ગુરુદ્વારા સામેનો 25,000 ચોરસ મીટરની જગ્યા ખુલ્લી કરાઈ:ગુરુદ્વારા સામેનો શહેરનો સૌથી મોટો ‘ગાર્બેજ પોઈન્ટ’ હવે બનશે આહલાદક પર્યાવરણીય સ્થળ, 6 થી 8 જેસીબી મશીનોથી યુદ્ધના ધોરણે સફાઈ

📅 Published: October 3, 2026 | 📂 Category: gujarati-news

ભારત સરકારના ‘સેવા સંકલ્પ અભિયાન’ અને રાજ્યના અર્બન શહેરી વિકાસ વિભાગના સફાઈ અભિયાન અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે એક મહત્વપૂર્ણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે શહેરની મધ્યમાં ગુરુદ્વારા સામે આવેલી આશરે 25000 ચોરસ મીટર જેટલી વિશાળ જમીન, જે અત્યાર સુધી શહેરનો સૌથી મોટો ‘ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ’ ગણાતી હતી, તેને સંપૂર્ણપણે ક્લિયર કરીને બ્યુટીફિકેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્થળે અગાઉ લોકો મોટી માત્રામાં કચરો તેમજ બિલ્ડિંગ મટીરીયલ ફેંકતા હતા, જેના કારણે દરરોજ અહીંથી પસાર થતા હજારો નાગરિકોને ભારે ગંદકીનો સામનો કરવો પડતો હતો. આ જમીન મૂળ ભારત સરકારના પુનર્વસવાટ મંત્રાલયની છે અને હાલ ગુજરાત સરકાર હેઠળ તેની દેખરેખ ચાલુ છે. મહાનગરપાલિકાએ આ જમીન કાયમી ધોરણે સોંપવા માટે વિનંતી કરી છે, જેની મંજૂરી મેળવવાની અપેક્ષા સાથે હાલ કોર્પોરેશને તેનો કબ્જો લઈ ફેન્સિંગ અને બ્યુટીફિકેશનની કામગીરી શરૂ કરી દીધી છે. આ અંગે ભાવનગરના કમિશનર એમ.કે.મીણા એ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી મહાનગરપાલિકાની ટીમ દ્વારા 6 થી 8 જેટલા જેસીબી મશીનોનો ઉપયોગ કરીને જમીન સાફ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે સ્થાનિક રહીશોને અગાઉથી જાણ કરવામાં આવતા તેઓ અન્ય સ્થળે શિફ્ટ થઈ ગયા છે, આગામી 1 થી 2 દિવસમાં ફેન્સિંગ પૂરું કરીને જમીનનો પઝેશન લઈ લેવામાં આવશે., મહાનગરપાલિકાના મેયર અને ચેરમેનની આગેવાની હેઠળ સમગ્ર ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે કે આગામી એક સપ્તાહની અંદર જ આ ગંદકીના સામ્રાજ્યને એક સુંદર સ્થળમાં પરિવર્તિત કરી દેવામાં આવશે. આ બ્યુટીફિકેશન બાદ શહેરીજનો અહીં આવીને બેસી શકશે અને હરી-ફરી શકશે. આ મહત્ત્વપૂર્ણ કામગીરીથી શહેરનો એક બહુ મોટો દૂષિત પોઈન્ટ કાયમ માટે દૂર થશે અને ભાવનગરવાસીઓને એક સુંદર પર્યાવરણનો અનુભવ મળશે…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *