જમીન NAની મંજૂરીના કેસમાં સોગંદનામું કરીને જ્યુડિશિયલ ઓફિસર વિરૂદ્ધ ગમે તેવા તથ્યો મુકનારા વડોદરાના કલેક્ટર અનિલ ધામેલીયાનો હાઇકોર્ટે આકરો ઉધડો લીધો હતો. કલેક્ટર ધામેલીયાને કોર્ટમાં વર્ચ્યુઅલી હાજર રાખીને ખખડાવી કાઢ્યા હતા અને ત્યારબાદ GAD તરફથી ઉચ્ચ અધિકારી ટી. નટરાજનને પણ હાજર રખાયા હતા. જેમને કલેક્ટરની વર્તણૂક અને અવારનવારની આવી જ ટેવ વિશે માહિતગાર કરાવ્યા હતા. સુનાવણીના અંતે સામાન્ય વહીવટ વિભાગને આદેશ કર્યો હતો કે તેઓ વડોદરા કલેક્ટર ધામેલીયા વિરૂદ્ધ શું કાર્યવાહી કરવા માંગે છે? જેની સ્પષ્ટતા 27 નવેમ્બરની સુનાવણીમાં કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. ‘કલેક્ટર અનિલ ધામેલીયા કાયદાઓની અવગણના કરી નિર્ણયો કરે છે’
હાઈકોર્ટે વડોદરા કલેક્ટરની આકરી ઝાટકણી કાઢ્યા બાદ આદેશ કરતાં નોંધ્યું હતું કે, વડોદરાના કલેક્ટર અનિલ ધામેલીયા પોતાના તરંગી વિચારોનો ઉપયોગ કરી અને કાયદાઓની અવગણના કરીને NAની મંજૂરીની અરજીઓમાં કેઝ્યુલ રીતે નિર્ણયો કરે છે. એક કેસમાં વડોદરાના કલેક્ટરે રેવેન્યૂ ટ્રિબ્યુનલમાં રિવિઝન અરજી પેન્ડિંગ હોવાથી NA અરજી રદ કરી હતી. ત્યારબાદ હાઇકોર્ટે આ મામલે ચોક્કસ આદેશ કર્યા હતા. જેમાં સ્પષ્ટતા કરવા કહ્યું હતું કે જે રિવિઝન અરજીઓ 2024માં નિર્ણિત થઇ ગઇ હોય તો એ કલેક્ટર મુજબ પેન્ડિંગ કઇ રીતે છે? જ્યુડિશિયલ ઓફિસર વિરૂદ્ધ ખોટાં આક્ષેપો હોવાનું કોર્ટનું પ્રથમ દૃષ્ટીએ માનવું
જેના જવાબમાં કલેક્ટરે સોગંદનામું કર્યું હતું. જે મામલે આ કોર્ટને એવું લાગે છે કે સોગંદનામામાં કલેક્ટરે તત્કાલિન રેવેન્યૂ ટ્રિબ્યુનલના ઇન્ચાર્જ વિશે બિનજરૂરી તથ્યોનું વર્ણન કર્યું હતું. કલેક્ટરે ટૂંકમાં પોર્ટલમાં રિવિઝન અરજીનો ઓર્ડર ન દેખાતો હોવાનું કહેવું જોઇતું હતું, પરંતુ તેમણે જે હિસ્ટ્રીનું વર્ણન કર્યું હતું તે જ્યુડિશિયલ ઓફિસર વિરૂદ્ધ ખોટાં આક્ષેપો હોવાનું કોર્ટનું પ્રથમ દૃષ્ટીએ માનવું છે. ‘સંબંધિત વિભાગ કલેક્ટર વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરે’
હાઇકોર્ટે વધુમાં એમ પણ નોંધ્યું હતું કે, સોગંદનામા ઉપર કલેક્ટર કક્ષાના અધિકારી દ્વારા આવા પાયાવિહોણા તથ્યો મૂકવાની બાબત વિવાદ ઊભી કરવા પુરતાં જણાય છે. એ પણ નોંધવા જેવું છે કે વડોદરા કલેક્ટર એક અન્ય કેસમાં પણ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. જેમાં ચાર્જ પણ ફ્રેમ થયા છે અને એ કેસ ન્યાયાધિન છે. આ મામલો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના કેસ ચલાવતી કોર્ટ સમક્ષ મુકતાં પહેલાં આ કોર્ટ સંબંધિત વિભાગને એક તક આપે છે કે તેઓ કલેક્ટર વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરે. કલેક્ટર વિરૂદ્ધ જે કન્ટેમ્પ્ટની કાર્યવાહી પેન્ડિંગ છે એ પણ GADને ધ્યાને મુકવાની રહેશે
તેથી GADના એડિશનલ ચીફ સેક્રેટરીને હાજર રહેવાનું કહ્યું હતું. આ કેસના પેપર્સ GADના એડિશનલ ચીફ સેક્રેટરી સમક્ષ મુકવાનો આદેશ કરવામાં આવે છે અને સાથે જ કલેક્ટરનું સોગંદનામું પણ મુકવાનું રહેશે. જેને ધ્યાનમાં લીધા બાદ સંબંધિત વિભાગે કોર્ટને જણાવવાનું રહેશે કે તેઓ કલેક્ટર વડોદરા વિરૂદ્ધ શું કાર્યવાહી કરવા ઇચ્છે છે. કલેક્ટર વિરૂદ્ધ જે કન્ટેમ્પ્ટની કાર્યવાહી પેન્ડિંગ છે એ પણ GADને ધ્યાને મુકવાની રહેશે, જેથી કરીને GAD ઉચિત નિર્ણય સુધી પહોંચી શકે. હાઇકોર્ટે વડોદરા કલેક્ટર કલેક્ટરની કાઢેલી ઝાટકણી
ગુજરાત હાઈકોર્ટે વડોદરા કલેક્ટરની આકરી ઝાટકણી કાઢી:જમીન NAની મંજૂરીના કેસમાં જ્યુડિશિયલ ઓફિસર વિરૂદ્ધ બિનજરૂરી ટીપ્પણી કરી
📅 Published: October 24, 2026 |
📂 Category: gujarati-news
