ગોત્રીમાં સાડીની દુકાનમાં આગથી માલસામાન બળીને ખાખ:અકોટાની રેસિડેન્સીમાં પ્રથમ માળે મકાનમાં આગ, શહેરમાં આગની બે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

📅 Published: October 23, 2026 | 📂 Category: gujarati-news

વડોદરા શહેરમાં આગની બે અલગ-અલગ ઘટના સામે આવી છે, જેમાં ગોત્રી વિસ્તારની સાડીની દુકાન અને અકોટાની સૃષ્ટિ રેસિડેન્સીમાં આગ લાગવાથી અફરાતફરી મચી ગઈ હતી. જો કે, ફાયર બ્રિગેડની ટીમોની સમયસૂચકતા અને તાત્કાલિક કાર્યવાહીના કારણે આગ પર કાબુ મેળવી લેવાયો હતો અને સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી સાડીની દુકાનમાં આગથી માલસામાન બળીને ખાખ
પ્રથમ બનાવ વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ગોકુલનગર બફર પાસે મુખ્ય રોડ પર બન્યો હતો, જ્યાં એક સાડીની દુકાનમાં સવારે આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. આ આગના કારણે દુકાનમાં રહેલો તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ વાસણા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. વાસણા ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અકોટામાં બિલ્ડીંગના પ્રથમ માળે મકાનમાં આગ
બીજી ઘટના શહેરના અકોટા વિસ્તારમાં આવેલી સૃષ્ટિ રેસિડેન્સીમાં મોડી રાત્રે બની હતી. જેમાં સૃષ્ટિ રેસિડેન્સીના પહેલા માળે આવેલા એક મકાનના બેડરૂમમાં આગ ભભૂકી ઉઠતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા, જેને લઈને સોસાયટીના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક રહીશો દ્વારા ડાયલ 112 અને ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરાતા કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવ્યો હતો. આ બંને ઘટનાઓમાં શોર્ટ સર્કિટનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે અને ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *