ખાણીપીણીના જાણીતા એકમોમાં ગંદકીનો પર્દાફાશ:'મહેશ પાઉંભાજી'માં વાસી કઢી પીરસાતાં મનપાએ 3000નો દંડ ફટકાર્યો

📅 Published: August 31, 2026 | 📂 Category: gujarati-news

સુરત શહેરમાં ખાણી-પીણીના જાણીતા એકમોમાં સ્વચ્છતાના ધજાગરા ઉડતા હોવાની અને વાસી ખોરાક પીરસાતો હોવાની ફરિયાદો સામે આવતાં શહેરીજનોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે. અડાજણ હની પાર્ક રોડ પર આવેલી જાણીતી ‘મહેશ પાઉંભાજી’ રેસ્ટોરન્ટમાં ગ્રાહકને વાસી કઢી અને સડેલી સામગ્રી પીરસવામાં આવતાં સુરત મહાનગરપાલિકાના ફૂડ અને આરોગ્ય વિભાગે તાત્કાલિક દરોડો પાડી સેમ્પલ મેળવીને 3,000નો દંડ ફટકાર્યો હતો. આ તરફ પુણા-કુંભારીયા વિસ્તારમાં આવેલા અત્યંત પ્રખ્યાત ‘ગણપતકાકાના વડા’ સેન્ટર ખાતે ખુલ્લેઆમ ગંદકી અને માખીઓના ઉપદ્રવ વચ્ચે ખાદ્યસામગ્રી બનતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મનપા તંત્રની મોનિટરિંગ વ્યવસ્થા સામે લોકોમાં ભારે રોષ અને સવાલો ઉઠી રહ્યા છે. અડાજણની ‘મહેશ પાઉંભાજી’માં વાસી કઢી પીરસાતાં પાલિકાની કાર્યવાહી
અડાજણના હની પાર્ક રોડ સ્થિત ‘મહેશ પાઉંભાજી’ રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકને કશ્મીરી પુલાવ સાથે વાસી કઢી તેમજ સડી ગયેલી દ્રાક્ષ પીરસવામાં આવી હોવાની ફરિયાદ ઉઠતાં પાલિકા તંત્ર દોડતું થયું હતું. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ સેફ્ટી વિભાગની સંયુક્ત ટીમે સ્થળ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી રસોડાની સ્વચ્છતા તેમજ કાચા માલના સ્ટોરેજની તપાસ કરી હતી. ફૂડ વિભાગે શંકાસ્પદ ખાદ્યસામગ્રીના નમૂના એકત્ર કરી પૃથક્કરણ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા અને સ્થળ પર જોવા મળેલી ગંભીર ક્ષતિઓ બદલ સંચાલક પાસેથી રૂ. 3,000 નો વહીવટી ચાર્જ વસૂલી નિયમોનું પાલન કરવાની કડક તાકીદ કરી હતી. ‘ગણપતકાકાના વડા’ માં પારાવાર ગંદકીનો વીડિયો વાયરલ થયો
બીજી તરફ, સુરતીઓમાં ખાસ્સી લોકપ્રિયતા ધરાવતી પુણા-કુંભારીયા સ્થિત ‘ગણપતકાકાના વડા’ દુકાનનો એક અત્યંત ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે સ્થળે વડા તળવામાં અને બનાવવામાં આવી રહ્યા છે ત્યાં અત્યંત અસ્વચ્છ વાતાવરણ છે. કારીગરો પાયાની સ્વચ્છતા કે ગ્લોવ્ઝ વિના જ ગંદા હાથે ખાદ્યસામગ્રી બનાવી રહ્યા છે તેમજ ગ્રાહકોના ડાઇનિંગ એરિયા અને ટેબલોની આસપાસ પણ ભારે કાદવ-કીચડ, ગંદકી અને માખીઓનો ઉપદ્રવ નજરે પડી રહ્યો છે. વાયરલ વીડિયો છતાં તંત્રની ઢીલી નીતિથી નાગરિકોમાં ઉગ્ર રોષ
સોશિયલ મીડિયા પર ગંદકીનો વીડિયો મોટા પાયે વાયરલ થયો હોવા છતાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ‘ગણપતકાકાના વડા’ સામે ત્વરિત કોઈ સત્તાવાર પગલાં ન લેવાતાં નાગરિકોમાં વહીવટી તંત્રની કામગીરી સામે અસંતોષ ફેલાયો છે. સુરત શહેર ખાનપાન માટે દેશભરમાં જાણીતું છે ત્યારે પ્રખ્યાત આઉટલેટ્સમાં લોકોના સ્વાસ્થ્ય સાથે થતી આવી ઘોર બેદરકારી સામે માત્ર ફરિયાદો થાય ત્યારે જ જાગવાને બદલે પાલિકા નિયમિત રીતે કડક ઇન્સ્પેક્શન કરે અને નિયમભંગ કરનારા તમામ એકમો સામે કડક કાયદેસર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *