રાજ્યના નાગરિકોને ઈમરજન્સીની સ્થિતિમાં વધુ ઝડપી પોલીસ સહાય મળી રહે તે માટે ગુજરાત પોલીસના કાફલામાં વધુ 500 અત્યાધુનિક ‘112-જનરક્ષક’ વાહનનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવા સચિવાલય, ગાંધીનગરથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 500 નવા વાહનને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે હવે સમગ્ર ગુજરાતમાં 24 કલાક 1 હજાર જનરક્ષક વાહન ઈમરજન્સી રિસ્પોન્સ માટે તૈનાત રહેશે. 10 મિનિટ 49 સેકન્ડનો રિસ્પોન્સ ટાઈમ
રાજ્યમાં 112 ઈમરજન્સી સેવાને વધુ અસરકારક બનાવવા 150 બેઠક ધરાવતું આધુનિક કોલ સેન્ટર, CAD (Computer Aided Dispatch) સિસ્ટમ અને કોલર લોકેશન ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. જેના પરિણામે રાજ્યનો સરેરાશ પોલીસ રિસ્પોન્સ ટાઈમ ઘટી 10 મિનિટ 49 સેકન્ડ થયો છે. હવે નવા વાહનો અને ટેક્નોલોજીના ઉપયોગથી આ સમયને 8 મિનિટથી નીચે લાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ઓલા-ઉબેર સહિતની એપમાં પણ 112 પેનિક બટન
112 સેવાને ડિજિટલ પ્લેટફોર્મ સાથે પણ જોડવામાં આવી છે. Ola, Uber, Rapido અને Bharat Taxi જેવી એપ્લિકેશનમાં 112 પેનિક બટનનું ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યું છે. એટલે મુસાફરોને ઇમરજન્સીની સ્થિતિમાં પોલીસ સહાય મેળવવા માટે વધુ સરળ વિકલ્પ મળશે. 11 મહિનામાં 11.04 લાખથી વધુ ઈમરજન્સી કોલ
‘જનરક્ષક’ પ્રોજેક્ટના અમલીકરણના માત્ર 11 મહિનાના સમયગાળામાં 11.04 લાખથી વધુ ઇમરજન્સી કોલમાં સંકલિત સેવાઓ પૂરી પાડવામાં આવી છે. જ્યારે 6.74 લાખથી વધુ પોલીસ ઇમરજન્સી બનાવોમાં તાત્કાલિક સેવા આપવામાં આવી છે. ‘જનરક્ષક’થી પોલીસની પહોંચ વધુ ઝડપી બનશે
રાજ્ય મંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ જનતાની સુરક્ષા માટે સતત પ્રતિબદ્ધ છે. 112 ઇમરજન્સી સેવા દ્વારા નાગરિકોને શક્ય તેટલા ઓછા સમયમાં પોલીસ સહાય મળી રહે તે દિશામાં આ વ્યવસ્થા વધુ સક્ષમ બનશે. 500 નવા અત્યાધુનિક વાહનના સમાવેશ સાથે ગુજરાતની 112 ઇમરજન્સી સેવા હવે વધુ ઝડપી, ટેક્નોલોજી આધારિત અને નાગરિક કેન્દ્રિત બનશે. ઘટના સ્થળની સૌથી નજીક ઉપલબ્ધ જનરક્ષક વાહનને મોકલી ઈમરજન્સી રિસ્પોન્સ વધુ ઝડપી બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અરુણકુમાર સોલંકી, CID ક્રાઇમ DGP ડૉ. કે.એલ.એન રાવ, લો એન્ડ ઓર્ડર DGP રાજકુમાર પાંડિયન, પોલીસ ટ્રેનિંગ DGP નિરજા ગોટરૂ, અગ્ર સચિવ નિપુણા તોરવણે, PM ADGP ખુરશીદ અહેમદ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત પોલીસને મળ્યા 500 નવા ‘જનરક્ષક’:હવે એક હજાર વાહન 24 કલાક દોડશે, રિસ્પોન્સ ટાઈમ 8 મિનિટથી નીચે લાવવાનો લક્ષ્યાંક; 112 ઇમરજન્સી સેવા વધુ ઝડપી બનાવવા પ્રયાસ
📅 Published: August 25, 2026 |
📂 Category: gujarati-news
