ગોધરાની ગોંદરા ગુજરાતી મિશ્ર પ્રાથમિક શાળામાં બે નવા વર્ગખંડોનું ખાતમુહૂર્ત:60 લાખના ખર્ચે શૈક્ષણિક સુવિધાઓનો વિકાસ, શાળાને માધ્યમિકનો દરજ્જો અપાવવા રજૂઆત કરાશે

📅 Published: October 12, 2026 | 📂 Category: gujarati-news

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના વોર્ડ નંબર 9માં આવેલી ગોંદરા ગુજરાતી મિશ્ર પ્રાથમિક શાળામાં શૈક્ષણિક સુવિધાઓમાં વધારો કરવા માટે અંદાજિત રૂ.60 લાખના ખર્ચે બે નવા વર્ગખંડો સહિત અન્ય વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે. આ વિકાસકાર્યોના ભાગરૂપે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ગોધરા એપીએમસીના ચેરમેન માલવદીપસિંહ રાઉલજી સહિતના આગેવાનો, પદાધિકારીઓ, શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ છ ઓરડાનું લોકાર્પણ કરાયું હતું
ગોંદરા વિસ્તારમાં આવેલી આ શાળામાં વર્ષ 2022-23 દરમિયાન છ ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળામાં વધુ શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવા માટે સ્થાનિક સ્તરે રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોને પગલે સરકારે અંદાજિત રૂ.60 લાખના ખર્ચે બે નવા વર્ગખંડો સહિત અન્ય વિકાસકાર્યોને મંજૂરી આપી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે. શાળામાંનવા બે ઓરડાથી સુવિધા વધશે
શાળાનાં આચાર્ય નેમિષા પટેલે જણાવ્યું હતું કે, હાલમાં શાળામાં છ ઓરડા છે અને હવે નવા બે ઓરડા બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વિકાસકાર્યો પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વધુ સારી સુવિધાઓ મળશે, જેના કારણે શૈક્ષણિક કામગીરીમાં પણ સરળતા રહેશે. શાળાને માધ્યમિકનો દરજ્જો અપાવવા પ્રયાસ કરાશે
નગરપાલિકાના સભ્ય યાકુબભાઈ બક્કર તબેલીએ જણાવ્યું હતું કે, સતત રજૂઆતો બાદ શાળામાં નવા વર્ગખંડો મંજૂર થયા છે. આગામી સમયમાં ગોંદરા ગુજરાતી મિશ્ર પ્રાથમિક શાળાને માધ્યમિક શાળાનો દરજ્જો મળે તે માટે પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. કાર્યક્રમમાં અગ્રણીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા
ખાતમુહૂર્ત કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ, પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન, નગરપાલિકાના સભ્યો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંદાજિત રૂ.60 લાખના ખર્ચે થનારા વિકાસકાર્યોથી શાળાની માળખાકીય સુવિધાઓમાં વધારો થશે. સાથે જ ભવિષ્યમાં શાળાને માધ્યમિક કક્ષાએ અપગ્રેડ કરવાની દિશામાં પણ સ્થાનિક આગેવાનો અને વાલીઓએ આશા વ્યક્ત કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *