પેકેજ્ડ ખાદ્યચીજોમાં રહેલા શુગર, સોલ્ટ અને સેચ્યુરેટેડ ફેટના વધુ પડતા પ્રમાણને લઈને સુપ્રીમ કોર્ટે ભારે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટ આ અંગે ટૂંક સમયમાં જરૂરી નિર્દેશો આપશે. પેકેટના આગળના ભાગે ચેતવણી દર્શાવતા લેબલ (Front-of-Pack Labeling – FoPL) લગાવવાની માંગ કરતી અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, જાહેર જનતા અને ખાસ કરીને નાના બાળકોના આરોગ્ય અંગે કોર્ટ અત્યંત ચિંતિત છે. દેશના હિત સાથે જોડાયેલો આ મહત્વપૂર્ણ વિષય હોવાથી તમામ પક્ષકારો આમાં સહયોગ આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરી કોર્ટ આ મામલાની આગામી સુનાવણી 28 સપ્ટેમ્બરના રોજ નક્કી કરી છે.
રાષ્ટ્રીય હિત અને બાળકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો મુદ્દો
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે, આ સંવેદનશીલ મુદ્દે કોર્ટે પોતાનો વિસ્તૃત અભ્યાસ પૂરો કરી લીધો છે અને આ ગુરુવારે આદેશ જારી કરવામાં આવશે. કોર્ટે આ મુદ્દાને રાષ્ટ્રીય હિતનો મુદ્દો ગણાવતા કહ્યું કે તે લોકોના સ્વાસ્થ્ય, ખાસ કરીને વધતા બાળકોના સ્વાસ્થ્ય સાથે સીધી રીતે સંબંધિત છે. આ આદેશ શુક્રવારે સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ થઈ શકે છે. બેન્ચે પક્ષકારોને આદેશનો અભ્યાસ કરવા અને 28 સપ્ટેમ્બરના રોજ આગામી સુનાવણી માટે પાછા ફરવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે, તે 28 સપ્ટેમ્બરના રોજ આ મામલાની ફરીથી સુનાવણી કરશે.
સ્પષ્ટ ચેતવણી આપવાની જરૂરિયાત
સુનાવણી દરમિયાન અરજદારો તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ દેવદત્ત કામતે દલીલ કરી હતી કે, અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ આઈટમ્સને પૌષ્ટિક ઈંડા કે સોલ્ટેડ ડ્રાયફ્રૂટ્સ જેવા આરોગ્યપ્રદ આહાર સાથે સરખાવી શકાય નહીં. તેમણે આવા અલ્ટ્રા-પ્રોસેસ્ડ ઉત્પાદનો પર વધુ કડક તેમજ સ્પષ્ટ ચેતવણી આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, ચેતવણી માટે લાલ રંગ સિવાય અન્ય કોઈ અસરકારક રંગના વિકલ્પ પર પણ વિચારણા કરવા તેમણે રજૂઆત કરી હતી, જેની સુપ્રીમ કોર્ટે નોંધ લીધી હતી.
FSSAI દ્વારા રજૂ કરાયેલ દરખાસ્ત
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને પેકેજ્ડ ફૂડ પર ‘Front-of-pack labeling’ લાગુ કરવાની યોજના વિગતે રજૂ કરવામાં આવી હતી. આ યોજના અનુસાર, જે ઉત્પાદનોમાં નિયત મર્યાદા કરતાં બે કે તેથી વધુ હાનિકારક તત્વોનું પ્રમાણ વધુ હોય, તેના પેકેટની આગળના ભાગે સ્પષ્ટ દેખાય તેવું લાલ રંગનું ષટ્કોણ (Hexagonal) ચેતવણી ચિહ્ન દર્શાવવામાં આવશે.
પ્રસ્તાવિત ચેતવણીઓમાં નીચે મુજબના લેબલ્સનો સમાવેશ થાય છે:
* HIGH FAT
* HIGH SALT
* HIGH SUGAR
* HIGHLY SWEETENED BEVERAGE
નવી વ્યવસ્થા બે તબક્કામાં અમલી બનશે
FSSAI દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પ્રથમ તબક્કા હેઠળ, એવા ખાદ્યપદાર્થોને આવરી લેવાશે જેમાં નિર્ધારિત સ્તર કરતાં એડેડ ફેટ, એડેડ શુગર અને સોડિયમ પૈકીના બે અથવા વધુ તત્વો વધુ માત્રામાં હોય. જ્યારે બીજા તબક્કામાં, જો કોઈ એક તત્વનું પ્રમાણ પણ નિયત મર્યાદાથી વધુ હશે તો તે પ્રોડક્ટને પણ આ લેબલિંગ હેઠળ આવરી લેવામાં આવશે. જો કે, ઘી, તેલ, શુદ્ધ મીઠું, ખાંડ, ગોળ તેમજ મધ જેવી કુદરતી સિંગલ-ઇન્ગ્રેડિયન્ટ વસ્તુઓને આ નિયમમાંથી મુક્તિ આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. નિયમોમાં વિધિવત સુધારો થયા બાદ આ વ્યવસ્થા દેશભરમાં ફરજિયાત કરવામાં આવશે.
