ગિરનાર હનુમાનધારા મંદિરના વ્યવસ્થાપક અને તેના ભાઈનો દારૂ પીતો VIDEO:મોઢામાં બોટલ રાખીને ડાન્સ કર્યો, બંનેએ કહ્યું- અમને ફસાવવા-મંદિરને બદનામ કરવા જૂનો વીડિયો વાઈરલ કર્યો

📅 Published: August 19, 2026 | 📂 Category: gujarati-news

જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પરના હનુમાનધારા મંદિરની વ્યવસ્થા અને વહીવટ સંભાળતા વિશાલ અગ્રાવત અને તેના ભાઈ હિરેન અગ્રાવતનો દારૂ પીતો કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ધાર્મિક સ્થળ સાથે સંકળાયેલા આ વ્યક્તિઓના શરમજનક કૃત્યથી ભાવિક ભક્તોમાં ભારે રોષ ફેલાતા જૂનાગઢ પોલીસે તાત્કાલિક બંને ભાઈઓની અટકાયત કરી છે. તો બીજી તરફ આ બંને ભાઈઓ રામજી મંદિરના મહંત શ્રેયાસદાસ બાપુના કૌટુંબીક ભાઈઓ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે વિવાદ વધતાં પોતાના બચાવમાં સ્પષ્ટતા કરી છે કે, તેમને ફસાવવા માટે અને ધાર્મિક જગ્યાને બદનામ કરવા આ જૂનો વીડિયો વાઈરલ કરવામાં આવ્યો છે. હિરેને મોઢામાં દારૂની બોટલ રાખીને ડાન્સ કર્યો
વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, વિશાલ અગ્રાવત દારૂના ગ્લાસ ભરીને બેઠા છે અને વીડિયો રેકોર્ડ કરનાર વ્યક્તિને રોકી રહ્યા છે, જ્યારે તેનો ભાઈ હિરેન મોઢામાં દારૂની બોટલ રાખીને ડાન્સ કરી રહ્યા છે. વીડિયો સામે આવતાં જ જૂનાગઢ ‘એ’ ડિવિઝન પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ઉપરકોટ નજીક રામજી મંદિરના ડેલામાં રહેતા બંને ભાઈઓની નિવાસસ્થાનેથી પોલીસ સ્ટેશને લઈ જઈ ગહન પૂછપરછ હાથ ધરી હતી. મારા ભત્રીજાને ફસાવવા વીડિયો બનાવવામાં આવ્યો: રજનીકાંત અગ્રવાત
આ અંગે વિશાલના કાકા રજનીકાંત અગ્રવાતે જણાવ્યું હતું કે, હું ઉપરકોટ પાસે રામચંદ્રજીના મંદિરમાં રહું છું. આ જે વીડિયો વાઇરલ થયો છે તે મંદિર બહાર દરવાજા ગેટ પાસે આવેલા એક પેશકદમીવાળી રૂમનો છે. વીડિયો ખોટો છે. બંને મારા ભત્રીજા થયા છે અને તેમને ફસાવવા વીડિયો બનાવવામાં આવ્યો છે. તે સમયે અન્ય લોકો દારુ પીતા હતા અને મારા ભત્રીજાને બેસાડ્યો હતો. મારો ભત્રીજો વીડિયો ઉતારવાની ના પાડી છતાં તેમણે ઉતારી લીધો હતો. ‘વિશાલને ફસાવવા અને મંદિરને બદનામ કરવાનું કાવતરું’
અમે અહીં દારુ વેચવો અને પીતા અટકાવવાના પ્રયત્નો કર્યા હતા તથા પેશકદમીવાળી રૂમ હટાવવાનો પ્રયાસ કર્યો હતો. અમારા પર ખોટા આક્ષેપો કરીને વીડિયો બહાર પાડવામાં આવ્યો છે. ગિરનાર પર હનુમાનધારા મંદિરનો વહીવટ, સમાન પહોંચાડવો અન મજૂરોની વ્યવસ્થા કરવાનું કામ મારો ભત્રીજો વિશાલ કરે છે, જ્યારે પૂજારી તરીકે વર્ષોથી હનુમાનદાસજી છે. વિશાલને ફસાવવા અને મંદિરને બદનામ કરવા જ આ કાવતરું કરાયું છે. આ વીડિયો એક-બે વર્ષ પહેલાનો અને સાતમ-આઠમનો છે: હિરેન અગ્રાવત
હિરેન અગ્રાવતે જણાવ્યું હતું કે, મને આ દારૂની બોટલ પીવડાવીને મારી ઉપર ખોટેખોટું નાટક કરી આ વીડિયો ઉતારી લીધો હતો. આ દારૂ વેચતા અમારા વિસ્તારના દુશ્મનોએ વીડિયો બનાવ્યો છે. અમે કાંઈ દારૂ પીતા નથી. આ વીડિયો એક-બે વર્ષ પહેલાનો અને સાતમ-આઠમ સમયનો છે. તે લોકોએ અમને અંદર ચડાવીને ‘હાલો બાપુ આમ રાખો તો જરીક, એક મિનિટ સારી લાગશે’ તેમ કહીને હાથમાં બોટલ રખાવી દીધી હતી. મને ખોટો બદનામ કરવાની કોશિશ કરાઈ છે: વિશાલ અગ્રવાત
વિશાલ અગ્રાવતે જણાવ્યું હતું કે, તે સમયે હું મજૂર નક્કી કરવા ગયો હતો. ગિરનાર પર્વત પર જીવન જરૂરિયાતનો સામાન અને કરિયાણું ચડાવવા માટે મજૂરો સાથે વાતચીત કરી રહ્યો હતો. ત્યાં હું બેઠો હતો ત્યારે મારો વીડિયો ઉતારી લીધો હતો. જે તદ્દન ખોટો વીડિયો છે અને મને ખોટો બદનામ કરવાની કોશિશ કરાઈ છે. આ વીડિયો ઓછામાં ઓછો 8-10 વર્ષ જૂનો છે. ગ્લાસમાં મારો દારૂ થોડો હોય? હું દારૂ કે બિયર જેવું કાંઈ પીતો જ નથી. હું પૂજારી નથી પણ હનુમાનધારા મંદિરમાં સેવા અને સામાન ચડાવવા-ઉતારવાનો તથા મજૂરોની વ્યવસ્થા કરવાનો વહીવટ સંભાળું છું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *