પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મણીયારી ગામે મહિલાને ફોન કરવા બાબતે શરૂ થયેલી બોલાચાલી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું થયું હતું. એક પક્ષે યુવતીની છેડતી કરી તેના પિતા અને પિતરાઈ ભાઈ પર લાકડીઓ વડે હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે, જ્યારે સામા પક્ષે ફોન કરવા અંગે પૂછપરછ કરવા જતાં લોખંડની ખીલાસરીથી હુમલો કરી ગડદાપાટુનો માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. બંને પક્ષોની ફરિયાદના આધારે ચાણસ્મા પોલીસે કુલ 9 શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ પક્ષની ફરિયાદ: યુવતીની છેડતી અને પરિવારજનો પર હુમલાનો આક્ષેપ
આશાબેન ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ, મણીયારી ગામના આંબાવાડી વિસ્તારમાં રહેતા વિશાલ ટીનાજી ઠાકોર અને કિશન ટીનાજી ઠાકોર લાકડીઓ લઈને તેમના ઘરે આવ્યા હતા. બંનેએ ફરિયાદીના પિતા અમરતજી પાસે તેમના પુત્ર સાગર અંગે પૂછપરછ કરી હતી અને તેને માર મારવાની ધમકી આપી હતી. કારણ પૂછતાં બંને ઉશ્કેરાઈ ગયા હતા અને અમરતજીને લાકડી વડે બરડાના ભાગે માર માર્યો હતો. આ દરમિયાન તેમના ખિસ્સામાંથી રૂ.5 હજાર પડી ગયા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. યુવતીનો હાથ પકડી ખેંચાખેંચી કરવાનો આક્ષેપ
ફરિયાદ મુજબ, ત્યારબાદ બંને શખસોએ યુવતીનો હાથ પકડી ખેંચાખેંચી કરી હતી, જેના કારણે તેના કપડાં ફાટી ગયા હતા. યુવતીની બૂમાબૂમ સાંભળીને પિતરાઈ ભાઈ અનિલજી ગોવિંદજી ઠાકોર વચ્ચે પડતાં આરોપીઓએ પોતાના પિતા ટીનાજી અંબારામજી ઠાકોરને ફોન કરીને બોલાવ્યા હતા. તેઓ પણ લાકડી લઈને સ્થળ પર આવ્યા હતા અને અનિલજીના માથામાં લાકડી મારતાં ગંભીર ઈજા પહોંચી હતી. અન્ય બે શખસો પણ પહોંચ્યા, લોકો ભેગા થતાં આરોપીઓ ફરાર
આ દરમિયાન રોહીતજી ગાગભાજી ઠાકોર અને દિલીપજી રમેશજી ઠાકોર પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ફરિયાદમાં બંનેએ યુવતી સાથે ઝપાઝપી કરી તેની ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાસ્થળે લોકો એકઠા થઈ જતાં આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ચાણસ્મા પોલીસે BNSની કલમ 115(2), 118(1), 74, 54 તથા GP એક્ટની કલમ 135 હેઠળ પાંચ શખસો સામે ગુનો નોંધ્યો છે. સામા પક્ષની ફરિયાદ: ફોન બાબતે પૂછપરછ કરતાં હુમલાનો આક્ષેપ
સામા પક્ષે દિલીપજી રમેશજી ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ, 28 ઓગસ્ટની રાત્રે તેઓ ગામના ગોંદરે આવેલા પાન-મસાલાના ગલ્લા પાસે વિશાલજી સાથે હાજર હતા. દરમિયાન સાગરજી અમરતજી ઠાકોરે વિશાલજીની પત્નીના મોબાઈલ પર ફોન કર્યો હોવાની વાતને લઈને પૂછપરછ કરવામાં આવી હતી. આ બાબતે ઉશ્કેરાયેલા અમરતજી મફાજી ઠાકોરે ગાળો આપી લોખંડની ખીલાસરી વડે દિલીપજીના ડાબા પગના ઢીંચણ નીચે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. ચાર શખસો સામે સામી ફરિયાદ, જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ
ફરિયાદ મુજબ, ત્યારબાદ કાનાજી મફાજી ઠાકોર, સાગરજી અમરતજી ઠાકોર અને દિલીપજી ગોવિંદજી ઠાકોરે ભેગા મળી દિલીપજી તથા વિશાલજીને ગડદાપાટુનો માર માર્યો હતો. ઘટનાસ્થળે હાજર ઉદેસંગજી બાજુજી ઠાકોરે વચ્ચે પડી બંનેને છોડાવ્યા હતા. આ દરમિયાન આરોપીઓએ જતાં-જતાં જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બંને પક્ષોની ફરિયાદના આધારે ચાણસ્મા પોલીસે કુલ 9 શખસો સામે ગુનો નોંધ્યો છે. સામા પક્ષની ફરિયાદમાં અમરતજી મફાજી ઠાકોર, કાનાજી મફાજી ઠાકોર, સાગરજી અમરતજી ઠાકોર અને દિલીપજી ગોવિંદજી ઠાકોર સામે BNSની કલમ 115(2), 118(1), 296(b), 351(3), 54 તથા GP એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધાયો છે. 29 ઓગસ્ટે નોંધાયેલી આ ફરિયાદની તપાસ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ ઉદાજી ઠાકોરે હાથ ધરી છે.
ચાણસ્માના મણીયારી ગામે યુવતીની છેડતી મામલે બે જૂથ વચ્ચે ધીંગાણું:સામસામે ફરિયાદો નોંધાઈ, પોલીસે 9 શખસો સામે ગુનો નોંધ્યો
📅 Published: August 30, 2026 |
📂 Category: gujarati-news
