ગોધરા ક્રાઈમ અપડેટ:ધરી ગામની 19 વર્ષીય યુવતી ગુમ, પટેલવાડી પાસે બંધ મકાનમાંથી ₹1.18 લાખની મત્તાની ચોરી

📅 Published: August 25, 2026 | 📂 Category: gujarati-news

પંચમહાલ જિલ્લામાં ગુમ થવા અને ચોરીના બે અલગ-અલગ બનાવ સામે આવ્યા છે. ગોધરા તાલુકાના જુની ધરી ગામેથી 19 વર્ષીય યુવતી ગુમ થઈ છે, જ્યારે ગોધરા શહેરના પટેલવાડી વિસ્તારમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના સહિત કુલ ₹1,18,213ની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. બજારમાં ગયા બાદ યુવતી પરત ન ફરી
ગોધરા તાલુકાના જુની ધરી ગામના નહેરવાળા ફળિયામાં રહેતી 19 વર્ષીય યુવતી ગત તા. 23 ઓગસ્ટથી 24 ઓગસ્ટ 2026 દરમિયાન ગામના હોળી ચકલા બજાર તરફ ગઈ હતી. બજારમાં ગયા બાદ યુવતી કોઈને જાણ કર્યા વિના ક્યાંક ચાલી ગઈ હતી અને ત્યારબાદ ઘરે પરત ફરી ન હતી. પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ પોલીસને જાણ
યુવતી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ આસપાસના વિસ્તારો તેમજ સગા-સંબંધીઓના ઘરે તેની શોધખોળ હાથ ધરી હતી. જોકે, લાંબી શોધખોળ છતાં યુવતીનો કોઈ પત્તો ન મળતાં તેના પાલક પિતા અશોકભાઈ નાનાભાઈ માછીએ કાંકણપુર પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે જાણવાજોગ નોંધ કરી ગુમ થયેલી યુવતીની શોધખોળ શરૂ કરી છે. બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન
બીજા બનાવમાં ગોધરા શહેરના પટેલવાડી પાસે આવેલા એક બંધ મકાનમાં ચોરી થઈ હતી. મૂળ કેવડીયાના વણકરવાસના અને હાલ પટેલવાડી પાસે રહેતા જસવંતસિંહ લાલાભાઈ વણકરના મકાનમાં તા. 6 ઓગસ્ટના રોજ સાંજના સમયે અજાણ્યા તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. સોના-ચાંદીના દાગીના સહિત ₹1.18 લાખની ચોરી
ચોરીમાં 22.730 ગ્રામનું સોનાનું મંગળસૂત્ર, જેની કિંમત ₹96,213, 12 ગ્રામની ત્રણ સોનાની વીંટી, કિંમત ₹20,000, 5 ગ્રામનો ચાંદીનો સિક્કો, કિંમત ₹200, 0.01 ગ્રામની સોનાની ચુની, કિંમત ₹1,200 તથા ચાંદીનું બાળકના પગનું કડું, કિંમત ₹600 મળી કુલ ₹1,18,213ની મત્તા ચોરી થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પાડોશી મહિલા પર શંકા, પોલીસે તપાસ શરૂ કરી
ફરિયાદીએ પાડોશમાં રહેતી ભોઈ રોશનીબેન વસંતભાઈ પર શંકા વ્યક્ત કરી હતી. તેમની સાથે ચર્ચા-વિચારણા બાદ પણ કોઈ ઉકેલ ન આવતા આખરે તા. 24 ઓગસ્ટના રોજ ગોધરા શહેર A ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને ચોરીના બનાવમાં સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ આગળ ધપાવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *