ગેરેજ સંચાલક સાથે ઠગાઈ:રીટાયર્ડ PIના નામે વિશ્વાસ કેળવી ગેરેજ સંચાલક પાસેથી ઠગબાજે 1 લાખ પડાવ્યા

📅 Published: September 13, 2026 | 📂 Category: gujarati-news

વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સાથેના જૂના સંબંધ અને ઓળખાણનો ગેરલાભ ઉઠાવી ગેરેજ સંચાલક પાસેથી રોકડા અને ઓનલાઇન મળી ₹1 લાખ પડાવી લીધા બાદ પરત ન આપી છેતરપિંડી આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગેરેજ સંચાલકની લેખિત ફરિયાદના આધારે બાપોદ પોલીસે દાનાભાઈ કાનાભાઈ રાઠોડ નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. નિવૃત્ત PI સોસાએ મદદ કરવા ભલામણ કરી
યાકુતપુરા અજબડી મિલ નજીક કાદરી મોટર્સ ધરાવતા અલ્તાફહુસેન કાદરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, સિટી પોલીસ મથકના પૂર્વ PI અને નિવૃત્ત પોલીસ અધિકારી સોસાએ 20 જાન્યુઆરી 2026ના રોજ તેમને ફોન કર્યો હતો. પોતે બહારગામ હોવાનું જણાવી પરિચિત દાનાભાઈ રાઠોડને તાત્કાલિક ₹1 લાખની જરૂર હોવાથી મદદ કરવા ભલામણ કરી હતી. જેથી ગેરેજ સંચાલકે પોતાના કારીગરો સાથે દિલ્હી ફૂડ પોઈન્ટ નજીક પહોંચી દાનાભાઈને ₹65,000 રોકડા અને ₹35,000 ઓનલાઇન મારફતે ચૂકવી પૂરા એક લાખ રૂપિયા આપ્યા હતા. 12 દિવસમાં પૈસા ચૂકવવાનો વાયદો કર્યો
રકમ મેળવી લીધા બાદ દાનાભાઈએ નિવૃત્ત PI ને ફોન કરી નાણાં મળી ગયાની ખાતરી આપી હતી અને ગેરેજ સંચાલકને આગામી 10 થી 12 દિવસમાં તમામ રકમ ચૂકવી દેવાની બાંહેધરી આપી હતી. જોકે, નક્કી કરેલી મુદત વીતી ગયા બાદ ગેરેજ સંચાલકે પોતાના પૈસાની ઉઘરાણી કરતાં દાનાભાઈએ ફોન સ્વીકારવાનું બંધ કરી દીધું હતું અને વારંવાર વાયદા-બહાના કરી રકમ પરત આપી ન હતી. બાપોદ પોલીસ મથકે ઠગાઈનો ગુનો દાખલ
લાંબો સમય વીતવા છતાં નાણાં પરત ન મળતાં પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં ગેરેજ સંચાલકે આખરે કાયદાનો આશરો લીધો હતો. બાપોદ પોલીસે દાનાભાઈ કાનાભાઈ રાઠોડ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી આરોપીનું પગેરું મેળવવા અને ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *