ગીર સોમનાથ જિલ્લામાં રહેણાંક વિસ્તારોમાં બિનઅધિકૃત ઔદ્યોગિક એકમો અને જોખમી કેમિકલના સંગ્રહ સામે પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં SOGની ટીમે સોમનાથ-વેરાવળ બાયપાસ નજીકના એક ગોડાઉનમાંથી પરવાનગી વિના રાખવામાં આવેલો આશરે ₹1.85 લાખની કિંમતનો એસિડનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ, 17 ઓગસ્ટે SOG ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર. રાયજાદા અને PSI એસ.જે. સોલંકીની રાહબરીમાં SOG ટીમ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. બાતમીના આધારે, મામલતદાર વેરાવળ ગ્રામ્ય, મહેસૂલી તલાટી, GPCB, GST અને વીજ વિભાગના અધિકારીઓની ટીમને સાથે રાખીને સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ ભાલકા એકતાનગરમાં આવેલી એક કેમિકલ મીની ફેક્ટરીની તપાસ અને તેમાં વપરાતા રો-મટીરીયલ્સ અંગેની વધુ તપાસ બાદ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, મોહિત સેવાદર્શન સરોજને સાથે રાખીને સોમનાથ-વેરાવળ બાયપાસ પર આસોપાલવ હોટલ સામે તાતીવેલા સીમ વિસ્તારમાં આવેલા ‘વિજેતા એન્ટરપ્રાઇઝ’ના ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ગોડાઉનની તપાસ કરતાં, ત્યાંથી આશરે ₹1,85,000નો એસિડનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ જથ્થાના વેચાણ અને સંગ્રહ માટે કોઈ જરૂરી પરવાનગી લેવામાં આવી ન હતી. વધુમાં, રહેણાંક હેતુ માટેની જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ કરીને એસિડનો સંગ્રહ કરવામાં આવતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું. રહેણાંક વિસ્તારમાં એસિડ જેવા જોખમી કેમિકલનો પરવાનગી વિના સંગ્રહ થવો એ સ્થાનિક સ્તરે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. આવા ગેરકાયદેસર સંગ્રહથી આસપાસના લોકોની સલામતી અને જાહેર આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થઈ શકે છે. આ સમગ્ર જથ્થા અંગે મામલતદાર વેરાવળ ગ્રામ્ય દ્વારા આગળની તપાસ અને નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, આ કાર્યવાહી દરમિયાન ભાલકાની બિનઅધિકૃત કેમિકલ મીની ફેક્ટરીમાંથી મળેલા મુદ્દામાલ સહિત બંને સ્થળેથી કુલ આશરે ₹3.28 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની આ કાર્યવાહીથી રહેણાંક વિસ્તારોમાં નિયમોનો ભંગ કરીને કેમિકલનો વેપાર કે સંગ્રહ કરતા સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
ગીર સોમનાથમાં રહેણાક વિસ્તારમાંથી ₹1.85 લાખનો એસિડ જથ્થો ઝડપાયો:વિજેતા એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં પરવાનગી વિના સ્ટોરેજ, SOGની કાર્યવાહી
📅 Published: August 18, 2026 |
📂 Category: gujarati-news
