ખેડબ્રહ્મા અંબિકા મંદિરે નાળિયેરી પૂનમે ભક્તો ઉમટ્યા:મંગળા આરતીમાં મંદિર પરિસર શ્રદ્ધાળુઓથી ઉભરાયું, યાત્રાળુઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ

📅 Published: August 28, 2026 | 📂 Category: gujarati-news

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા સ્થિત ઐતિહાસિક શ્રી અંબિકા માતાજી મંદિરે નાળિયેરી પૂનમ અને રક્ષાબંધનના પવિત્ર દિવસે ભક્તોનો મહાસાગર ઉમટી પડ્યો હતો. માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે ખેડબ્રહ્મા, આસપાસના વિસ્તારો તેમજ દૂર-દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા. વહેલી સવારે 06:30 વાગ્યે યોજાયેલી મંગળા આરતીમાં મંદિર પરિસર ભક્તોથી ઉભરાઈ ગયું હતું. નાળિયેરી પૂનમના દિવસે મંદિરના દ્વાર વહેલી સવારે 06:15 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. સવારે 11:30 વાગ્યે રાજભોગ ધરાવવામાં આવ્યો હતો, જ્યારે સાંજે 7 વાગ્યે સાયમ આરતી યોજાઈ હતી. દર્શન માટે મંદિરના દ્વાર સવારે 06:30 વાગ્યાથી રાત્રિના 09:45 સુધી ખુલ્લા રહેશે. આ અંગે અંબિકા મંદિર ટ્રસ્ટના મેનેજર દિલીપસિંહ કુંપાવતે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાજ્ય બહારથી આજે અંદાજે એક લાખ ભક્તો રક્ષાબંધન અને નાળિયેરી પૂનમે દર્શન કરવા આવ્યા હતા. શુક્રવારે વહેલી સવારથી જ ભક્તો મંદિરે પહોંચી ગયા હતા અને મંગળા આરતીમાં મંદિર પરિસર ભક્તોથી છલકાઈ ગયું હતું. શ્રી અંબિકા માતાજી ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. વાહન લઈને આવતા ભક્તો માટે યોગ્ય પાર્કિંગની વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ હતી. યાત્રિકો માટે 6 અલગ-અલગ જગ્યાએ ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરાઈ હતી. દર્શન સમયે કોઈ પણ યાત્રિકોને અગવડ ન પડે તે માટે મંદિરમાં પૂરતી સલામતી અને સુરક્ષા ગોઠવવામાં આવી હતી, જેમાં CCTV કેમેરા, ખાનગી સિક્યુરિટી અને પોલીસ વિભાગનો ચુસ્ત બંદોબસ્ત સામેલ હતો. આ પૂનમ દરમિયાન, મંદિર ટ્રસ્ટ તરફથી માત્ર રૂ. 20 ના ટોકન દરથી તમામ યાત્રિકો માટે શુદ્ધ અને પૌષ્ટિક ભોજન (પ્રસાદ)ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *