ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ આપી સન્માનિત કરાયા છે. આ સન્માન ગાંધીનગર ટાઉનહોલ ખાતે એક કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું. તેમને મતવિસ્તારમાં કરેલી નોંધપાત્ર કામગીરી બદલ આ વિશેષ એવોર્ડ મળ્યો છે. ધારાસભ્ય નરેશ પટેલની લોકાભિમુખ કામગીરી, પ્રજા પ્રત્યેની જવાબદારી અને વિકાસલક્ષી અભિગમને ધ્યાનમાં રાખીને સરકારે આ એવોર્ડ આપ્યો છે. તેમણે પોતાના મતવિસ્તારમાં રસ્તા, પાણી, શિક્ષણ, આરોગ્ય, વીજળી જેવી પાયાની સુવિધાઓને મજબૂત બનાવવા સતત પ્રયાસ કર્યા છે. તેમણે ગ્રામ્ય વિસ્તારોના યુવાનો, ખેડૂતો, મહિલાઓ, વડીલો અને જરૂરિયાતમંદ નાગરિકોને સરકારી યોજનાઓનો સીધો લાભ મળે તે દિશામાં પણ સારું કામ કર્યું છે. આ સન્માન બદલ આભાર વ્યક્ત કરતા ધારાસભ્ય નરેશ પટેલે કહ્યું કે, “આ સન્માન માત્ર મારું નથી, પરંતુ ગણદેવી મતવિસ્તારની સમગ્ર જનતાનું સન્માન છે. પ્રજાના વિશ્વાસ અને સહકારથી વિકાસના કામોને વધુ ગતિ આપવા અમે કટિબદ્ધ છીએ.” તેમણે વધુમાં ઉમેર્યું કે, આગામી સમયમાં પણ બાકી રહેલા પ્રશ્નો ઉકેલવા સરકારના સહયોગથી પ્રયત્નો ચાલુ રહેશે. આ એવોર્ડ મળવાથી ગણદેવી તાલુકાના નાગરિકો, કાર્યકરો, સ્થાનિક આગેવાનો અને શુભેચ્છકોમાં ખુશીની લાગણી જોવા મળી છે. તમામ લોકો ધારાસભ્ય નરેશ પટેલને અભિનંદન આપી રહ્યા છે.
ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ મળ્યો:ગાંધીનગર ટાઉનહોલ ખાતે ગુજરાત સરકારે વિકાસ કામગીરી બદલ સન્માનિત કર્યા
📅 Published: September 2, 2026 |
📂 Category: gujarati-news
