ગિરનાર લીલી પરિક્રમા પૂર્વે રૂટનું નિરીક્ષણ અને તૈયારીઓ સમીક્ષા.:જુનાગઢમાં આગામી ગિરનાર લીલી પરિક્રમાને લઈને વહીવટી તંત્ર અને સાધુ-સંતો દ્વારા રૂટનું સફળ નિરીક્ષણ કરાયું, પાણી અને સુવિધાઓ પર વિશેષ ભાર અપાયો.

📅 Published: November 5, 2026 | 📂 Category: gujarati-news

આગામી સમયમાં શરૂ થનાર પવિત્ર ગિરનાર લીલી પરિક્રમાને લઈને તંત્ર અને સંતો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ સંદર્ભમાં આજે સાધુ-સંતો અને વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાના 36 કિલોમીટરના રૂટનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન વન વિભાગ, આરોગ્ય વિભાગ તેમજ અન્ય વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ​જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજે આ મુલાકાત વિશે વાત કરતા જણાવ્યું હતું કે દેવો દ્વારા શરૂ કરવામાં આવી રહેલી આ ગિરનારની લીલી પરિક્રમા આગામી 20 નવેમ્બરથી શરૂ થવાની છે. આ પરિક્રમાના 36 કિલોમીટરના લાંબા રૂટની યથાર્થ સ્થિતિ ચકાસવા માટે જુનાગઢ વહીવટી તંત્ર, ધારાસભ્ય, સાંસદ, કલેક્ટર, એસ.પી. અને ગિરનાર મંડળના તમામ સાધુ-સંતોએ સાથે મળીને રૂટનું ચેકિંગ કર્યું હતું. તેમણે વન વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા ઊભી કરવામાં આવેલી વ્યવસ્થાઓની સરાહના કરી હતી. સાથે જ તેમણે શ્રદ્ધાળુઓને અપીલ કરી હતી કે પર્યાવરણ અને પ્રકૃતિ એ પરમાત્માનું ઘર છે, તેથી આપણા ઘરની જેમ જ આ વનને પણ સ્વચ્છ રાખવું ખૂબ જરૂરી છે. પરિક્રમા દરમિયાન કોઈપણ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને ખાણીપીણીની વસ્તુઓ મૂગા પ્રાણીઓને ન ખવડાવવા તેમણે વિશેષ ભાર મૂક્યો હતો જેથી વન્યજીવોને કોઈ નુકસાન ન થાય. ​આ બાબતે વિગતવાર માહિતી આપતા જુનાગઢ કલેક્ટર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે ગિરનાર લીલી પરિક્રમા નવેમ્બર મહિનામાં 20 તારીખથી શરૂ થવાની છે, જે 20 તારીખની રાત્રે અને 21 તારીખે સવારે મધ્યરાત્રીએ વિધિવત શરૂ થશે. આ પૂર્વ તૈયારીના ભાગરૂપે જ આજે વહીવટી તંત્રના તમામ અધિકારીઓ, સાધુ-સંતોના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળીને રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે રૂટ બહુ સારી રીતે તૈયાર કર્યો છે અને તે બદલ સૌએ સંતોષ વ્યક્ત કર્યો છે. આગામી 15 દિવસમાં સુવિધાઓને વધુ સારી બનાવવાનો પ્રયાસ રહેશે. ​આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહેવાના કારણે જંગલ વિસ્તારના નદી-નાળા સૂકા હોવાની વાસ્તવિકતા પણ કલેક્ટરે જણાવી હતી. લાખોની સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓને પીવાના પાણીની પૂરતી સગવડ મળી રહે તે માટે અગાઉના બોર ચાલુ રાખવાની સાથે નવા બોર પણ બનાવવામાં આવ્યા છે, જેમાં તાજેતરમાં 5 નવા બોર કર્યા છે અને તેમાંથી 4 માં પાણી પણ મળી ગયું છે. તેમ છતાં વરસાદ ન થવાથી પાણીની થોડી અછત અને તાપમાન વધુ હોઈ શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે શ્રદ્ધાળુઓને માર્ગદર્શન આપ્યું હતું કે જેઓ શારીરિક રીતે ફીટ અને યુવાન હોય તેઓ જ પરિક્રમામાં ભાગ લે. નાના બાળકો અને વૃદ્ધો લાંબી પરિક્રમા તથા તબીબી કારણોસર આ મુસાફરી ટાળે તે હિતાવહ છે. તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને પ્રકૃતિની નજદીક એક સારો અને આધ્યાત્મિક અનુભવ થાય તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *