કચ્છની રણભૂમિ હવે માત્ર રણ વિસ્તાર તરીકે નહીં, પરંતુ ભારતના ગ્રીન એનર્જી હબ તરીકે નવી ઓળખ બનાવી રહી છે. ખાવડા નજીક ઝડપથી વિકસી રહેલા વિશ્વના સૌથી મોટા હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લઈને અહીં ચાલી રહેલી પવન અને સૌર ઊર્જા આધારિત કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે ગ્રીન એનર્જીને દેશના ભવિષ્યની મહત્વપૂર્ણ જરૂરિયાત ગણાવી સ્વદેશી ટેક્નોલોજી અને સાધનોના વિકાસ પર ભાર મૂક્યો હતો. રાજ્યપાલે ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કના અદાણી સેન્ટ્રલ કંટ્રોલ રૂમની મુલાકાત દરમિયાન વીજળીનું ઉત્પાદન, પ્લાન્ટનું મોનિટરિંગ, પાવર સપ્લાય અને ઊર્જા વ્યવસ્થાપન અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. સાથે જ નેશનલ પાવર ગ્રીડ, ઊર્જા સંગ્રહ માટેની બેટરી સ્ટોરેજ વ્યવસ્થા તેમજ વિન્ડ ટર્બાઇન અને સોલાર એનર્જી માટે જરૂરી મશીનરી તથા મટીરીયલ્સનું સ્થાનિક સ્તરે ઉત્પાદન સહિતના વિષયો અંગે પણ જાણકારી મેળવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હરિત ઊર્જાના વિઝનથી કચ્છની ધરતીનું ભવિષ્ય બદલાઈ રહ્યું છે. કચ્છ આવનારા સમયમાં ગ્રીન એનર્જીના ક્ષેત્રે દેશ અને વિશ્વમાં અગ્રેસર સ્થાન મેળવી શકે છે. તેમણે પર્યાવરણને અનુકૂળ ઊર્જા ઉત્પાદન સાથે ભારતને આ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા સ્વદેશી ટેક્નોલોજીના વધુ ઉપયોગ માટે આહ્વાન કર્યું હતું. અદાણી ગ્રીન એનર્જીના પ્રોજેક્ટ હેડ શકીલ ચૌહાણે રાજ્યપાલને પ્રોજેક્ટની કામગીરી અને કચ્છમાંથી પવન તથા સૌર ઊર્જા દ્વારા દેશની વધતી વીજ જરૂરિયાત પૂરી કરવામાં થઈ રહેલા યોગદાન અંગે માહિતી આપી હતી. બિનઉપજાઉ અને ખારાશવાળી રણની જમીનમાં વિશાળ સંખ્યામાં સ્થાપિત સોલાર પેનલ્સ જોઈ રાજ્યપાલ અને લેડી ગવર્નર દર્શનાદેવી પ્રભાવિત થયા હતા. લગભગ ૮૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિકસાવવામાં આવી રહેલા આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં વર્ષ ૨૦૨૮ સુધીમાં ૩૭ ગીગાવોટ પર્યાવરણમૈત્રી વીજ ઉત્પાદનનું લક્ષ્ય નક્કી કરાયું છે. વિવિધ સરકારી અને ખાનગી કંપનીઓના પ્રોજેક્ટ્સ દ્વારા અહીં રિન્યુએબલ ઊર્જાનું ઉત્પાદન થઈ રહ્યું છે. રાજ્યપાલની મુલાકાત દરમિયાન વહીવટીતંત્ર તથા અદાણી ગ્રીન એનર્જીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ખાવડાના વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ પાર્કની રાજ્યપાલે મુલાકાત લીધી:ગ્રીન એનર્જીને દેશના ભવિષ્યની જરૂરિયાત ગણાવી, સ્વદેશી ટેક્નોલોજી પર ભાર મૂક્યો
📅 Published: October 4, 2026 |
📂 Category: gujarati-news
