ગુજરાત યુનિ.ને કેન્દ્રએ આપેલી 40 કરોડની ગ્રાન્ટ વાપરી ખાધી:ભાસ્કરને મળ્યા સજ્જડ પુરાવા, પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ નવું પદ બનાવી 36 લાખ પગાર લીધો; વિદેશમાં દીકરાને લાખો મોકલ્યા

📅 Published: August 22, 2026 | 📂 Category: gujarati-news

જે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સ્કૉલરશિપના થોડા હજાર રૂપિયા માટે મહિનાઓ સુધી ધક્કા ખાય છે, ત્યાં એક બેંક એકાઉન્ટમાં કેન્દ્ર સરકારના અધધ 40 કરોડ રૂપિયા આવ્યા. પણ સવાલ એ નથી કે પૈસા આવ્યા, સવાલ એ છે કે એ જ યુનિવર્સિટીના વડાએ પોતાની મંજૂરીથી પોતાના જ માટે એક પદ ઊભું કર્યું. પોતાની જ સહીથી પોતે મહિને અધધ 4 લાખ 20 હજાર રૂપિયા પગાર લેતા રહ્યા. વળી, કુલપતિના પદ માટેનો પગાર તો ખરો જ. હદ તો એ છે કે કેન્દ્ર સરકારની 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટનો હવે હિસાબ મળતો જ નથી. વાત છે ગુજરાત યુનિવર્સિટીની અને સવાલોના ઘેરામાં આવ્યા છે પૂર્વ કુલપતિ ડૉ.નીરજા ગુપ્તા. દિવ્ય ભાસ્કરને ઇન્વેસ્ટિગેશન દરમિયાન કેટલાક એવા ડોક્યુમેન્ટ્સ હાથ લાગ્યા છે જે કેન્દ્ર સરકારના એક વિઝનરી પ્રોગ્રામમાં થયેલી ગંભીર ગેરરીતિ તરફ ઇશારો કરે છે. પ્રધાનમંત્રીના નામે સારા ઉદ્દેશ સાથે એક પહેલ શરૂ કરવામાં આવી હતી. જેમાં તમામ લઘુમતી ધર્મોના વારસાનું જતન થાય, લોકોમાં પ્રચાર-પ્રસાર થાય એ માટે કેન્દ્ર સરકારે ખજાનો ખુલ્લો મૂક્યો પરંતુ ગુજરાત યુનિવર્સિટીને જૈન ધર્મ માટે ગ્રાન્ટ મળી તો મોટી ગોલમાલ થઇ ગઈ. કેન્દ્ર સરકારના લઘુમતી બાબતોના મંત્રાલય હેઠળ એક પ્રોગ્રામ ચાલે છે. નામ પ્રધાનમંત્રી જનવિકાસ કાર્યક્રમ. જેના હેઠળ ગુજરાત યુનિવર્સિટીમાં જૈન હસ્તપ્રતોની માહિતી, તેનું વર્ગીકરણ સાથે ડિજિટાઇઝેશન અને સંરક્ષણ કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. 14 માર્ચ, 2024ના રોજ કેન્દ્ર સરકારે આ કામ માટે 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણીને મંજુરી આપી દીધી અને આ સાથે જ શરૂ થયો ખરો ખેલ! 40 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર ફાળવે તો કોના ખાતામાં જમા થાય એ શરૂઆતમાં નક્કી ન હતું. એટલે 3 જુલાઈ, 2025ના રોજ સાંજે સાડા પાંચ વાગ્યે ગુજરાત યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની સભા મળી. ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે તત્કાલીન કુલપતિ નીરજા ગુપ્તા આ બેઠકના અધ્યક્ષ હતા. બેઠકમાં 17માંથી 15 સભ્યોની હાજરીમાં ઠરાવ થયો કે PMJVKની ગ્રાન્ટ પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટરના બેંક એકાઉન્ટમાં લિંક કરવી. પરંતુ આ ઠરાવની સાથે જ બીજી એક ગેમ ગોઠવાઈ ગઇ હતી, ઘણા લોકો તેનાથી અજાણ પણ હશે. જેનો પત્તા થોડા દિવસ પછી ખૂલવાના હતા. એ પત્તા એટલે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટરનું પદ કોને મળશે? યુનિવર્સિટીની બેઠક મળ્યાને માંડ પખવાડિયું થયું હતું. ત્યારે 19 જુલાઈ, 2025ના રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે પ્રધાનમંત્રી જનવિકાસ કાર્યક્રમ હેઠળ જૈનીઝમ બાબતે વર્કશોપ યોજાયો. જેમાં જૈન ધર્મના સુનિલ સાગરજી મહારાજ અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે લઘુમતી બાબતોના મંત્રાલયના સેક્રેટરી ડૉ.ચંદ્રશેખર કુમાર હાજર રહ્યા. આ કાર્યક્રમનો પ્રચાર-પ્રસાર કેન્દ્ર સરકારે પણ ભરપૂર કર્યો. કેન્દ્રીય મંત્રી કિરેન રિજીજૂએ પણ કેન્દ્ર સરકારની પહેલ હેઠળ સફળ કાર્યક્રમ થયાની જાણકારી આપી પોતાની પીઠ થાબડી પરંતુ અસલી ખીચડી તો ક્યાંક બીજે જ પાકી રહી હતી. મંત્રીઓ દિલ્હીમાં બેસીને આ પ્રોજેક્ટના વખાણ કરી રહ્યા હતા, તેમના જ નાક નીચેથી 15 સપ્ટેમ્બર, 2025ના રોજ કેન્દ્ર સરકારને અમદાવાદથી એક પત્ર મોકલવામાં આવ્યો. જેના કારણે ઘટનાક્રમમાં મોટો વળાંક આવ્યો. મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સને નીરજા ગુપ્તાએ લખેલા પત્રમાં જૈન મેન્યુસ્ક્રિપ્ટોલોજી એટલે કે જૈન હસ્તપ્રત વિજ્ઞાન માટે એડવાઇઝરી કમિટીમાં કોને રાખવા એ બાબતે નામનું લિસ્ટ મોકલ્યું. તમને આશ્ચર્ય થશે પણ હકીકત એ છે કે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર અને ચેરપર્સન તરીકે નીરજાબેને સૌથી પહેલું નામ પોતાનું જ રાખ્યું. હવે તાળો બેસ્યો કે બે મહિના પહેલાં 40 કરોડની ગ્રાન્ટ જે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટરના ખાતામાં જવાની હતી, એ પદ માટે નીરજા ગુપ્તાએ પોતાની જ ગોઠવણ કરી દીધી. એટલું જ નહીં બાકીના 6 લોકોના નામ પણ ઘણા પ્રશ્નો ઉભા કરે એવા છે. જૈન હસ્તપ્રત વિજ્ઞાન માટે એડવાઇઝરી કમિટીના લિસ્ટમાં સૌથી છેલ્લું નામ ઓક્ટર્સ નામની પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટન્ટ કંપનીના પ્રતિનિધિનું છે. એની ઓળખ જાણી લો. આ કંપની સમીર શુક્લાની છે. જેને અગાઉના કુલપતિએ જ બ્લેકલિસ્ટ કરીને બહારનો રસ્તો દેખાડી દીધો હતો. તો સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે નીરજા ગુપ્તાએ આવી કંપની પર ચાર-ચાર હાથ કેમ રાખ્યા? અચાનક કરોડના પ્રોજેક્ટમાં એન્ટ્રી કેમ મળી? જવાબ આગળના સમયમાં થનારા બેંક સ્ટેટમેન્ટના આંકડાઓમાં છુપાયેલો હતો. PMJVK હેઠળ કેન્દ્ર સરકારની ગ્રાન્ટ આવે એ માટે નીરજા ગુપ્તાના નામે અમદાવાદમાં આવેલી એક બેંકની બ્રાંચમાં એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું. જેમાં 40 કરોડ રૂપિયા ગ્રાન્ટ પેટે કેન્દ્ર સરકાર તરફથી આવ્યા હતા. આ ખાતામાંથી રૂપિયા જ્યાં-જ્યાં ગયા એ ટ્રાન્જેક્શન ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. 2 મે, 2026ના રોજ સમીર શુક્લાની કન્સલ્ટન્ટ કંપની ઓક્ટર્સના ખાતામાં 10,01,891 રૂપિયા ચેક મારફતે ટ્રાન્સફર કરવામાં આવ્યા. 30 જૂન, 2026એ નીરજા ગુપ્તાનો કુલપતિ તરીકેનો કાર્યકાળ પૂરો થયો. પરંતુ ખરો ધમાકો તો ત્યાં થયો જ્યારે કાર્યકાળ પૂરો થવાના બરાબર એક અઠવાડિયા પછી આ જ ખાતામાંથી અચાનક વિદેશમાં પૈસા ટ્રાન્સફર થયા. તારીખ હતી 7 જુલાઈ 2026. જે ખાતામાં કેન્દ્ર સરકારની ગ્રાન્ટ જમા થઈ એ જ ખાતામાંથી 9,84,150 રૂપિયા ફોરેક્ષમાં ટ્રાન્સફર થયા અને પહોંચ્યા તેમના દીકરા અક્ષત ગુપ્તાના એકાઉન્ટમાં. મળેલી જાણકારી પ્રમાણે અક્ષત જર્મનીમાં રહે છે. વળી, જૈન હસ્તપ્રત વિજ્ઞાનના કામકાજ માટે નીરજા ગુપ્તાએ પોતાના સહિત 7 લોકોની ટીમ બનાવી હતી. પોતે તો અપ્રૂવર બન્યા જ આ ઉપરાંત બે ફેકલ્ટી, એક-એક ડેટા ઓપરેટર, એકાઉન્ટન્ટ, રેકોર્ડ કિપર અને ઓફિસ સ્ટાફને નોકરી પર રાખ્યા. જૈન સમાજ માટેના આ કામ માટે નીરજા ગુપ્તા 4.20 લાખ રૂપિયા દરમહિને પગાર પેટે લેતા હતા. હદ તો એ છે કે 7 લોકોની આ ટીમમાંથી નીરજા ગુપ્તા સહિત 4 લોકો એવા હતા જેમની પોતાની જ સહીથી આખી ટીમનો પગાર થતો. ડો.ગુપ્તાએ આવી રીતે 9 મહિના સુધી તો પગાર લીધો જ છે. મે મહિનામાં લીધેલા પગારનો પુરાવો આ રહ્યો.
હજુ આ તમામ બાબતોને લઇને અંદરખાને ખળભળાટ મચી ગયો છે. મળેલી જાણકારી પ્રમાણે નીરજા ગુપ્તા સામે 40 કરોડ રૂપિયાના હિસાબ માટે સવાલ થયો તો તેમણે થોડા દિવસ પહેલાં 12 કરોડ રૂપિયા યુનિવર્સિટીને પાછા આપવાની તૈયારી દર્શાવી. પરંતુ મામલાની ગંભીરતાને જોતા યુનિવર્સિટીએ આવી અધૂરી રકમ લીધી નથી. અગાઉ ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન ડિપાર્ટમેન્ટના કો-ઓર્ડીનેટર કમલજીત લખતરિયાએ વિદ્યાર્થીઓની ફીની રકમમાંથી કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી. લખતરિયાએ પોતાનાં પરિવારના સભ્યોના એકાઉન્ટમાં ઉચાપતની રકમ ટ્રાન્સફર કરી હતી જે મામલે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે આ મામલે તપાસ કરીને હકીકત જાણ્યા બાદ પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે. 10 કરોડની ગેરરીતિની એક ઇન્ક્વાયરી તો ચાલી જ રહી છે
ડૉ.નીરજા ગુપ્તા 1 જુલાઈ, 2023ના રોજ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બન્યા હતા અને ગત જૂન મહિનાની 30મી તારીખે તેમનો કાર્યકાળ પૂરો થયો. આ દરમિયાન પૈસાની છૂટા હાથે લ્હાણી કરી હોવાનો ABVP દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. નીરજા ગુપ્તાએ ચાર્જ સંભાળ્યા બાદ અનેક હંગામી કર્મચારીઓની હકાલપટ્ટી કરી પોતાના માનીતા અને તેમના પતિ સાથે કામ કરતા કર્મચારીઓને નોકરી પર રાખી અગાઉ કરતા 5થી 6 ગણો પગાર ચૂકવ્યો છે. ABVPએ આક્ષેપ કર્યો છે કે, પવન પંડિત યુનિવર્સિટીના કર્મચારી ન હોવા છતાં સીધા જ ડાયરેક્ટર બનાવી દેવાયા છે. પવન પંડિત પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના Ph.Dના વિદ્યાર્થી હોવાને કારણે સત્તાનો દુરુપયોગ કરી તેમની નિમણૂક કરી છે. ચંદ્રશેખર ઝા અને દિનેશકુમાર જેઓ નીરજા ગુપ્તાના પતિ અરૂણકુમાર સાથે ONCGમાં હતા. નિવૃત્તિ બાદ નીરજા ગુપ્તા દ્વારા તેમની નિમણૂક કરવામાં આવી છે. સરકારની મંજૂરી વિના UGCના નિયમો વિરૂદ્ધ ઓળખીતા લોકોને મહિને 5 લાખના પગારે નોકરી રાખવામાં આવ્યા. IKS વિભાગમાં પણ ઉત્તર પ્રદેશના કેટલાક લોકોની નિમણૂક કરવામાં આવી છે. નીરજા ગુપ્તાએ બેફામ કરેલી નિમણૂકના કારણે યુનિવર્સિટીને છેલ્લા 3 વર્ષમાં 10.93 કરોડનું આર્થિક ભારણ સહન કરવું પડ્યું છે. ABVPની ફરિયાદના પગલે નીરજા ગુપ્તા સામે યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટી રચવામાં આવી છે. આ તપાસ કમિટીમાં સિન્ડિકેટ સભ્ય હિરેન જાદવ, IQAના ડાયરેક્ટર પ્રોફેસર સી.જી. બ્રહ્મભટ્ટ અને સ્કૂલ ઓફ લોના હેડ પ્રોફેસર ભાવેશ ભરાડની નિમણૂક કરાઈ છે. તમે દલા તરવાડીની વાર્તા સાંભળી હશે!!! જેમાં વાડીમાંથી રિંગણા તોડવા માટે એ વ્યક્તિ પોતાની જાત સાથે જ વાત કરે છે અને રિંગણા તોડવાની મંજૂરી મેળવી લે છે. આવું જ હકીકતમાં બન્યું છે રાજ્યની પ્રતિષ્ઠિત ગુજરાત યુનિવર્સિટીમાં.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *