ગીરમાં સિંહણની મમતાના દુર્લભ દૃશ્યો:કૂવામાં પડેલા સિંહબાળ માટે કલાકો સુધી કાંઠે બેસી રહી, રેસ્ક્યુ બાદ બચ્ચાને મોંઢામાં ઉચકી જંગલ તરફ લઈ ગઈ

📅 Published: October 7, 2026 | 📂 Category: gujarati-news

ગીરસોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના બોડીદર ગામમાં રેવન્યુ વિસ્તારમાં કૂવામાં પડેલા નાનકડા સિંહબાળને બચાવવા હાથ ધરાયેલા રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન માતા સિંહણ અને સિંહની બેચેની જોવા મળી હતી. આશરે દોઢથી બે માસનું નર સિંહબાળ કૂવામાં પડી જતા સિંહ-સિંહણ કૂવાના આસપાસથી હટ્યા નહોતા. રેસ્ક્યુ ટીમે સાવચેતીપૂર્વક કામગીરી કરીને બચ્ચાને સલામત બહાર કાઢ્યું હતું. ત્યારબાદ સારવાર અને દેખરેખ બાદ માતા સાથે તેનું મિલન કરાવવામાં આવ્યું, જ્યાં સિંહણે બચ્ચાને મોંઢામાં ઉચકી જંગલ તરફ પ્રયાણ કર્યું હતું. રાત્રે કૂવામાં પડ્યું સિંહબાળ, રેસ્ક્યુ ટીમને જાણ કરાઈ
આ સિંહ પરિવાર શિકારની શોધમાં ગતરાત્રે ગીરગઢડાના બસ સ્ટેશન વિસ્તારમાં આવી ચડયો હતો. ત્યાંથી બોડીદર રેવન્યુ વિસ્તારમાં આ સિંહ પરિવાર ઘૂસ્યો હતો અને અરવિંદભાઈ નાથાભાઈ રાઠોડની વાડીના કૂવામાં આશરે દોઢથી બે માસનું નર સિંહબાળ પડી ગયું હતું. 6 ઓક્ટોબરની રાત્રે 12:20 કલાકે ઘટનાની જાણ થતાં રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. કૂવાની આસપાસ સિંહ અને સિંહણની હાજરી હોવાથી રેસ્ક્યુ કામગીરી દરમિયાન વિશેષ સાવચેતી રાખવામાં આવી હતી. બચ્ચાની ચિંતામાં કૂવા આસપાસથી હટ્યા નહીં સિંહ-સિંહણ
રેસ્ક્યુ ટીમ બચ્ચાને બહાર કાઢવાની તૈયારી કરી રહી હતી ત્યારે સિંહણ વારંવાર કૂવા પાસે આવતી-જતી રહી હતી. સિંહ પણ કૂવાના આસપાસ ફરતો રહ્યો હતો. બચ્ચું કૂવામાં ફસાયું હોવાની જાણે બંનેને ચિંતા હોય તેમ તેઓ લાંબા સમય સુધી કૂવાના વિસ્તારથી દૂર ગયા નહોતા. સિંહણની બેચેનીમાં પોતાના બચ્ચાને સલામત બહાર આવવાની રાહ સ્પષ્ટપણે જોવા મળી રહી હતી.
65 મિનિટની જહેમત બાદ સિંહબાળને સલામત બહાર કઢાયું
સિંહ-સિંહણની હાજરી વચ્ચે રેસ્ક્યુ ટીમે અત્યંત સાવચેતી સાથે કામગીરી હાથ ધરી હતી. રાત્રે 12:20 કલાકે શરૂ થયેલી કામગીરી બાદ આશરે 1:25 કલાકે નાનકડા સિંહબાળને કૂવામાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. લગભગ 65 મિનિટની જહેમત બાદ બચ્ચું બહાર આવતાં રેસ્ક્યુ ટીમે રાહતનો શ્વાસ લીધો હતો. સારવાર માટે જસાધાર એનિમલ કેર સેન્ટર લઈ જવાયું
કૂવામાંથી બહાર કાઢ્યા બાદ સિંહબાળને જરૂરી સારવાર અને દેખરેખ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યું હતું. સારવાર બાદ તેની સ્થિતિ યોગ્ય જણાતા તેને ફરી તેની માતા સાથે મિલન કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નાનકડા સિંહબાળ માટે માતા સાથેનું જોડાણ તેના કુદરતી જીવન માટે મહત્વપૂર્ણ હોવાથી તેને માતા સુધી પરત પહોંચાડવામાં આવ્યું હતું. બચ્ચું મળતાં જ સિંહણે મોંઢામાં ઉચકી લીધું
સિંહબાળને તેની માતા સાથે મિલન કરાવવામાં આવતા સિંહણે તરત જ પોતાના બચ્ચાને મોંઢામાં ઉચકી લીધું હતું. થોડા સમય પહેલાં જે કૂવાના કાંઠે માતા પોતાના બચ્ચાની રાહ જોઈ રહી હતી, ત્યાંથી જ સિંહણ બચ્ચાને લઈને જંગલ તરફ રવાના થઈ હતી. આ સમગ્ર દૃશ્યે વન્યજીવનમાં માતા અને સંતાન વચ્ચેના અતૂટ બંધનની લાગણીસભર ઝલક રજૂ કરી હતી.

આ પણ વાંચો :
અમરેલીના બાબરકોટમાં કૂવામાં પડેલી સિંહણનું રેસ્ક્યુ:વનવિભાગે રાત્રે ઓપરેશન પાર પાડી 1 વર્ષની બાળ સિંહણને સુરક્ષિત ઉગારી;ધારીના વિરપુરમાં પણ કૂવામાંથી સિંહણનું રેસ્ક્યૂ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા બાબરકોટ ગામમાં મોડી રાત્રે 1 વર્ષની સિંહણ અચાનક કૂવામાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી મોડી રાત સુધી જટિલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે ભારે જહમત બાદ સિંહણને સુરક્ષિત બહાર કાઢી હતી. વનવિભાગની સમયસરની કામગીરીથી બાળ સિંહણનો જીવ બચી ગયો હતો. (આ સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *