ગોધરા શહેર અને તાલુકામાં પોલીસે ત્રણ અલગ-અલગ બનાવમાં કાર્યવાહી હાથ ધરી છે. દુકાનોના તાળાં ફંફોળતો એક શંકાસ્પદ ઈસમ ઝડપાયો છે, જ્યારે જુગારના બે દરોડામાં કુલ સાત ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જુગારના સ્થળો પરથી કુલ ₹21,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 26 ઓગસ્ટની રાત્રે ગોધરા શહેરના દાહોદ રોડ પર મેકિબ મેમોરિયલ સ્કૂલના ગેટ પાસે એક ઈસમ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો. સાતપુલ વિસ્તારના ગેની પ્લોટમાં રહેતો 26 વર્ષીય રિઝવાન ઈબ્રાહીમ સબુરીયા કેબિનો અને દુકાનોના તાળાં ફંફોળતો હતો. શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ થતાં પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી. આ મામલે ગોધરા શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોન-કોગ્નિઝેબલ ગુનો નોંધવામાં આવ્યો છે. અન્ય એક કાર્યવાહીમાં, ગોધરા શહેર બી ડિવિઝન પોલીસને મેશરી નદી પાસે ઘસમા કબરસ્તાન નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. પોલીસે દરોડો પાડીને સોહેલ ઇકબાલ ઘાંચીભાઈ અને અરબાઝ કરીમ શેખને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક અન્ય ઈસમ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી રોકડા ₹400, ₹15,000ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન અને ગંજીપત્તાના પાના મળી કુલ ₹15,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, ગોધરા તાલુકાના પોપટપુરા ગામ નજીક રોડ સાઇડની ખુલ્લી જગ્યામાં રાત્રિના સમયે લાઇટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમતા પાંચ ઈસમોને તાલુકા પોલીસે 25 ઓગસ્ટની રાત્રે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા ઈસમોમાં ધવલકુમાર વખતસિંહ ચૌહાણ, હસમુખકુમાર ગુલાબસિંહ પરમાર, રફીક ગનીભાઈ કુરેશી, સલમાન સરફરાજ શેખ અને મહેન્દ્રસિંહ ઉર્ફે ટોલીયો અર્જુનસિંહ સોલંકીનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓની અંગઝડતીમાંથી મળેલા ₹4,200, દાવ પરથી મળેલા ₹2,000 તથા ગંજીપાના મળી કુલ ₹6,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગોધરામાં દુકાનોના તાળાં ફંફોળતો શંકાસ્પદ ઝડપાયો:બે સ્થળે જુગારધામ પરના દરોડામાં 7 ઈસમોની ધરપકડ કરાઈ
📅 Published: August 27, 2026 |
📂 Category: gujarati-news
