નવરાત્રી એટલે માત્ર નવ દિવસનો તહેવાર નહીં, પરંતુ ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા, સંગીત, નૃત્ય અને રંગોની જીવંત ઉજવણી. ગરબાના તાલે જ્યારે સમગ્ર શહેર ઝૂમી ઊઠે છે ત્યારે દરેક વ્યક્તિને પોતાના પરંપરાગત પોશાક દ્વારા પોતાની આગવી ઓળખ રજૂ કરવાની ઈચ્છા થાય છે. આ જ ભાવનાને ધ્યાનમાં રાખીને વિબગ્યોર ફેશન્સ સ્પેશિયલ નવરાત્રી કલેક્શન લઈને આવ્યું છે. જેમાં પરંપરાગત ભારતીય કારીગરી સાથે આજના સમયની સરળતા, હળવાશ અને આધુનિક ફેશનનો સુંદર મેળ જોવા મળે છે.
આ વખતે નવરાત્રી કલેક્શનની સૌથી ખાસ વાત તેના વાઇબ્રન્ટ કલર્સ, લાઇટવેટ ફેબ્રિક, સુંદર એમ્બ્રોઇડરી, એથનિક બોર્ડર અને રંગીન દુપટ્ટા છે. નવરાત્રી દરમિયાન લાંબા સમય સુધી ગરબા રમવા, મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરવા તથા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે આરામદાયક વસ્ત્રો જરૂરી છે. હવે સ્ટાઇલ સાથે કમ્ફર્ટને પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવે છે.
ચણિયાચોળી અને રંગોની ઉજવણી
નવરાત્રીના પોશાકમાં રંગોનું પોતાનું આગવું મહત્ત્વ છે. આ કલેક્શનમાં લાલ, લીલો, ગુલાબી, પર્પલ, પીળો, ઓરેન્જ, પિંક, ટીલ, મેર્જન્ટા અને અનેક વાઇબ્રન્ટ શેડ્સનો સુંદર ઉપયોગ કરવામાં આવ્યો છે. અલગ-અલગ રંગોને એકબીજા સાથે એવી રીતે જોડવામાં આવ્યા છે કે દરેક પોશાકમાં તહેવારની ખુશી અને ઊર્જા અનુભવાય. ખાસ કરીને કોન્ટ્રાસ્ટ કલર કોમ્બિનેશન આ કલેક્શનને વધુ આકર્ષક બનાવે છે. એક જ પોશાકમાં અલગ રંગની ચોળી, ઘાઘરા અને દુપટ્ટો રાખીને યુનિક લુક બનાવી શકાય છે. આ રીતે દરેક સ્ત્રી પોતાની પસંદગી અને વ્યક્તિત્વ પ્રમાણે પોતાનો નવરાત્રી લુક તૈયાર કરી શકે છે.
લાઇટવેટ ફેબ્રિક
ગરબાની મસ્તીમાં આરામ એટલે કે હળવાશ પણ જરૂરી છે. નવરાત્રીમાં કલાકો સુધી ગરબા રમવાના હોય છે, તેથી ભારે અને અસુવિધાજનક વસ્ત્રો કરતાં હળવા અને સરળતાથી પહેરી શકાય તેવા ફેબ્રિકને આજે વધુ પસંદ કરવામાં આવે છે, તેથી હવે ચણિયાચોળીમાં હેવી ફેબ્રિકને બદલે લાઇટવેટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક પર ફોકસ કરવામાં આવે છે. હળવા ફેબ્રિકના કારણે ઘાઘરો સુંદર રીતે ફ્લો થાય છે અને ગરબા કરતી વખતે તેની મૂવમેન્ટ પણ ખૂબ જ સુંદર લાગે છે. પોશાક શરીર પર ભારરૂપ લાગતો નથી અને લાંબા સમય સુધી પહેર્યા બાદ પણ આરામદાયક રહે છે. આ પ્રકારનાં વસ્ત્રો માત્ર ગરબા માટે જ નહીં, પરંતુ નવરાત્રીની પૂજા, પરિવારના ફંક્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય તહેવારોમાં પણ સરળતાથી પહેરી શકાય છે.
એમ્બ્રોઇડરી અને બ્લાઉઝ
પ્લેન અથવા ફક્ત તોય મૂકી હોય એવા ચણિયાની સાથે એમ્બ્રોઇડરી બ્લાઉઝ પહેરવાનો ટ્રેન્ડ છે. આ પ્રકારના બ્લાઉઝ લુકને ખાસ બનાવે છે. બ્લાઉઝમાં પરંપરાગત હેન્ડવર્કની પ્રેરણા સાથે નાજુક કારીગરી, રંગીન વર્ક અને સુંદર ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. ઘાઘરો સાદો હોય તો સુંદર એમ્બ્રોઇડરીવાળી ચોળી આખા લુકને હાઇલાઇટ કરી શકે છે. બીજી તરફ જો ઘાઘરો અને દુપટ્ટો વધારે રંગીન હોય તો સોફ્ટ એમ્બ્રોઇડરીવાળા બ્લાઉઝ પોશાકમાં બેલેન્સ લાવે છે. આ બ્લાઉઝને માત્ર ઘાઘરા સાથે જ નહીં, પરંતુ સાડી, સ્કર્ટ, પ્લાઝો કે અન્ય ઇન્ડો-વેસ્ટર્ન પોશાક સાથે પણ અલગ રીતે સ્ટાઇલ કરી શકાય છે એટલે કે એક જ બ્લાઉઝમાંથી અનેક લુક બનાવવાની શક્યતા રહે છે.
પરંપરાની ઓળખ એથનિક બોર્ડર
નવરાત્રીના પોશાકમાં એથનિક બોર્ડરનું વિશેષ સ્થાન છે, તેથી આ બાબતને ધ્યાનમાં રાખીને ટ્રેડિશનલ એથનિક બોર્ડરનો સુંદર ઉપયોગ કરવામાં આવ્યો છે. બોર્ડર પોશાકને માત્ર શણગારતું નથી, પરંતુ તેમાં ભારતીય સંસ્કૃતિ અને હસ્તકલા સાથેનો સંબંધ પણ દર્શાવે છે. ઘાઘરાની બોર્ડર, દુપટ્ટાની કિનારી અને બ્લાઉઝની ડિઝાઇન ડિટેલ્સમાં આ પરંપરાગત ટચ જોવા મળે છે. આધુનિક સિલુએટ સાથે આ એથનિક ડિટેલિંગ પોશાકને એવું રૂપ આપે છે કે જે એકસાથે ટ્રેડિશનલ પણ લાગે અને ટ્રેન્ડી પણ.
