25 એપ્રિલ, 2026
રાતનું ઘોર અંધારૂં હતું. આખું સુરત શહેર ઊંઘી રહ્યું હતું અને સલાબતપુરા વિસ્તારની સાંકડી ગલીઓમાં સન્નાટો પ્રસરેલો હતો. આવામાં પોલીસની ઉપરાઉપરી 4 ગાડીઓ સાયરન વગાડતી-વગાડતી કાગજીની ચાલમાં આવીને ઊભી રહી. હવેનો રસ્તો વધુ સાંકડો હતો એટલે અહીંથી પોલીસના વાહનો આગળ વધી શકે તેમ નહોતા એટલે પગપાળા જવા સિવાય કોઇ વિકલ્પ નહોતો. ગોડાદરા પોલીસ સ્ટેશનના PI, 2 PSI અને હથિયારબદ્ધ 8થી 10 જવાનોનો કાફલો ગાડીમાંથી નીચે ઉતર્યો. ચારેકોર અજંપાભરી શાંતિ હતી. પોલીસના હાથમાં ટોર્ચ હતી. જેનો પ્રકાશ અંધારાને ચીરી રહ્યો હતો. પોલીસની સાથે એક વૃદ્ધ પણ હતા. એ વૃદ્ધના ચહેરા પર ભય અને ચિંતા સ્પષ્ટપણે વર્તાતા હતા. વૃદ્ધનું નામ હતું પ્રદીપભાઇ. વૃદ્ધને લઇને પોલીસનો કાફલો કાગજીની ચાલની અંદર પતરાંવાળા અને કાચા મકાનોની વચ્ચેથી પસાર થઇને એક જૂના મકાન આગળ આવીને અટક્યો. મકાનના પહેલા માળે લાકડાનું મોટું બારણું હતું. જેના પર કાટ ખાધેલું તાળું લટકી રહ્યું હતું. PIએ ટોર્ચનો પ્રકાશ દરવાજા પર ફેંકતા કોન્સ્ટેબલને હુકમ કર્યો- તાળું તોડી નાખો. કોન્સ્ટેબલે પોતાની પાસે રહેલી હથોડી બહાર કાઢી. બે-ત્રણ ઘા વાગતા જ તાળું તૂટીને નીચે પડ્યું. જેવો ધક્કો મારીને દરવાજો ખોલ્યો કે અંદરથી એવી તીવ્ર અને અસહ્ય દુર્ગંધ બહાર આવી કે સ્થળ પર હાજર સૌ કોઇએ પોતાના નાક આગળ રૂમાલ ઢાંકી દીધો. એ બંધ મકાનમાં છેલ્લા 5 દિવસથી એક એવું ભયાનક સત્ય છૂપાયેલું હતું જે આખા શહેરને હચમચાવી મૂકવાનું હતું. વાતની શરૂઆત થાય છે વર્ષ 2010થી. શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતા અને હીરાના કારખાનામાં કામ કરતા વિશાલ સાલવીના લગ્ન શિલ્પા સાથે થયા હતા. શરૂઆતના 3-4 વર્ષ બંનેનું જીવન ખૂબ જ પ્રેમપૂર્વક વિત્યું. પહેલા પુત્ર અને પછી પુત્રીનો જન્મ થયો પરંતુ સમય જતાં પરિસ્થિતિ બદલાઇ. હીરા ઉદ્યોગમાં મંદી આવતા વિશાલ બેકાર થઇ ગયો. આ તરફ શિલ્પા ભણેલી-ગણેલી અને મહત્વાકાંક્ષી મહિલા હતી. તેણે ડાયટીશિયનનો અભ્યાસ કર્યો અને પાલ વિસ્તારમાં પોતાનું ક્લિનિક શરૂ કર્યું. તેની મહેનત રંગ લાવી અને ક્લિનિક ખૂબ જ સરસ ચાલવા લાગ્યું. બેકારીના કારણે વિશાલમાં લઘુતાગ્રંથિ ઘર કરી ગઇ. સફળ પત્ની અને બેકાર પતિ વચ્ચે અવારનવાર ઝઘડા થવા લાગ્યા. શિલ્પા જ્યારે સવારે તૈયાર થઇને ક્લિનિક જવા નીકળતી ત્યારે વિશાલ તેને શંકાની નજરે જોતો. વિશાલ મનોમન વિચારતો કે આ રોજ સવારે વહેલી તૈયાર થઇને ક્યાં જાય છે? નક્કી આનું કોઇ બીજા સાથે અફેર ચાલે છે. આ મારી પાસે જૂઠ્ઠું બોલે છે. આમ આ રીતે ધીરે ધીરે તેના મનમાં પત્નીના ચારિત્ર્ય અંગે આશંકા થવા લાગી. સમય જતાં આ આશંકા એટલી વધી ગઇ કે તેણે એક ખૌફનાક પ્લાનનું સ્વરૂપ લઇ લીધું. એવો પ્લાન જેના વિશે વિશાલ સિવાય કોઇ જાણતું નહોતું. 20મી એપ્રિલે ગરમીથી બળબળતી બપોરે વિશાલે મીઠાશભર્યા અવાજમાં પત્નીને કહ્યું- શિલ્પા, ચાલ આજે આપણે સલાબતપુરાવાળા આપણા જૂના મકાને જઇ આવીએ. ત્યાં આપણો કેટલોક સામાન પડ્યો છે તે લઇ આવીએ. શિલ્પાને પોતાના પતિના મનમાં ચાલી રહેલા શૈતાની પ્લાનની સહેજ પણ કલ્પના નહોતી. તે તરત જ તૈયાર થઇ ગઇ અને પતિની પાછળ બાઇક પર બેસીને નીકળી ગઇ. કાગજીની ચાલમાં વિશાલના 5 જેટલા જૂના કાચા મકાનો આવેલા હતા. તે સાંકડી ગલીમાં આવેલા હતા. જ્યાં આજુબાજુ કોઇ ખાસ અવરજવર નહોતી. અહીં આવીને વિશાલ પોતાના ખતરનાક પ્લાનને અંજામ આપવાનો હતો. મકાનના પહેલા માળે પહોંચતા જ વિશાલે શિલ્પા સાથે ઝઘડો શરૂ કર્યો. વિશાલઃ તું દરરોજ તૈયાર થઇને ક્યાં જાય છે?
શિલ્પા:વિશાલ, તું રોજ રોજ મારા પર આવી શંકા કેમ કરે છે? હું મહેનત કરીને ઘર ચલાવું છું અને તું મારી કદર કરવાને બદલે મારા પર આક્ષેપ લગાવે છે? શિલ્પાનો આ જવાબ સાંભળીને વિશાલનો પિત્તો છટક્યો. તે તાડૂક્યો- મને બધી ખબર છે. તું મને મૂર્ખ સમજે છે? આજે તો તારો ખેલ ખતમ. આટલું કહીને તેણે શિલ્પા પર હુમલો કરી દીધો. શિલ્પા કંઇ સમજે કે પોતાનો બચાવ કરે તે પહેલાં જ વિશાલે તેની ગરદન પર પોતાના બન્ને હાથની પકડ મજબૂત કરી દીધી. શિલ્પાએ છૂટવા માટે તરફડિયાં માર્યા પણ વિશાલના ઝનૂન અને શક્તિ સામે તે લાચાર બની ગઇ. થોડી જ મિનિટોમાં તેનો શ્વાસ રૂંધાઇ ગયો અને તે જમીન પર ઢળી પડી. જે પત્ની સાથે આટલા વર્ષો વિતાવ્યા હતા તેની પોતાના જ હાથે હત્યા કર્યા પછી પણ વિશાલના ચહેરા પર પસ્તાવાનો કોઇ ભાવ નહોતો. હવે તે પોતાના પ્લાન પ્રમાણે આગળ વધી રહ્યો હતો. તેણે પહેલેથી જ વિચારી રાખ્યું હતું કે કેવી રીતે શિલ્પાની હત્યા કરવી, હત્યા કર્યા પછી શું કરવું. વિશાલના મકાનની બાજુમાં એક ઇમારત બની રહી હતી એટલે ત્યાં બાંધકામ માટે જરૂરી એવા સિમેન્ટ, રેતી, કપચી પડ્યા હતા. વિશાલ શાંતિથી નીચે ગયો અને ત્યાંથી સિમેન્ટની બોરી લઇ આવ્યો. મકાનમાં જ્યાં શિલ્પાની લાશ પડી હતી તેની બાજુમાં જ લાકડાંની મોટી પેટી હતી. વિશાલે શિલ્પાની લાશને એ લાકડાંની પેટીમાં ઠાંસી ઠાંસીને પૂરી દીધી. લાશ કોહવાય ત્યારે તેની દુર્ગંધ બહાર ન આવે તે માટે તેણે પેટીની અંદર, ઉપર અને આજુબાજુ સિમેન્ટનું જાડું પડ ચઢાવી દીધું. હવે એ પેટી લાકડાની નહીં પણ સિમેન્ટનો બ્લોક લાગતી હતી. આટલું કર્યા પછી લગભગ એકાદ કલાક સુધી વિશાલ ત્યાં પાસે જ બેસી રહ્યો અને ખાતરી કરી લીધી કે બધું સરખું સીલ થયું છે કે નહીં. આના પછી તે બાજુમાં રહેતા પોતાના સંબંધીઓના ઘરે ગયો. સંબંધી: વિશાલ, શિલ્પા ક્યાં ગઇ? એ તો તારી સાથે આવી હતી ને? વિશાલે જાણે કંઇ જ બન્યું ન હોય તેમ એકદમ શાંતિથી અને ચહેરા પર સામાન્ય હાવભાવ સાથે કહ્યું- હા, એ તો થોડીવાર પહેલાં જ અહીંથી નીકળી ગઇ છે. તેને સ્મીમેર હોસ્પિટલ પાસે કામ હતું એટલે ત્યાં ગઇ છે. આટલું કહીને વિશાલ ઠંડા કલેજે ત્યાંથી નીકળીને પોતાના ઘરે ગોડાદરા જતો રહ્યો. શિલ્પાના પિતા પ્રદીપભાઇ કોસ્ટા છત્તીસગઢના જગદલપુરમાં રહેતા હતા અને દરજીકામ કરીને ગુજરાન ચલાવતા હતા. તે નિયમિત રીતે દીકરી શિલ્પાને ફોને કરીને તેના ખબર અંતર પૂછતા હતા. સતત 2 દિવસ સુધી શિલ્પાનો ફોન સ્વીચ ઓફ આવતા તેણે જમાઇ વિશાલને ફોન કર્યો અને શિલ્પા ક્યાં છે તે પૂછ્યું. વિશાલે ચિંતાતુર હોવાનો ડોળ કરતા કહ્યું, શિલ્પા તો 20 તારીખે જ હોસ્પિટલ પાસે ઉતરીને ક્યાંક જતી રહી છે. તેનો કોઈ પત્તો નથી. આટલું સાંભળતાં જ પ્રદીપભાઇના પગ નીચેથી જાણે કે જમીન સરકી ગઇ. આખા ઘટનાક્રમથી અજાણ પ્રદીપભાઇએ વિશાલને કહ્યું કે હું અહીંથી ત્યાં સુરત તાત્કાલીક આવું છું.
આના પછી તે સુરત આવી પહોંચ્યા અને જમાઇને મળ્યાં. વિશાલ પોતાના સસરાની આંખમાં આંખ મિલાવીને ખોટું બોલ્યો. એટલું જ નહીં, તે સસરાને સાથે લઇને ગોડાદરા પોલીસ સ્ટેશન ગયો અને શિલ્પા ગૂમ થયાની ફરિયાદ નોંધાવી. જેમાં તેણે લખાવ્યું હતું કે ચારેક દિવસ પહેલા તે પોતાના ટુ-વ્હીલર પર પત્ની શિલ્પાને લઇને નીકળ્યો હતો. તેણે શિલ્પાને માન દરવાજા પાસે ડ્રોપ કરી હતી ત્યારથી તેની કોઇ ભાળ મળતી નથી. ફરિયાદ નોંધાવ્યા બાદ તેણે સસરાને કહ્યું કે- પોલીસ તો તેની રીતે તપાસ કરશે. ચલો, આપણે આપણી રીતે તપાસ કરીએ. સસરાએ હા પાડતા બન્ને શિલ્પાને શોધવામાં લાગ્યા. બન્નેએ સાથે રહીને સગા-સંબંધીના ઘરે, પરિચિતોના ઘરે, શિલ્પાના ક્લિનિક પર શોધવાનું શરૂ કર્યું પણ શિલ્પાનો ક્યાંયથી પત્તો ન મળ્યો. પત્તો મળે પણ કઇ રીતે? કેમ કે શિલ્પા તો લાશ બનીને હવે લાકડાની એક પેટીમાં સમાયેલી હતી. શિલ્પાની હત્યાના ત્રીજા દિવસથી જ કાગજીની ચાલના રહીશોને અસહ્ય દુર્ગંધ આવવાની શરૂ થઇ ગઇ હતી પણ કાચા મકાનો હોવાથી લોકોને લાગ્યું કે કદાચ કોઇ પ્રાણી મરી ગયું હશે. આવું માનીને તેમણે વધુ કંઇ ધ્યાન ન આપ્યું. 25મી એપ્રિલની રાતે 9 વાગ્યે આખો કેસ જ બદલાઇ ગયો. હવે આ મામલામાં નવો જ વળાંક આવવાનો હતો. આ જાણવા માટે જુઓ ગુજરાત ક્રાઇમ ફાઇલ્સનો બીજો એપિસોડ.
ગળું દબાવી ડાયટીશિયન પત્નીને મોતને ઘાટ ઉતારી:લાશને લાકડાની પેટીમાં ઠસોઠસ ભરી સિમેન્ટથી ચણી દીધી, સસરાને સાથે રાખી શોધવાનું નાટક કર્યું
📅 Published: August 18, 2026 |
📂 Category: gujarati-news
