ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર જે.એન. વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયેલી લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં સરકારી, ગૌચર અને ખાનગી જમીનો પર ગેરકાયદેસર કબજો જમાવનાર 11 દબાણદારો સામે કડક કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવ્યો છે. જમીન પચાવી પાડવાના આ કિસ્સાઓમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020 હેઠળ પગલાં ભરવામાં આવશે. આ નિર્ણયથી જિલ્લાના ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ₹9 કરોડની જમીન સ્વૈચ્છિક રીતે ખાલી કરાઈ
લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ સંબંધિત તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા કાયદેસર કાર્યવાહી માટે સુઓમોટો અરજી દાખલ કરવામાં આવી હતી. કાયદાકીય શિકંજો કસાતાં ચાર દબાણદારોએ સરકારી તથા ગૌચરની કુલ 3-23-76 હેક્ટર-ચોરસ મીટર જમીન પરથી પોતાના દબાણો સ્વૈચ્છિક રીતે હટાવી લીધા છે. આ ખુલ્લી કરાયેલી જમીનની અંદાજિત બજાર કિંમત આશરે ₹9 કરોડ જેટલી થાય છે. નિયમભંગ કરનારા દબાણદારો સામે એફઆઈઆર લખાશે
કાયદાકીય નોટિસ આપવા છતાં સરકારી જમીન પરથી દબાણો દૂર ન કરનારા ત્રણ દબાણદારો સામે તંત્ર દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020 હેઠળ પોલીસ એફ.આઈ.આર. નોંધવાનો સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્યની ખાનગી જમીનો પર ગેરકાયદેસર કબજો જમાવી બેઠેલા છ ઈસમો સામે પણ આ જ કાયદા હેઠળ ગુનો દાખલ કરી કાનૂની કાર્યવાહી તેજ કરાશે.
ગીર સોમનાથમાં 11 ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી:સ્વેચ્છાએ દબાણો હટાવાતાં ₹9 કરોડની જમીન ખુલ્લી થઈ;3 દબાણદારો સામે FIR થશે;જમીનો હડપનારા 6 ઈસમો સામે કાર્યવાહી
📅 Published: November 5, 2026 |
📂 Category: gujarati-news
