ગોલ્ડ લોનમાં ઊંચા કમિશનની લાલચ આપી રોકાણકારોને લૂંટ્યા:ફીનો પેમેન્ટ બેંકના ઝોનલ હેડ, ઇન્ડિયા હેડ સહિત ચાર લોકોએ ડિસ્ટ્રિબ્યુટરો સાથે 2.46 કરોડની છેતરપિંડી આચરી

📅 Published: August 24, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદના સીજી રોડ સ્થિત ફીનો પેમેન્ટ બેંકના ઇન્ડિયા હેડ, ઝોનલ હેડ સહિત 4 ઉચ્ચ અધિકારીઓ સામે નડિયાદના ડિસ્ટ્રિબ્યુટર સાથે 2.46 કરોડ રૂપિયાની જંગી છેતરપિંડી આચરવા બદલ CID ક્રાઈમમાં ગુનો નોંધાયો છે. બેંકની વિવિધ પ્રોડક્ટ્સ અને ગોલ્ડ લોન સ્કીમમાં સુપર ડિસ્ટ્રિબ્યુટર બનાવી ઊંચા કમિશનની લોભામણી લાલચ આપીને રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા બાદ મુદ્દલ અને કમિશન ચૂકવવાનું બંધ કરી દીધું હોવાનો પર્દાફાશ થયો છે. સુપર ડિસ્ટ્રિબ્યુટર બનાવી ₹2.46 કરોડનું રોકાણ કરાવ્યું
નડિયાદના રહેવાસી કિરણભાઈ પ્રજાપતિ વિવિધ બેંકોની પ્રોડક્ટ્સના ડિસ્ટ્રિબ્યુટર તરીકે કાર્યરત હતા. વર્ષ 2020 માં તેઓ ફીનો પેમેન્ટ બેંક સાથે જોડાયા હતા. આ દરમિયાન બેંકના ઝોનલ હેડ કલ્પિત સોની, સુરેન્દ્ર શર્મા, હિમાંશુ મિશ્રા અને ઇન્ડિયા હેડ શૈલેષ પાંડે સહિતના જવાબદાર હોદ્દેદારોએ કિરણભાઈને વિશ્વાસમાં લીધા હતા. ખાસ કરીને ગોલ્ડ લોન યોજનામાં રોકાણ પર મોટું કમિશન આપવાની ખાતરી આપીને તેમની પાસેથી અલગ-અલગ રોકાણકારો મારફતે કુલ 2.46 કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરાવ્યું હતું. શરૂઆતમાં ₹30 લાખ કમિશન આપી મુદ્દલ રકમ ઓળવી ગયા
રોકાણકારોનો ભરોસો જીતવા માટે શરૂઆતના તબક્કે આરોપીઓએ કમિશન પેટે 30 લાખ રૂપિયા નિયમિત ચૂકવ્યા હતા. જોકે, એકવાર મોટી મૂડી જમા થઈ ગયા બાદ બેંકના અધિકારીઓએ કમિશન ચૂકવવાનું બંધ કરી દીધું હતું અને રોકાણકારોની મૂળ મુદ્દલ રકમ કે વ્યાજ પરત કરવાનો પણ સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આ ઉપરાંત ફરિયાદીના પાનકાર્ડનો પણ ગેરકાયદે દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. CID ક્રાઈમે 4 મુખ્ય હોદ્દેદારો સામે ગુનો નોંધી તપાસ તેજ કરી
વારંવાર રજૂઆત કરવા છતાં નાણાં પરત ન મળતાં કિરણભાઈએ સીઆઈડી ક્રાઈમના અમદાવાદ યુનિટમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કલ્પિત સોની, સુરેન્દ્રકુમાર શર્મા, હિમાંશુ મિશ્રા અને શૈલેષ પાંડે સામે આયોજનબદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત અને દસ્તાવેજોના દુરુપયોગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં સીઆઈડી ક્રાઈમે સઘન તપાસ શરૂ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *