આજે નાગપાંચમ છે ત્યારે ગુજરાતનું એક માત્ર કેન્દ્ર અને ભારતના તમિલનાડુ બાદ બીજા નંબરના ધરમપુર સાપ ઉછેર કેન્દ્રની દિવ્ય ભાસ્કરની ટીમે મુલાકાત લીધી હતી. આ કેન્દ્રમાં અંદાજે 471 જેટલા અતિઝેરી સાપો રાખવામાં આવ્યા છે. જે સાપોમાંથી 68.57 ગ્રામ ઝેર કઢાયુ છે. જે ઝેરને તેલંગાણાની કંપનીને અપાયું છે. ગુજરાતના સ્થાનિક ઝેરના આધારે વધુ અસરકારક પ્રદેશ-વિશિષ્ટ એન્ટી-વેનમ વિકસાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. આ અંગે દિવ્ય ભાસ્કરની ટીમે કેન્દ્રના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉક્ટર ડી. સી. પટેલ સાથે વાતચીત કરી હતી. હવે 2.25 હેક્ટરમાં બનશે વિશાળ સંશોધન કેન્દ્ર
ધરમપુરના વર્તમાન સર્પ સંશોધન કેન્દ્રને વધુ વિસ્તૃત કરવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. ગુજરાત સરકારે વલસાડ જિલ્લામાં આશરે 2.25 હેક્ટર જમીન ફાળવવાની પ્રક્રિયા હાથ ધરી છે. અહીં આધુનિક સંશોધન લેબોરેટરી, વિશાળ સર્પગૃહ, તાલીમ સુવિધા અને સામાન્ય લોકો માટે જાગૃતિ કેન્દ્ર ઊભું કરવાની યોજના છે. આ સમગ્ર વિસ્તરણ માટે અંદાજે રૂ. 11.68 કરોડની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. પ્રોજેક્ટ સાકાર થાય તો ધરમપુર માત્ર સાપોના ઝેરનું સંકલન કરતું કેન્દ્ર નહીં રહે. સર્પદંશ, સાપોની ઓળખ, ઝેરનું સંશોધન, સર્પ સંરક્ષણ, રેસ્ક્યૂ તાલીમ અને જનજાગૃતિ માટેનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની શકે છે. ધરમપુરના કેન્દ્રની પાછળ લાંબા સમયની મહેનત
ધરમપુરમાં સર્પ સંશોધન કેન્દ્ર ઊભું કરવા પાછળ સર્પ નિષ્ણાત ડૉ. ડી. સી. પટેલ સહિતના નિષ્ણાતોના લાંબા સમયથી ચાલતા પ્રયાસોનો ઉલ્લેખ થાય છે. ગુજરાતમાં સાપોની વિવિધતા, સર્પદંશની ઘટનાઓ અને સ્થાનિક ઝેરના વૈજ્ઞાનિક અભ્યાસની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આવા કેન્દ્રની જરૂરિયાત સામે આવી હતી. આ પ્રયાસો બાદ ધરમપુરમાં સર્પ રેસ્ક્યૂ, સંશોધન અને ઝેર સંકલન માટેની વ્યવસ્થા વિકસતી ગઈ. હાલ કેન્દ્રમાં અંદાજે 471 જેટલા અતિઝેરી સાપો રાખવામાં આવ્યા છે. ચાર મુખ્ય સાપના ઝેરનો વૈજ્ઞાનિક રીતે સંગ્રહ
વલસાડના ધરમપુર સ્થિત સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SRI) દ્વારા ગુજરાતમાં જોવા મળતા ચાર મુખ્ય ઝેરી સાપ ભારતીય નાગ, કાળોતરો, ખડચિતળો અને ફુરસાના ઝેરનો વૈજ્ઞાનિક રીતે સંગ્રહ, પ્રોસેસિંગ અને લાયોફિલાઇઝેશન કર્યા બાદ કુલ 68.57 ગ્રામ ફ્રીઝ-ડ્રાઇડ ઝેરનો જથ્થો તેલંગાણાની લાઇસન્સ પ્રાપ્ત ફાર્માસ્યુટિકલ કંપની મેસર્સ વિન્સ બાયોપ્રોડક્ટ્સ લિમિટેડને સોંપવામાં આવ્યો છે. આ જથ્થાના આધારે ગુજરાતમાં જોવા મળતા સાપોના ઝેરની રચનાને ધ્યાનમાં રાખીને પ્રદેશ-વિશિષ્ટ એન્ટી-સ્નેક વેનમ વિકસાવવાના સંશોધનને આગળ ધપાવવાનો પ્રયાસ છે. એટલે કે, ગુજરાતના સાપોના સ્થાનિક ઝેરને વૈજ્ઞાનિક રીતે સમજીને તેના આધારે એન્ટી-વેનમની અસરકારકતા વધારી શકાય કે નહીં, તે દિશામાં હવે સંશોધન થશે. ઝેરને સીધું પ્રવાહી સ્વરૂપે મોકલવામાં આવ્યું નથી
આ અંગે ધરમપુરના સર્પ સંશોધન કેન્દ્રના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉક્ટર ડી. સી. પટેલે જણાવ્યું કે, ધરમપુરના સર્પ સંશોધન કેન્દ્રમાં એકત્ર કરાયેલા ઝેરને સીધું પ્રવાહી સ્વરૂપે મોકલવામાં આવ્યું નથી. તેને નિયંત્રિત વૈજ્ઞાનિક પ્રક્રિયા દ્વારા લાયોફિલાઇઝેશન એટલે કે ફ્રીઝ ડ્રાઇંગ કરીને પાવડર સ્વરૂપમાં પરિવર્તિત કરાયું હતું. ત્યારબાદ જરૂરી પ્રક્રિયા અને દસ્તાવેજીકરણ સાથે ફાર્માસ્યુટિકલ કંપનીને સોંપવામાં આવ્યું. વધુમાં જણાવ્યું કે, ભારતીય નાગ, કાળોતરો, ખડચિતળો અને ફુરસા, આ ચાર પ્રજાતિઓને ભારતમાં ગંભીર સર્પદંશના સંદર્ભમાં મહત્વપૂર્ણ ‘બિગ-4’ ઝેરી સાપ તરીકે ઓળખવામાં આવે છે. દરેક પ્રજાતિના ઝેરને અલગ ઓળખ અને બેચ પ્રમાણે સંભાળવામાં આવે છે, જેથી તેના વૈજ્ઞાનિક ગુણધર્મો અને રચના અંગેનો ડેટા જળવાઈ રહે. ઝેર એટલે માત્ર મૃત્યુ નહીં, વિજ્ઞાન માટે અત્યંત કિંમતી ‘કાચો માલ’
સામાન્ય માણસ માટે સાપનું ઝેર એટલે ભય, પીડા અને સંભવિત મૃત્યુ. પરંતુ ટોક્સિનોલોજી અને ફાર્માસ્યુટિકલ વિજ્ઞાનમાં સાપનું ઝેર અત્યંત જટિલ જૈવિક પદાર્થ છે. તેમાં વિવિધ પ્રકારના પ્રોટીન અને અન્ય ઘટકો હોય છે, જે માનવ શરીરની નર્વસ સિસ્ટમ, રક્ત અને અન્ય શારીરિક પ્રક્રિયાઓને અસર કરી શકે છે. આ જ ઝેરનો નિયંત્રિત અને વૈજ્ઞાનિક ઉપયોગ કરીને એન્ટી-સ્નેક વેનમ તૈયાર કરવામાં આવે છે. ધરમપુરમાં એકત્ર થતું ઝેર દર્દીને આપવામાં આવતું નથી
અહીં સૌથી મહત્વની વાત એ છે કે, એન્ટી-સ્નેક વેનમ એટલે સાપનું ઝેર ધરાવતું ઇન્જેક્શન નહીં. તે એવી દવા છે જેમાં સાપના ઝેરને નિષ્ક્રિય કરવામાં મદદ કરતી એન્ટીબોડી હોય છે. એટલે ધરમપુરમાં એકત્ર થતું ઝેર દર્દીને આપવામાં આવતું નથી. આ ઝેર ફાર્માસ્યુટિકલ પ્રક્રિયામાં એન્ટિજેન તરીકે ઉપયોગમાં લેવાય છે, જેના આધારે સંબંધિત એન્ટીબોડી વિકસાવવાની પ્રક્રિયા હાથ ધરાય છે. એક જ પ્રજાતિના સાપનું ઝેર દેશના દરેક વિસ્તારમાં સંપૂર્ણપણે એકસરખું જ હોય તે જરૂરી નથી. સાપની ભૌગોલિક સ્થિતિ, પર્યાવરણ, આહાર સહિતના વિવિધ પરિબળોના કારણે ઝેરની રચનામાં ફેરફાર જોવા મળી શકે છે. ભારતમાં અત્યાર સુધી મોટા પાયે ઉપયોગમાં લેવાતા પોલીવેલેન્ટ એન્ટી-સ્નેક વેનમના ઉત્પાદન માટે મુખ્યત્વે દક્ષિણ ભારતમાં એકત્ર કરાયેલા સાપોના ઝેરનો ઉપયોગ થતો આવ્યો છે. આ એન્ટી-વેનમ સર્પદંશના દર્દીઓની સારવારમાં અત્યંત મહત્વપૂર્ણ છે અને અનેક જીવ બચાવવામાં તેની ભૂમિકા રહી છે પરંતુ વૈજ્ઞાનિક સ્તરે લાંબા સમયથી એ ચર્ચા ચાલી રહી છે કે દેશના અલગ-અલગ પ્રદેશોમાં જોવા મળતા સાપોના ઝેરમાં રહેલા ભૌગોલિક તફાવતોને ધ્યાનમાં રાખીને જો સ્થાનિક ઝેરનો ઉપયોગ કરીને એન્ટી-વેનમ તૈયાર કરવામાં આવે તો તેની અસરકારકતામાં કેટલો સુધારો થઈ શકે. ગુજરાતના સાપોના ઝેરને વૈજ્ઞાનિક રીતે સમજવાનો
આ પહેલનો અર્થ હાલના એન્ટી-વેનમને નકામું ગણવાનો નથી. હેતુ ગુજરાતના સ્થાનિક સાપોના ઝેરને વૈજ્ઞાનિક રીતે સમજવાનો અને પ્રદેશની જરૂરિયાતને અનુરૂપ એન્ટી-વેનમ વિકસાવવા માટે જરૂરી આધાર તૈયાર કરવાનો છે. સાપમાંથી ઝેર કાઢવાની પ્રક્રિયા કેવી રીતે થાય?
સાપમાંથી ઝેર એકત્ર કરવાની પ્રક્રિયાને સામાન્ય રીતે ‘મિલ્કિંગ’ કહેવામાં આવે છે. આ કામગીરી સામાન્ય વ્યક્તિ માટે નથી. તાલીમબદ્ધ નિષ્ણાતો દ્વારા યોગ્ય સુરક્ષા વ્યવસ્થા હેઠળ જ કરવામાં આવે છે. સાપને નિયંત્રિત કર્યા બાદ તેના ફેંગ્સમાંથી નીકળતું ઝેર યોગ્ય કન્ટેનરમાં એકત્ર કરવામાં આવે છે. ત્યારબાદ પ્રજાતિ પ્રમાણે તેનું અલગ સંચાલન કરવામાં આવે છે. નાગનું ઝેર નાગના જ બેચમાં, કાળોતરાનું કાળોતરાના બેચમાં, ખડચિતળાનું અલગ અને ફુરસાનું અલગ રાખવામાં આવે છે. અલગ-અલગ પ્રજાતિના ઝેરને મનસ્વી રીતે ભેગું કરવામાં આવતું નથી. આ પ્રક્રિયામાં સાપની સાથે કામ કરતા કર્મચારીઓની સલામતી પણ એટલી જ મહત્વની છે. ઝેર એકત્ર કર્યા બાદ તેને નિયંત્રિત પરિસ્થિતિમાં સંગ્રહવામાં આવે છે. આગળની પ્રક્રિયામાં પ્રવાહી ઝેરને લાયોફિલાઇઝેશન દ્વારા ફ્રીઝ-ડ્રાઇડ પાવડરમાં પરિવર્તિત કરાઈ છે. આ રીતે પાણીનો ભાગ દૂર થતાં ઝેરને નિયંત્રિત પરિસ્થિતિમાં જાળવવું અને સંશોધન તથા પરિવહન માટે અનુકૂળ બને છે. સાપને કેન્દ્રમાં લાવ્યા બાદ તરત જ ઝેર કાઢવામાં આવતું નથી
ધરમપુરના કેન્દ્રમાં સાપ લાવવાની પ્રક્રિયા પણ નિયમબદ્ધ છે. માનવ વસાહતમાંથી રેસ્ક્યૂ કરાયેલા અથવા અધિકૃત રીતે કેન્દ્ર સુધી પહોંચાડાયેલા સાપને અન્ય સાપો સાથે તરત જ રાખવામાં આવતા નથી. સૌપ્રથમ તેમને અલગ રાખીને તેમની તંદુરસ્તી, વર્તન અને સંભવિત ચેપ અંગે નિરીક્ષણ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને ક્વોરન્ટાઇન કહેવામાં આવે છે. ક્વોરન્ટાઇનનો મુખ્ય હેતુ બહારથી આવેલા સાપમાં રહેલો કોઈ ચેપ, પરજીવી અથવા અન્ય બીમારી બીજા સાપોમાં ન ફેલાય તે સુનિશ્ચિત કરવાનો છે. સાપોને યોગ્ય હવાઉજાસ, તાપમાન અને સ્વચ્છતા ધરાવતા કન્ટેનર અથવા કેજમાં રાખવામાં આવે છે. આ વ્યવસ્થાનો હેતુ માત્ર ઝેર મેળવવાનો નથી. સાપનું આરોગ્ય જાળવવું, તેની કુદરતી જરૂરિયાતો સમજવી અને સંશોધન માટે યોગ્ય પરિસ્થિતિ ઊભી કરવી પણ એટલું જ જરૂરી છે. દૂધ સાપનો કુદરતી ખોરાક નથી
સાપનું ચયાપચય સસ્તન પ્રાણીઓ કરતાં અલગ હોય છે. તેથી તેની પ્રજાતિ, ઉંમર, કદ અને શારીરિક સ્થિતિ પ્રમાણે ખોરાકની આવર્તન નક્કી થાય છે. સેન્ટરમાં સાપોને તેમની પ્રજાતિ અને જરૂરિયાત પ્રમાણે ખોરાક આપવામાં આવે છે. તેમાં ઉંદર જેવા નાના પ્રાણીઓનો સમાવેશ થઈ શકે છે. સાપને દૂધ પીવડાવવાની માન્યતા અંગે નિષ્ણાતો સ્પષ્ટ છે કે, દૂધ સાપનો કુદરતી ખોરાક નથી. ધાર્મિક કે લોકપરંપરાના ભાગરૂપે સાપને દૂધ ધરાવવાની પ્રથા જોવા મળે છે, પરંતુ વૈજ્ઞાનિક રીતે સાપ દૂધ પર આધારિત પ્રાણી નથી. ‘પોલીવેલેન્ટ એન્ટી-વેનમ’ એટલે શું?
ભારતમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતું એન્ટી-સ્નેક વેનમ પોલીવેલેન્ટ હોય છે. સરળ ભાષામાં કહીએ તો એક જ દવામાં એકથી વધુ મહત્વના ઝેરી સાપોના ઝેર સામેની એન્ટીબોડીનો સમાવેશ થાય છે. સર્પદંશ સમયે સાપની ચોક્કસ ઓળખ હંમેશાં શક્ય નથી. સાપ અંધારામાંથી ભાગી ગયો હોય અથવા દર્દીએ તેને જોયો ન હોય તો પણ તબીબો દર્દીના લક્ષણો અને જરૂરી તપાસના આધારે સારવાર શરૂ કરી શકે છે. એન્ટી-વેનમનો ઉપયોગ તબીબી નિષ્ણાતોની દેખરેખ હેઠળ જ થવો જોઈએ. એક તરફ સાપનું ઝેર માણસ માટે જીવલેણ બની શકે છે, તો બીજી તરફ એ જ ઝેરને વૈજ્ઞાનિક રીતે નિયંત્રિત કરીને જીવનરક્ષક દવા તૈયાર કરવાની પ્રક્રિયામાં ઉપયોગ કરી શકાય છે. ધરમપુરના સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાંથી તેલંગાણાની ફાર્માસ્યુટિકલ કંપનીને સોંપાયેલું લાયોફિલાઇઝ્ડ ઝેર માત્ર એક જથ્થો નથી. તેની પાછળ સાપ રેસ્ક્યૂથી લઈને ક્વોરન્ટાઇન, વૈજ્ઞાનિક સંભાળ, ઝેરનું સંકલન, પ્રોસેસિંગ, લાયોફિલાઇઝેશન અને ફાર્માસ્યુટિકલ સંશોધન સુધીની લાંબી પ્રક્રિયા છે. આગામી તબક્કામાં આ સ્થાનિક ઝેરના આધારે થનારા સંશોધન અને વિકસાવવામાં આવનારી એન્ટી-વેનમની અસરકારકતા અંગેના પરિણામો ગુજરાત માટે ખાસ મહત્વ ધરાવશે. જો પ્રદેશ-વિશિષ્ટ એન્ટી-વેનમ વૈજ્ઞાનિક, તબીબી અને નિયમનકારી પરીક્ષણોમાં સફળ સાબિત થાય તો ગુજરાત સહિત દેશના અન્ય વિસ્તારોમાં પણ સ્થાનિક સાપોના ઝેરના આધારે એન્ટી-વેનમ વિકાસ માટે નવી દિશા ખુલી શકે છે. ધરમપુર માટે આ એક નવી શરૂઆત છે. જ્યાં અત્યાર સુધી લોકો માટે ‘ઝેર’નું પ્રતિક રહેલો સાપ હવે સંશોધન અને જીવનરક્ષક દવાના વિકાસ સાથે જોડાઈ રહ્યો છે. સાપને મારવો નહીં, બચાવવો અને સર્પદંશ થાય તો સમય ગુમાવ્યા વિના હોસ્પિટલ પહોંચવું. ધરમપુરનું સર્પ સંશોધન કેન્દ્ર હવે આ ત્રણેય બાબતોને એકસાથે જોડતી મહત્વપૂર્ણ કડી બની રહ્યું છે.
ગુજરાતમાં અહિ થઈ રહ્યો છે ખતરનાક સાપનો ઉછેર:મુખ્ય 4 ઝેરી સાપમાંથી 68.57 ગ્રામ ઝેર કઢાયુ, એન્ટી-વેનમની તૈયારી; ધરમપુરમાં 2.25 હેક્ટરમાં બનશે વિશાળ સંશોધન કેન્દ્ર
📅 Published: September 1, 2026 |
📂 Category: gujarati-news
