયપણે થઈ શકે. જમીનની ફાળવણી અને મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થતાં જ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સુરક્ષા માપદંડો મુજબ અહીં શૂટિંગ ટ્રેક, મજબૂત સેફ્ટી વોલ અને ટાર્ગેટ એરિયા સહિતનું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે.
ખાખીધારીઓ હવે ‘ઘરઆંગણે’ જ નિશાન તાકશે:ગાંધીનગરમાં પોલીસ જવાનોની શાર્પશૂટિંગ સ્કિલ્સને ધારદાર બનાવવા અદ્યતન ફાયરિંગ રેન્જ બનશે, જમીનની શોધ શરૂ
📅 Published: November 13, 2026 |
📂 Category: gujarati-news
