દિવાળીના તહેવારમાં મીઠાઈ અને ફરસાણનું ખૂબ મોટા પ્રમાણમાં વેચાણ થતું હોય છે, મીઠાઈ બનાવવા માટે વેપારીઓ દ્વારા માવા સહિતની અલગ અલગ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગ દ્વારા ગોમતીપુર વિસ્તારમાં નરસિંહજી મંદિર કંપાઉન્ડમાં આવેલા માવા સહિતની ચીજ વસ્તુઓના કોલ્ડ સ્ટોરેજમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, AMCના ફૂડ વિભાગ દ્વારા 40 હજાર કિલો શંકાસ્પદ બરફીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. -15થી -18 ડિગ્રીમાં માવાનો જથ્થા સ્ટોર કરાયો
કાલુપુર, માણેકચોકના જય હિન્દ સ્વીટ્સ, પુરોહિત બ્રધર્સ સહિતના જાણીતા મીઠાઈના 15થી વધુ વેપારીઓનો માવાનો જથ્થો ગોમતીપુરના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે, તેનો દિવ્ય ભાસ્કર દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. મોટા પ્રમાણમાં માવા સહિતની ચીજ વસ્તુઓનો જથ્થો કોલ્ડ સ્ટોરેજમાં માઇનસ 15થી માઇનસ 18 ડિગ્રીના તાપમાનમાં પેક કરીને રાખવામાં આવ્યો હતો. કોલ્ડ સ્ટોરેજ એક વિશાળ જગ્યામાં બનાવવામાં આવ્યું છે, જેમાં ઉપર અને નીચે એમ બે ભાગમાં સામાન રાખવામાં આવ્યો હતો. કોલ્ડ સ્ટોરેજમાં રાખેલા જથ્થાનું પ્રતિ કિલો બે રૂપિયા ભાડું
કોલ્ડ સ્ટોરેજમાં 60 જેટલા અલગ અલગ વિક્રેતાઓ દ્વારા કુલ અંદાજીત 1.02 લાખ કિલો જેટલો જથ્થો મુકવામાં આવ્યો હતો. આ પૈકી 80 ટકા જેટલો જથ્થો મુખ્ય 15 વિક્રેતાઓનો છે. વેપારીઓ સીઝનમાં માવાનો જથ્થો રાજ્યના અલગ અલગ ગામડાઓ અને શહેરોમાંથી મંગાવીને અહીં સ્ટોર કરે છે. ખાસ કરીને દિવાળીના તહેવાર દરમિયાન માવાના જથ્થાનું પ્રમાણ વધુ હોય છે જેથી અમદાવાદના વેપારીઓ કોલ્ડ સ્ટોરેજ ભાડે રાખે છે. ખાસ કરીને દિવાળીના 15 દિવસ પહેલાં વેપારીઓ જથ્થો મૂકી જતા હોય છે, જેના માટે કોલ્ડ સ્ટોરેજ દ્વારા પ્રતિ કિલો બે રૂપિયા લેખે ભાડું વસૂલવામાં આવે છે. ‘જરૂરિયાત મુજબ 500 કે 1000 કિલો જથ્થો લઈ જાય છે’
કોલ્ડ સ્ટોરેજના વ્યક્તિના જણાવ્યા મુજબ, જે મીઠાઈ બનાવવા માટે માવાનો જથ્થો રાખવામાં આવતો હોય છે તેને કોલ્ડ સ્ટોરેજમાં મીઠાઈના વેપારીઓ 10થી 15 દિવસ સુધી રાખતા હોય છે. કારણ કે મીઠાઈ બનાવવા માટે માવાનો જથ્તો એક સાથે અલગ અલગ શહેરો અને ગામડાઓમાંથી મંગાવવામાં આવે છે. વેપારીને મીઠાઈ બનાવવા માટે જે પ્રમાણે જરૂરિયાત પડે તેમ 500 કે 1000 કિલો જેટલો જથ્થો લઈ જતા હોય છે. અમદાવાદમાં એકમાત્ર ગોમતીપુર વિસ્તારમાં અંબિકા અને અન્ય પદ્માવતી નામના બે જ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે, જેમાં મોટાભાગના શહેરના વેપારીઓની ચીજ વસ્તુઓ રાખવામાં આવતી હોય છે. અસલાલી નજીક સચિન નામથી કોલ્ડ સ્ટોરેજ રાખવામાં આવ્યું છે, જેમાં અંદાજીત 35થી 40 હજાર કિલો જથ્થો રાખવામાં આવ્યો છે. માવાના બદલે તૈયાર મીઠાઈ વાપરીને પેંડા કે અન્ય મીઠાઈ બનાવાય છે
માવો (ખોયા) દૂધમાંથી પાણીનો કેટલોક ભાગ દૂર કરીને તૈયાર કરવામાં આવે છે, જ્યારે બરફી એક તૈયાર મીઠાઈ છે, જેમાં ખાંડ અને અન્ય ઘટકો હોઈ શકે છે. તેથી બન્ને એકસરખા નથી. FSSAIના ધોરણો મુજબ, માવો દૂધમાંથી આંશિક રીતે પાણી દૂર કરીને મેળવવામાં આવતો પદાર્થ છે. વેપારીઓ દ્વારા ખર્ચ ઘટાડવા માટે તૈયાર મીઠાઈને માવાના બદલે વાપરીને પેંડા કે બીજી મીઠાઈ બનાવે છે, જેથી તેના ઘટકો, મીઠાશ અને સ્વાદ બદલાઈ શકે છે. તૈયાર બરફીનો માવાના વિકલ્પ તરીકે ઉપયોગ કરવો એવો અર્થ થતો નથી
FSSAIની ભારતીય મીઠાઈઓ અંગેની દિશામાં ‘ખોયા આધારિત મીઠાઈ’ને ફૂડ કેટેગરી 18.1.1.1 હેઠળ દર્શાવવામાં આવી છે. આ વર્ગીકરણમાં ખોયા આધારિત મીઠાઈઓનો ઉલ્લેખ છે. તૈયાર બરફીનો માવાના વિકલ્પ તરીકે ઉપયોગ કરવો એવો અર્થ થતો નથી. જો માવાનો ઉપયોગ ન થયો હોય, તો તૈયાર મીઠાઈને ‘માવાનો પેંડો/ મીઠાઇ’ કહીને વેચવાથી ગ્રાહકને ઉત્પાદનની ઓળખ અથવા સામગ્રી અંગે ભ્રમ થઈ શકે છે. માવા વગરની મીઠાઈને માવાથી બનેલી તરીકે રજૂ ન કરવી
વેપારીએ ખાદ્ય પદાર્થની ચીજ વસ્તુઓ માટે ઉપયોગમાં લેવાયેલા ઘટકો અંગે સાચી માહિતી આપવી જોઇએ. માવા વગરની મીઠાઈને માવાથી બનેલી તરીકે રજૂ ન કરવી. ગ્રાહકે ખરીદતી વખતે પૂછવું કે પેંડા/મીઠાઈમાં માવો વપરાયો છે કે તેયાર બરફી/બીજી મીઠાઈનો આધાર લેવાયો છે. કોઈ ચોક્કસ દુકાન સામે કાનૂની કાર્યવાહીનો નિર્ણય માત્ર શંકા પરથી નહીં, સંબંધિત વિગતો અને જરૂરી તપાસના આધારે લેવામાં આવે છે. ધોરણથી નીચે અથવા બાહ્ય પદાર્થ ધરાવતો ખોરાક વેચી શકાય નહીં
ખાદ્ય પદાર્થનું વેચાણ કરનારા વેપારીઓએ વ્યવસાયના નિયંત્રણ હેઠળ ખોરાક કાયદા અને નિયમો મુજબનો હોવાની ખાતરી કરવી જોઇએ. ભ્રામક રીતે રજૂ કરાયેલી, ધોરણથી નીચે અથવા બાહ્ય પદાર્થ ધરાવતો ખોરાક વેચી શકાય નહીં. ખોરાકને ખોટા અથવા ભ્રામક નામ/વર્ણનથી રજૂ કરવામાં આવે તો પરિસ્થિતિ પ્રમાણે તે ‘મિસબ્રાન્ડેડ ફૂડ’ બની શકે છે. એના માટે વેપારીઓને ફૂડ એક્ટના કાયદા મુજબ દંડ પણ કરવામાં આવે છે. ગ્રાહકે જે સ્વભાવ, પદાર્થ અથવા ગુણવત્તાનો ખોરાક માંગ્યો હોય તેનાથી જુદો ખોરાક વેચાયો હોય તો પણ તેમની સામે કાર્યવાહી થઈ શકે છે.
ગોમતીપુરના કોલ્ડર સ્ટોરેજમાં -18 ડિગ્રીમાં રખાયો 1.02 લાખ કિલો જથ્થો:દિવાળીના 15 દિવસ પહેલાંથી જ માવાનું સ્ટોરેજ, 15થી વધુ વેપારીઓનો જથ્થો; પ્રતિ કિલો ₹2 ભાડું વસૂલાય છે
📅 Published: October 28, 2026 |
📂 Category: gujarati-news
