ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખા દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા ચકાસવા માટે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મનપાની ટીમે શહેરની 7 જેટલી જાણીતી હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન રક્ષા શક્તિ સર્કલ પાસે આવેલી નામાંકિત ‘ગ્વાલિયા સ્વીટ એન્ડ રેસ્ટોરન્ટ’માંથી 31 કિલોગ્રામ બિનઆરોગ્યપ્રદ ખાદ્ય જથ્થો મળી આવતાં તેનો સ્થળ પર જ નાશ કરાયો હતો. જ્યારે અન્ય એક પેઢી ‘પટ્ટી વડાપાઉં’માં ઉંદરે કોતરી ખાધેલા પાઉંના પેકેટો મળી આવતાં તેનું ફૂડ રજિસ્ટ્રેશન 7 દિવસ માટે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયું છે. પટ્ટી વડાપાઉંમાં ગંદકી વચ્ચે ઉંદરના કાતરેલા પાઉં મળતાં એકમ સીલ કરાયું
મનપાની ટીમે દરોડા પાડ્યા ત્યારે ‘પટ્ટી વડાપાઉં’ નામની પેઢીમાં અત્યંત ગંભીર બેદરકારી સામે આવી હતી. રસોડામાં ભારે ગંદકી અને અસ્વચ્છતા વચ્ચે ગ્રાહકોને પીરસવા માટે રાખવામાં આવેલા પાઉંના પેકેટો ઉંદરો દ્વારા કાતરી ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. આરોગ્ય સાથે ચેડાં કરતી આવી ગંભીર સ્થિતિને ધ્યાને લઈ ફૂડ સેફ્ટી વિભાગે પેઢીનું લાયસન્સ 7 દિવસ માટે સસ્પેન્ડ કરીને ધંધો તાત્કાલિક બંધ કરાવી દીધો છે તેમજ નિર્ધારિત સમયમાં સુધારો નહીં થાય તો કાયમી રદ્દીકરણ સહિતની કડક કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી છે. ગ્વાલિયા સ્વીટ્સમાંથી 10 હજારનો એક્સપાયરી માલ જપ્ત કરી નોટિસ ફટકારી
રક્ષા શક્તિ સર્કલ નજીક આવેલી ગ્વાલિયા સ્વીટ એન્ડ રેસ્ટોરન્ટમાં તપાસ દરમિયાન એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ચૂકેલી ઝીણી સેવ, ચવાણું તેમજ અત્યંત ખરાબ સ્થિતિમાં સંગ્રહાયેલો મેંદાનો લોટ મળી આવ્યો હતો. અધિકારીઓએ અંદાજે 10 હજાર રૂપિયાની કિંમતનો 31 કિલો બિનઆરોગ્યપ્રદ જથ્થો સ્થળ પર જ નષ્ટ કરાવ્યો હતો અને હાઈજીન તેમજ સેનિટેશનની ક્ષતિઓ બદલ ઈમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારી હતી. આ ઉપરાંત કુડાસણ સ્થિત રાજવી ફૂડ કોર્નરમાં પણ ગંદકી જણાતાં તેમને પણ સુધારણા નોટિસ પાઠવવામાં આવી છે. વિવિધ રેસ્ટોરન્ટ્સમાંથી 10 નમૂના લેબમાં મોકલાયા
તપાસ દરમિયાન ગુણવત્તાની ઊંડાણપૂર્વક ચકાસણી માટે વિવિધ ખાદ્ય પેઢીઓમાંથી કુલ 10 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં સરગાસણની લા ક્રસ્ટ હોટેલમાંથી પનીર શાશ્લિક સિઝલર, મલાઈ પનીર, તુવેર દાળ અને મસાલા તેમજ રાજવી ફૂડ કોર્નર અને ગ્વાલિયા ફૂડ્સમાંથી મિક્સ વેજ, પનીર અને દહીવડાના નમૂનાઓનો સમાવેશ થાય છે. ડેઝિગ્નેટેડ ઓફિસર એસ.એ. ઓડે સ્પષ્ટ જણાવ્યું છે કે કિચનમાં કેપ, એપ્રોન અને ગ્લોવ્ઝ પહેરવા તથા ન્યૂઝપેપર કે કૃત્રિમ કલરનો ઉપયોગ ટાળવા અંગેના નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે લાયસન્સ રદ્દ કરવા સહિતના આકરાં પગલાં લેવામાં આવશે.
ગાંધીનગરમાં ફૂડ સેફ્ટી શાખાનો સપાટો:ગ્વાલિયા સ્વીટ્સમાંથી 31 કિલો અખાદ્ય જથ્થો મળ્યો, પટ્ટી વડાપાઉંનું લાયસન્સ 7 દિવસ માટે સસ્પેન્ડ
📅 Published: August 22, 2026 |
📂 Category: gujarati-news
