ગોધરામાં ક્લસ્ટર કક્ષાનો રોજગાર મેળો યોજાયો:45થી વધુ કંપનીઓએ યુવાનોને રોજગારીની તકો અંગે માર્ગદર્શન આપ્યું

📅 Published: September 18, 2026 | 📂 Category: gujarati-news

પંચમહાલ જિલ્લાના યુવાનોને રોજગાર અને સ્વરોજગારની વિવિધ તકો મળી રહે તે હેતુથી ગોધરા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ક્લસ્ટર કક્ષાના રોજગાર મેળા અને પ્રેરણાત્મક સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ અને ધારાસભ્ય નિમિષાબેન સુથાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.
રોજગાર મેળામાં મેન્યુફેક્ચરિંગ સહિતના વિવિધ ક્ષેત્રોની 45થી વધુ નામાંકિત કંપનીઓએ ભાગ લીધો હતો. કંપનીના પ્રતિનિધિઓ દ્વારા ખાલી જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, ભરતી પ્રક્રિયા, કામનું સ્વરૂપ, વેતન અને મળવાપાત્ર વિવિધ લાભો અંગે ઉમેદવારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલા ઉમેદવારો માટેની રોજગાર તકો અંગે પણ માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત યુવાનોને એપ્રેન્ટિસશિપ, ખાનગી ક્ષેત્રની નોકરી, ઇન્ટરવ્યૂ કૌશલ્ય, સ્વ-વિકાસ અને ડિફેન્સ ક્ષેત્રમાં કારકિર્દી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ નેશનલ કરિયર સર્વિસ (NCS) પોર્ટલ તથા વિવિધ IT કંપનીઓ દ્વારા આપવામાં આવતી નિઃશુલ્ક કૌશલ્ય તાલીમ અને કમ્પ્યુટર કોર્સ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. જિલ્લા રોજગાર કચેરી દ્વારા પંચમહાલના યુવાનોને આગામી રોજગારલક્ષી કાર્યક્રમોનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *