સુરત શહેરમાં હોટફિક્સ ઇન્ડસ્ટ્રિયલ વેસ્ટના નિકાલ મામલે AAP અને પાલિકા શાસકો વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. સુરતમાં AAP નેતાઓ દ્વારા ભાજપ શાસિત સુરત મહાનગરપાલિકા પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. પક્ષે ચીમકી ઉચ્ચારી છે કે, જો હોટફિક્સ કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ નહીં કરાય અને ગૃહ ઉદ્યોગોને અપાયેલી નોટિસો પરત નહીં ખેંચાય તો આગામી દિવસોમાં ઉગ્ર જન આંદોલન છેડવામાં આવશે. ડોર-ટુ-ડોર કચરો ઉપાડવાનું બંધ થતાં ગંદકી ફેલાઈ: ધર્મેશ ભંડેરી
AAP પ્રદેશ સંગઠન મંત્રી અને કોર્પોરેટર ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, સુરતના મોટાભાગના વિસ્તારોમાં હોટફિક્સ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. અગાઉ વિપક્ષ તરીકેની રજૂઆતો બાદ ડોર-ટુ-ડોર કચરો ઉપાડવાની વ્યવસ્થા શરૂ થઈ હતી, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી આ કચરો ઉપાડવાના ટેમ્પો બંધ કરી દેવાયા છે. ચાર દિવસ પહેલાં વિરોધ નોંધાવ્યા બાદ SMC તંત્રે રાતોરાત નાના ગૃહ ઉદ્યોગોને પ્રતિબંધિત પ્લાસ્ટિકના નામે બંધ કરવાની નોટિસો ફટકારવાનું શરૂ કરી દીધું છે, જે સામાન્ય લોકોની રોજગારી છીનવી લેવા સમાન છે. ચાઇનાથી પ્લાસ્ટિક આવે ત્યાં સુધી તંત્ર ઊંઘતું હતું?: AAPનો સવાલ
ધર્મેશ ભંડેરીએ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, જો આ પ્લાસ્ટિક પ્રતિબંધિત છે, તો પછી તે ચાઇનાથી દરિયાઈ માર્ગે, પોર્ટ અને કસ્ટમ ચેકિંગ પાર કરીને છેક સુરત સુધી કેવી રીતે પહોંચ્યું? કસ્ટમ ડ્યુટી વસૂલાયા બાદ આ માલ અહીં પહોંચે છે અને હવે તંત્ર નાના વેપારીઓને દબાવી રહ્યું છે. ઇન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ મિલકતો પાસેથી ઘરવેરા કરતાં 10 ગણો વધુ ટેક્સ લેવાય છે, તો પછી સફાઈની વ્યવસ્થા પણ 10 ગણી વધુ કેમ નથી અપાતી? આરોગ્ય મંત્રી 48 કલાકમાં સ્થિતિ સ્પષ્ટ કરે: રામ ધડુક
AAP પ્રદેશ ઉપાધ્યક્ષ રામ ધડુકે આરોગ્ય મંત્રીના મતવિસ્તાર કામરેજ, ખોલવડ, અંબોલી અને ગોથાણ જેવા વિસ્તારોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ત્યાં ખાડી કિનારે કચરાના ઢગલા ખડકાયા છે અને કચરો સળગાવવાથી ઝેરી ધુમાડાને કારણે નાગરિકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે. તેમણે માંગ કરી છે કે આરોગ્ય મંત્રી 48 કલાકમાં સુરતની જનતા સામે સ્પષ્ટતા કરે કે તેઓ કચરાના વૈજ્ઞાનિક નિકાલના પક્ષમાં છે કે મહિલાઓ અને યુવાનોની રોજગારી છીનવવાના પક્ષમાં છે. પત્રકાર પરિષદમાં વરાછા વિધાનસભા પ્રભારી રજનીકાંત વાઘાણી અને લિંબાયત વિધાનસભા પ્રભારી પંકજ તાયડે સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. પક્ષે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો એક અઠવાડિયામાં નોટિસો મોકૂફ નહીં રખાય તો સુરતની જનતા સાથે મળીને મહાનગરપાલિકા સામે મોટો મોરચો મંડાય તેવી શક્યતા છે.
'ગૃહ ઉદ્યોગો બંધ કરાવવાની નોટિસો પાછી ખેંચો નહીતર જન-આંદોલન થશે':સુરતમાં હોટફિક્સ કચરા મામલે AAP આક્રમક, ચાઇનાથી પ્લાસ્ટિક આવે ત્યાં સુધી તંત્ર ઊંઘતું હતું?
📅 Published: August 31, 2026 |
📂 Category: gujarati-news
