ખેલો ઈન્ડિયા યુવા સંવાદ: વડાપ્રધાનના વર્ચ્યુઅલ કાર્યક્રમની તૈયારીઓ:અમદાવાદ ઓલિમ્પિક્સ 2036ની તૈયારીના ભાગરૂપે PM મોદીનો 'ખેલો ઈન્ડિયા યુવા સંવાદ,રાષ્ટ્રીય ખેલ દિવસે વડાપ્રધાન દેશભરના યુવાનો સાથે કરશે વર્ચ્યુઅલ સંવાદ: જૂનાગઢની બે કોલેજો બનશે સહભાગી

📅 Published: August 25, 2026 | 📂 Category: gujarati-news

​આગામી 29 ઓગસ્ટે મેજર ધ્યાનચંદની જયંતી એટલે કે ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ના અવસર પર ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ‘માય ભારત’ તેમજ રાષ્ટ્રીય સેવા યોજનાના સંયુક્ત ઉપક્રમે ‘ખેલો ઈન્ડિયા યુવા સંવાદ’નું ભવ્ય દેશવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી સમગ્ર દેશભરના યુવાનો, વિદ્યાર્થીઓ અને ખેલાડીઓ સાથે સીધો સંવાદ કરશે. આ આયોજનના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાની બે અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ — બહાઉદ્દીન સાયન્સ કોલેજ અને આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની વિશેષ પસંદગી કરવામાં આવી છે, જ્યાંથી યુવાનો વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાશે. ​મેરા યુવા ભારત, જૂનાગઢના જિલ્લા યુવા અધિકારી મયંક ભદોરિયાએ જણાવ્યું હતું કે દર વર્ષે રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી થાય છે, પરંતુ આ વખતે ખેલ મંત્રાલય તેને વધુ બૃહદ બનાવવા ‘ખેલો ઈન્ડિયા યુવા સંવાદ’નો નવો કોન્સેપ્ટ લાવ્યું છે. 2036માં ભારતના અમદાવાદ ખાતે પ્રસ્તાવિત ઓલિમ્પિક્સ માટે અત્યારથી જ યુવા પ્રતિભાઓને જાગરૂક કરવા અને રમતોમાં તેમની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવી એ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ આયોજન દરમિયાન સ્ટેટ અને નેશનલ લેવલે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર સ્થાનિક ખેલાડીઓ પણ હાજર રહેશે અને યુવાનોને રમતો પ્રત્યે તથા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરશે. આ ઉપરાંત, ‘માય ભારત’ પોર્ટલ પર ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ’ (VBYLD) ક્વિઝમાં યુવાનોનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવશે તેમજ ‘સૂચન પેટી’ (Suggestion Box) ના માધ્યમથી યુવાનો ‘વિકસિત ભારત 2047’ માટે પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકશે. ​બહાઉદ્દીન સાયન્સ કોલેજના પ્રાધ્યાપક મનીષ જાનીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન વર્ચ્યુઅલ માધ્યમથી દેશના વિદ્યાર્થીઓ સાથે રૂબરૂ થઈ રહ્યા છે તે ગૌરવની વાત છે. વિદ્યાર્થીઓમાં ખેલદિલી અને ભ્રાતૃત્વની ભાવના કેળવાય અને તેઓ સંપીને રાષ્ટ્રના ઘડતરમાં મદદરૂપ થાય તે અત્યંત જરૂરી છે. તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સમાં 39 મેડલો સાથે ખેલાડીઓએ બતાવેલા ઉત્કૃષ્ટ દેખાવ બાદ હવે જ્યારે ભારત પોતાના અમદાવાદ શહેર ખાતે 2036ના ઓલિમ્પિક્સનું યજમાન બનવા જઈ રહ્યું છે, ત્યારે તમામ મેડલો યુવાનો જીતે તે માટે અત્યારથી જ કમર કસીને તૈયારીઓ આરંભી દેવી પડશે. આ સંવાદ યુવાનોને 21મી સદીમાં ભારતને વિશ્વમંચ પર મહાસત્તા બનાવવાની નવી પ્રેરણા આપશે. ​આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરના યુવાનોને સંબોધિત કરશે, અમદાવાદમાં યોજાનારા 2036 ઓલિમ્પિક્સ માટે દેશના રમતગમત માળખાને મજબૂત કરવાની દિશામાં માર્ગદર્શન આપશે અને સ્થાનિક ખેલાડીઓ પોતાના અનુભવો શેર કરશે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા અને વધુમાં વધુ યુવાનોની સક્રિય સહભાગિતા સુનિશ્ચિત કરવા બહાઉદ્દીન કોલેજના પ્રાધ્યાપક એમ. એમ. જાની, NSS નોડલ પરાગ દેવાણી, પ્રોગ્રામ ઓફિસર કે. એલ. કરાંગિયા અને જી. એલ. ગોસાઈ દ્વારા જૂનાગઢના તમામ યુવાનોને આ કાર્યક્રમમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *