ચર્ચા હર્ષદ પટેલની, મેન્ડેટ અંકુર પટેલનું:ભાજપે 'સ્કાયલેબ' પદ્ધતિથી કોસાડના અંકુર પટેલને સોંપી 4000 કરોડની APMCની કમાન

📅 Published: August 20, 2026 | 📂 Category: gujarati-news

રાજ્યની સૌથી સમૃદ્ધ અને દક્ષિણ ગુજરાતની અગ્રણી સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ના નવા પ્રમુખ તરીકે કણબી પટેલ સમાજના આગેવાન અને મૂળ કોસાડના વતની અંકુર પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે. ચોર્યાસી બેઠકના ધારાસભ્ય અને પૂર્વ પ્રમુખ સંદીપ દેસાઈએ પ્રમુખપદની રેસમાંથી સ્વૈચ્છિક રીતે ખસી જવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ ભાજપના મોવડી મંડળે યુવા નેતૃત્વને પ્રાધાન્ય આપવાના ભાગરૂપે અંકુર પટેલના નામ પર અંતિમ પસંદગીની મહોર લગાવી દીધી હતી. હર્ષદ પટેલના નામની ચર્ચા વચ્ચે સ્કાયલેબ પદ્ધતિથી અંકુર પટેલનું મેન્ડેટ આવ્યું
સંદીપ દેસાઈની વિદાય બાદ સહકારી વર્તુળોમાં ઉપપ્રમુખ હર્ષદ પટેલનું નામ પ્રમુખપદ માટે સૌથી આગળ ચાલી રહ્યું હતું અને સવારથી સમર્થકો પણ એકત્ર થયા હતા. જોકે, ભાજપે હંમેશની જેમ પોતાની આગવી ‘સ્કાયલેબ’ શૈલી અપનાવીને તમામને ચોંકાવી દીધા હતા. ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય હેમાલી બોઘાવાલા અંકુર પટેલના નામનું સત્તાવાર મેન્ડેટ લઈને બોર્ડ મીટિંગમાં પહોંચ્યા હતા, જ્યાં સર્વાનુમતે તેમની વરણી જાહેર કરાઈ હતી. સહકારી ક્ષેત્રનો બહોળો અનુભવ અને યુવા ચહેરાને પ્રાથમિકતા
નવનિયુક્ત પ્રમુખ અંકુર પટેલ કણબી પટેલ સમાજમાં ઊંડી પકડ અને પ્રતિષ્ઠા ધરાવે છે. તેઓ અગાઉ પુરુષોત્તમ ફાર્મર્સમાં ઉપપ્રમુખ તરીકે સક્રિય ભૂમિકા ભજવી ચૂક્યા છે. સહકારી વહીવટની તેમની કુનેહ અને પાયાના કામને ધ્યાનમાં રાખીને પાર્ટીએ તેમને આ મહત્ત્વની જવાબદારી સોંપી છે. સુરત એપીએમસી માત્ર ખેડૂત વેપાર પૂરતી સીમિત ન રહેતાં દક્ષિણ ગુજરાતના રાજકારણનું એક મોટું શક્તિ કેન્દ્ર પણ માનવામાં આવે છે. ₹4000 કરોડનું ટર્નઓવર ધરાવતી માર્કેટની શાખ જાળવવાનો મોટો પડકાર
વાર્ષિક ₹4000 કરોડનું જંગી ટર્નઓવર ધરાવતી સુરત એપીએમસી આવક અને વહીવટની દૃષ્ટિએ સતત 3 વર્ષથી રાજ્યમાં પ્રથમ ક્રમે રહી છે. હવે નવા પ્રમુખ સામે આ અવ્વલ સ્થાન ટકાવી રાખવું, આધુનિક વિકાસ કાર્યો આગળ ધપાવવા, યુવાનોને કૃષિ ક્ષેત્રે જોડવા અને સામાન્ય નાગરિકો સુધી ગુણવત્તાયુક્ત-આરોગ્યપ્રદ શાકભાજી સુલભ કરાવવાની મોટી જવાબદારી અને પડકાર રહેશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *