ગુજરાત સહિત મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં દરોડા:બોગસ CSR ડોનેશન રેકેટમાં EDની મોટી કાર્યવાહી, 8 સ્થળોએ દરોડા; 21 લાખ રોકડ જપ્ત

📅 Published: October 5, 2026 | 📂 Category: gujarati-news

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની મુંબઈ ઝોનલ ઓફિસ દ્વારા બોગસ CSR (Corporate Social Responsibility) ડોનેશન રેકેટના મામલે દેશવ્યાપી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 1 ઓક્ટોબર, 2026 ના રોજ ED દ્વારા મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને દિલ્હી-NCR માં 8 સ્થળોએ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં એક બોગસ ડૉક્ટર દ્વારા આચરવામાં આવેલા આશરે રૂ. 2,200 કરોડના મહાકૌભાંડનો પર્દાફાશ થયો છે. ધોરણ-12 પાસ શખ્સે 3 દાયકા સુધી ડોક્ટરની પદવી ભોગવી
EDની તપાસમાં અત્યંત ચોંકાવનારી હકીકત સામે આવી છે કે, આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ધર્મેન્દ્ર કુમાર ચંદ્રદેવ સિંહ છે. તેની પાસે કોઈ માન્ય મેડિકલ લાયકાત કે મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન ન હોવા છતાં અને માત્ર ધોરણ-12 સુધીનો જ અભ્યાસ કર્યો હોવા છતાં, તેણે પોતાને ડૉક્ટર તરીકે રજૂ કર્યો હતો. એટલું જ નહીં, છેલ્લા ત્રણ દાયકાથી તે ગેરકાયદેસર રીતે ‘ડૉક્ટર’ ની પદવીનો ઉપયોગ કરી રહ્યો હોવાનો આરોપ છે. જુહુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRના આધારે EDએ આ મામલે તપાસ શરૂ કરી હતી. ચેરિટેબલ ટ્રસ્ટના નામે 40 PSU ને લગાવ્યો ચૂનો
બોગસ ડૉક્ટરની ઓળખનો લાભ ઉઠાવીને ધર્મેન્દ્ર કુમારે હેલ્થકેર આધારિત CSR પ્રવૃત્તિઓ દર્શાવીને અનેક ચેરિટેબલ ટ્રસ્ટ અને સંસ્થાઓનું મોટું નેટવર્ક ઊભું કર્યું હતું. આ માધ્યમથી તેણે દેશની 40 થી વધુ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ (PSU) કંપનીઓ અને જાહેર ક્ષેત્રની બેન્કો પાસેથી મસમોટું ફંડ મેળવ્યું હતું. મેડિકલ સાધનો અને નકલી બિલોનો ખેલ
તપાસમાં સામે આવ્યું કે, આ ટ્રસ્ટો હોસ્પિટલો અને હેલ્થકેર સંસ્થાઓને મોંઘી મેડિકલ મશીનરી ખરીદી આપવાના બહાને ફંડિંગ મેળવતા હતા. પ્રોજેક્ટ્સ કાં તો માત્ર આંશિક રીતે પૂરા થતા અથવા ક્યારેય થતા જ નહોતા. વેન્ડર (સપ્લાયર) ના બિલોમાં કથિત રીતે વધુ રકમ દર્શાવીને વધારાના નાણાં બોગસ અથવા શેલ કંપનીઓ મારફતે સગેવગે કરી દેવામાં આવતા હતા. જેમાં મોટા પાયે કમિશન અને કિકબેક (લાંચ) ની ચૂકવણી પણ થતી હતી. કેટલાક કિસ્સાઓમાં જાહેર પ્રતિનિધિઓની ભલામણોના આધારે પણ ફંડ આપવામાં આવતું હતું. બ્લેક મનીને વાઈટ કરવાનો કારસો
ખાનગી કંપનીઓ પાસેથી મળેલા CSR ફંડમાંથી મોટાભાગની રકમ નાની કમિશનની કપાત બાદ ફરીથી રોકડ (બ્લેક મની) સ્વરૂપે દાતાઓને જ પરત કરી દેવામાં આવતી હોવાનો પણ ખુલાસો થયો છે. સર્ચ દરમિયાન ED ને એવા CSR એજન્ટો અને વચેટિયાઓનું નેટવર્ક મળી આવ્યું છે, જેઓ શેલ કંપનીઓ દ્વારા હિસાબી નાણાંને બિનહિસાબી રોકડમાં ફેરવતા હતા. નોંધનીય છે કે, આમાંની મોટાભાગની સંસ્થાઓ અગાઉ GST ફ્રોડમાં પણ સંડોવાયેલી હોવાનું સામે આવ્યું છે. હાલ ED એ દરોડા દરમિયાન રૂ. 21 લાખની રોકડ, વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ ડિવાઇસ જપ્ત કર્યા છે અને આ રૂ. 2,200 કરોડના કૌભાંડમાં વધુ તપાસ ધમધમાટ શરૂ કર્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *