ગુજરાત કોંગ્રેસના ખેડૂત નેતાને ત્રણ દિવસમાં બે મોટી જવાબદારી:ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીની જવાબદારી બાદ બન્યા MPના AICC સેક્રેટરી, ગુજરાત માટે હવે કુલ 4 AICC સેક્રેટરી કાર્યરત

📅 Published: November 19, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મહત્વપૂર્ણ ફેરફાર કરતાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) દ્વારા નવા સેક્રેટરીઓની નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની મંજૂરીથી 19 નવેમ્બર, 2026ના રોજ જાહેર કરવામાં આવેલી યાદી મુજબ ગુજરાત માટે હેમસિંહ શેખાવત અને નરેશ ઠાકુરને નવા AICC સેક્રેટરી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે રામકિશન ઓઝા અને સુભાષિની યાદવ ગુજરાતની જવાબદારીમાં યથાવત્ રાખવામાં આવ્યાં છે. આમ, ગુજરાત માટે હવે કુલ ચાર AICC સેક્રેટરી કાર્યરત રહેશે. સંગઠનને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ
કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં ગુજરાત ઉપરાંત વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે પણ સેક્રેટરીઓની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકો તાત્કાલિક અસરથી અમલમાં આવશે. ગુજરાતમાં બે નવા સેક્રેટરીની નિમણૂકને આગામી સમયમાં પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. બીજી તરફ, ગુજરાત કોંગ્રેસના કિસાન સેલ સાથે સંકળાયેલા પાલ આંબલિયાને મધ્યપ્રદેશના AICC સેક્રેટરી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. મધ્યપ્રદેશ માટે જાહેર કરાયેલી યાદીમાં તેમનું નામ સામેલ છે. આ ઉપરાંત અમદાવાદના લાલાભાઈ ઉર્ફે નિલેશ પટેલને AICCમાં રાષ્ટ્રીય સ્તરે જવાબદારી આપવામાં આવી છે. તેમને જોઈન્ટ ટ્રેઝરર – એસેટ્સ એન્ડ પ્રોપર્ટીઝ વિભાગ હેઠળ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કુલ 81 સેક્રેટરીઓનાં નામ જાહેર કરવામાં આવ્યાં
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી યાદીમાં દેશભરના વિવિધ રાજ્યો અને સંગઠનાત્મક વિભાગો માટે કુલ 81 સેક્રેટરીઓનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે. સાથે જ અગાઉ જવાબદારી સંભાળતા કેટલાક AICC સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરીઓની સેવાઓ બદલ પક્ષ દ્વારા આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *