ગિરનાર પરિક્રમા, સોમનાથ મેળામાં વેરાવળ એસ.ટી.ને 27.88 લાખની આવક:સાત દિવસમાં 442 એક્સ્ટ્રા ટ્રિપ દ્વારા 20,425 મુસાફરોને પરિવહન સેવા, ડેપોની કુલ આવક 1.05 કરોડને પાર

📅 Published: November 26, 2026 | 📂 Category: gujarati-news

ગિરનાર લીલી પરિક્રમા-2026 અને સોમનાથ ખાતે યોજાયેલા કાર્તિકી પૂર્ણિમા મેળામાં ઉમટી પડેલા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના વેરાવળ એસ.ટી. ડેપો દ્વારા વિશેષ બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. તા.19થી 25 નવેમ્બર દરમિયાન સાત દિવસમાં વેરાવળ ડેપો દ્વારા કુલ 442 વધારાની ટ્રિપો દોડાવવામાં આવી હતી. આ કામગીરી થકી નિગમને રૂ.27,88,567ની વધારાની આવક થઈ હતી. 105 વાહનો દ્વારા 57,748 કિમીનું વધારાનું સંચાલન
ગિરનાર લીલી પરિક્રમામાં જવા-આવવા માટે જૂનાગઢ તેમજ જૂનાગઢથી સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમા મેળામાં આવતા યાત્રિકોને પરિવહન સેવા પૂરી પાડવા વિશેષ આયોજન કરાયું હતું. આ દરમિયાન કુલ 105 વાહનોનો ઉપયોગ કરીને 20,425 મુસાફરોને સલામત પરિવહન સુવિધા આપવામાં આવી હતી. બસોએ કુલ 57,748 કિલોમીટરનું વધારાનું અંતર કાપ્યું હતું. આ સંચાલન દરમિયાન EPKM 48.29 નોંધાયો હતો. એક પણ અકસ્માત કે બ્રેકડાઉન વિના કામગીરી
આ સફળ કામગીરી પાછળ એસ.ટી.ના ડ્રાઇવર-કંડક્ટરોની રાત-દિવસની મહેનત અને સમગ્ર સ્ટાફના ટીમવર્કનો મહત્ત્વનો ફાળો રહ્યો હતો. ખાસ નોંધનીય બાબત એ રહી કે સાત દિવસનું સમગ્ર વધારાનું સંચાલન એક પણ અકસ્માત કે બ્રેકડાઉન વિના પૂર્ણ થયું હતું. વાહનોની સમયસર જાળવણી અને ટેકનિકલ વ્યવસ્થા જાળવવા મિકેનિક, સુપરવાઇઝર અને મિકેનિકલ સ્ટાફે જવાબદારી નિભાવી હતી. જ્યારે ટ્રાફિક સુપરવાઇઝરો, ટ્રાફિક સ્ટાફ અને વહીવટી કર્મચારીઓએ સતત મોનિટરિંગ કર્યું હતું. પાંચ ડ્રાઇવર-કંડક્ટરોની કામગીરીને બિરદાવાઈ
વધુમાં વેરાવળ ડેપોના પાંચ ડ્રાઇવર-કંડક્ટરોએ તા.16થી 24 નવેમ્બર દરમિયાન લાંબા અંતરની મુસાફરી કરતા યાત્રિકોને તેમના વતન સુધી પહોંચાડવા સતત રાત-દિવસ બસો દોડાવી હતી. નિગમની વધારાની આવકમાં તેમનો પણ મહત્ત્વનો ફાળો રહ્યો હતો. તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ નિગમે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. સાથે જ નિગમ માન્ય ત્રણેય કર્મચારી સંગઠનોના આગેવાનોએ પણ ડ્રાઇવર-કંડક્ટરોને સતત પ્રોત્સાહન અને સહકાર આપ્યો હતો. સાત દિવસમાં ડેપોની કુલ આવક રૂ.1.05 કરોડને પાર
તા.19થી 25 નવેમ્બર દરમિયાન તમામ બસોમાં મુસાફરોનો મહત્તમ ટ્રાફિક રહેતાં વેરાવળ એસ.ટી. ડેપોની સાત દિવસની કુલ આવક રૂ.1,05,11,908 નોંધાઈ હતી. આમ, ગિરનાર લીલી પરિક્રમા અને સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળા દરમિયાન વધારાના બસ સંચાલનથી નિગમને નોંધપાત્ર આવક થવાની સાથે હજારો શ્રદ્ધાળુઓને સુવિધાજનક પરિવહન સેવા મળી હતી. વેરાવળ એસ.ટી. ડેપો મેનેજર દિલીપ શામળાએ આ વિગતો આપતાં કામગીરીમાં જોડાયેલા તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભવિષ્યમાં પણ ટીમવર્કથી મુસાફરલક્ષી સેવાઓમાં વધારો કરી ડેપોને વધુ સારાં પરિણામો અપાવવા કર્મચારીઓને અપીલ કરી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *