ખેડાની કુખ્યાત પોંગો ગેંગનો સાગરીત ઓઢવમાંથી ઝડપાયો:મુંબઈના બાર, ગર્લફ્રેન્ડ અને નશા પાછળ ચોરીના રૂપિયા ઉડાવતો

📅 Published: August 31, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરી, વાહન ચોરી તેમજ ચેઇન સ્નેચિંગ જેવા ગંભીર ગુનાઓ આચરતી ખેડાની કુખ્યાત ‘પોંગો ગેંગ’ના સક્રિય સાગરીતને ઝોન 8 એલસીબીની ટીમે ઓઢવ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. પકડાયેલો શાતિર આરોપી ચોરીના પૈસા મુંબઈના ડાન્સ બાર, ગર્લફ્રેન્ડના મોજશોખ અને ગાંજાના નશા પાછળ ઉડાવતો હતો. આ રીઢા ગુનેગારની ધરપકડથી અમદાવાદ, મહેમદાવાદ, સાણંદ અને સાંતેજ પોલીસ મથકમાં નોંધાયેલા કુલ 8 જેટલા અનડિટેક્ટ ગુનાઓનો ભેદ સફળતાપૂર્વક ઉકેલાઈ ગયો છે. ચોરીના વાહનોથી રેકી કરી રાત્રે બંધ મકાનો નિશાન બનાવતા
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી ફતેહવાડી વિસ્તારમાં રહેતો મોહમ્મદ જૈદ ઉર્ફે બિરયાની છે, જે પોંગો ગેંગ સાથે મળીને આંતરજિલ્લા સ્તરે ગુના આચરતો હતો. આ ગેંગ ગુનાને અંજામ આપવા માટે સૌથી પહેલાં કોઈ વિસ્તારમાંથી વાહનની ચોરી કરતી હતી. ત્યારબાદ દિવસના સમયે બંધ મકાનો કે દુકાનોની રેકી કરવામાં આવતી અને રાત્રિના સુમારે ચોરેલા વાહનમાં આવીને તાળાં તોડી કિંમતી માલમત્તાની ચોરી કરી લેતા હતા. ચોરી કર્યા બાદ પકડાઈ ન જવાય તે માટે ઉપયોગમાં લીધેલા વાહનોને દિવસ દરમિયાન અવાવરૂ જગ્યાઓમાં સંતાડી દેવામાં આવતા હતા. ગેંગનો ‘રૂટ નેવિગેટર’: પોલીસથી બચવા શોર્ટ રસ્તાઓ ગાઈડ કરતો
આરોપી મોહમ્મદ જૈદ ઉર્ફે બિરયાની તમામ મુખ્ય તેમજ અંદરના માર્ગો અને ભૌગોલિક વિસ્તારોથી સારી રીતે વાકેફ હતો. આથી તે ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ પોલીસ નાકાબંધીથી બચીને કયા રસ્તેથી સુરક્ષિત નીકળી જવું તે અંગે આખી ગેંગને રૂટ ગાઈડ કરતો હતો. આ શાતિર પ્લાનિંગના કારણે ગેંગ લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહેવામાં સફળ રહી હતી, પરંતુ ઝોન-8 LCBની ટીમે ચોક્કસ બાતમીના આધારે ઓઢવથી તેને દબોચી લીધો હતો. અપહરણ, ખંડણી અને મારામારી સહિતનો ગુનાહિત ઇતિહાસ
ઝડપાયેલો આરોપી માત્ર ચોરી જ નહીં પરંતુ અન્ય ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલો જૂનો ગુનેગાર છે. અગાઉ તેની સામે નારોલ પોલીસ સ્ટેશનમાં અપહરણ, ખંડણી અને મારામારી, વેજલપુર પોલીસ સ્ટેશનમાં મારામારી તેમજ સરખેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરીને પોંગો ગેંગના અન્ય ફરાર સાગરીતો અને ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા માટે કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *