ચીખલી પાસે ફોર્ચ્યુનરમાંથી ₹10.20 લાખનો દારૂ ઝડપાયો:SMCએ બેની ધરપકડ કરી, 'આઝાદ લંગડા' સહિત 6 વોન્ટેડ જાહેર

📅 Published: August 29, 2026 | 📂 Category: gujarati-news

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં મોટી કાર્યવાહી કરી છે. ચીખલીથી અટગામ જતા રોડ પર આવેલા મલિયાધરા ગામ પાસેથી એક ટોયોટા ફોર્ચ્યુનર કારમાંથી ₹10.20 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂનો જથ્થો 4,484 નંગ બોટલ અને ટીનનો હતો. પોલીસે વાહન સહિત કુલ ₹30,40,960નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. SMCના પીએસઆઈ જે.એસ. રાજપૂત અને તેમની ટીમને બાતમી મળી હતી કે દમણ તરફથી એક સફેદ ફોર્ચ્યુનર કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સુરતના ઉધના તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે ટીમે ચીખલી-અટગામ રોડ પર મલિયાધરા ગામ નજીક નાકાબંધી ગોઠવી હતી. શંકાસ્પદ ફોર્ચ્યુનર કાર આવતા જ તેને રોકી તલાશી લેવામાં આવી હતી, જેમાં અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી વાપીના જીતુ યતીનભાઈ રાઠોડ (ઉં.વ. 38) અને પારડીના મીત નટવરલાલ માહ્યાવંશી (ઉં.વ. 27) નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં નવસારીનો કુખ્યાત બુટલેગર નસીમુદ્દીન ઉર્ફે આઝાદ લંગડો, જે સ્કોર્પિયો કારમાં દારૂ ભરેલી ફોર્ચ્યુનરનું પાયલોટિંગ કરી રહ્યો હતો, તે ફરાર થઈ ગયો છે. આઝાદ લંગડા અને સ્કોર્પિયો ડ્રાઈવર વિવેક સહિત કુલ 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો દમણથી સપ્લાય કરવામાં આવ્યો હતો અને તેને સુરતના ઉધના ખાતે પહોંચાડવાનો હતો. આ સમગ્ર નેટવર્ક દમણના સપ્લાયરો દ્વારા ઓપરેટ થઈ રહ્યું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *