ચારથી વધુ ગામના લોકોને રોજગારી મળે તે માટે સરપંચોની રજૂઆત:સાસણ ગીર જંગલ સફારીની જીપ્સી વાહન વ્યવસ્થામાં અમરાપુર, કાત્રાસા અને દેવગામના સ્થાનિક યુવાનોને રોજગારી આપવા વન વિભાગને લેખિત રજૂઆત..

📅 Published: November 12, 2026 | 📂 Category: gujarati-news

​જૂનાગઢ જિલ્લાના સાસણ સફારી પાર્ક અને કુદરતી વાતાવરણની મોજ માણવા દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ સાસણ આવવાનું પસંદ કરી રહ્યા છે, જેના કારણે આસપાસના અનેક ગામોના લોકોને વેપાર-ધંધા અને રોજગારી મળી રહી છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને અમરાપુર ગીર, કાત્રાસા અને દેવગામ એમ ચારથી પાંચ ગામના સરપંચો દ્વારા તેમના ગામના સ્થાનિક યુવાનોને પણ ધંધા-રોજગારી મળી રહે તે હેતુસર વન વિભાગના અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. ​ગ્રામ પંચાયત અમરાપુર ગીરના સરપંચશ સોલંકી હેતલબેન જેન્તીભાઈ તરફથી નાયબ વન સંરક્ષકશ્રી, વન્ય પ્રાણી વિભાગ, સાસણ ગીર, જૂનાગઢને પાઠવવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગીર જંગલ સફારીમાં પ્રવાસીઓ માટે જીપ્સી વાહનોની વ્યવસ્થા કરાઈ છે, જેનાથી આસપાસના લોકોને રોજગારી મળે છે. વર્ષ 2023 માં અમરાપુર ગીર ગામનો દેવળીયા જીપ્સી સફારીની વ્યવસ્થામાં સમાવેશ કરાયો હતો, પરંતુ હાલની વાહન વ્યવસ્થામાં આ ગામનો સમાવેશ કરાયેલ નથી. અમરાપુર ગીર ગામ સાસણ ગીર વિસ્તારની નજીક હોવા છતાં જીપ્સી ટોકન ફાળવણીમાં સમાવેશ ન થવાથી ગામના યુવાનો રોજગારીથી વંચિત રહે છે. ગામના ઘણા યુવાનો ખેતી અને મજૂરી પર નિર્ભર હોવાથી જો સફારી વ્યવસ્થામાં ગામનો સમાવેશ થાય તો યુવાનોને સ્વરોજગારી મળી શકે અને પરિવારની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થઈ શકે છે. ​આ અંગે અમરાપુર ગામના સરપંચના પ્રતિનિધિ ભઈલુભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, કાત્રાસા તથા દેવગામના સરપંચો સાસણ ખાતેના નાયબ વન સંરક્ષણ વન વિભાગની ઓફિસે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગીર જંગલ સફારીની અંદર વાહનોની વ્યવસ્થા માટે 21 થી 22 ગામો લેવામાં આવ્યા છે, જેમાં તેમના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ગામના લોકોને રોજી-રોટી મળી રહે તે માટે ડીસીઓ સાહેબની ઓફિસે લેખિત પત્ર આપીને તેમના ગામોનો પણ સમાવેશ કરવા રજૂઆત કરાઈ છે. જો આ બાબતે વહેલી તકે કોઈ નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવશે, જેથી અધિકારીઓના માધ્યમથી આ વાત સરકાર સુધી પહોંચે અને ગામોનો સમાવેશ થાય.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *