પાછલા છ દિવસમાં એશિયાના બે શહેરોમાં 3 મોટી ગ્લોબલ બેઠકો થઈ. આસિયાન સમિટ, ક્વાડ મીટિંગ અને એપેક સમિટ, એપેક હજુ બાકી છે. આ ત્રણેયમાં તમે એક કોમન વસ્તુ નોટ કરી? આ બેઠકો છે દુનિયા પર કોણ રાજ કરશે તેની અને પેસેફિક દરિયામાં કોનો દબદબો છે તેની. તેનો જવાબ શું હોય શકે? ચીન, અમેરિકા, રશિયા કે બીજું કોઈ? શું આપણે એટલે કે ભારત આ રમત ચૂકી ગયા છીએ? ચાલો આખા મુદ્દાને પાંચ પેટર્નથી સમજીએ. નમસ્કાર.. નવેમ્બર 2026ના એક અઠવાડિયામાં એક બાજુ ફિલિપાઈન્સના મનિલામાં આશિયાન અને ક્વાડની બેઠકો મળી તો બીજી બાજુ ચીનના શેનઝેનમાં એપેક સમિટનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. અહીં દુનિયાના સૌથી શક્તિશાળી નેતાઓ જેવા કે ડોનાલ્ડ ટ્રમ્પ, શી જિનપિંગ, વ્લાદિમીર પુતિન, નરેન્દ્ર મોદી, સનાએ તાકાઈચી વગેરે એક ટેબલ પર બેઠા. તો જંગ હવે સરહદ પરની બંદૂકોથી લડાઈ રહી છે? જવાબ છે ના. આ બેઠકોની જંગ છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર ચિપ્સ, રેર અર્થ કે ક્રિટિકલ મિનરલ્સ અને દરિયાના વેપારી રસ્તાઓ પર કોનો કબજો રહેશે. ઓબ્વિયસ છે! જેની પાસે ટેક્નોલોજી અને પ્રોપર સપ્લાઈ ચેઈન હશે તે જ આ 21મી સદીમાં દુનિયાના નિયમો લખવાનું છે. ચીનને રોકવા માટે ક્વાડ દેશો શું કરી રહ્યા છે? વિગતે વાત કરીએ તો મનિલામાં અમેરિકા અને તેના સાથી દેશોએ ખુલ્લેઆમ ચીનની આર્થિક દાદાગીરી સામે મોરચો ખોલ્યો. ચીને અગાઉ જાપાન જેવા દેશોને જરૂરી ખનિજોનો સપ્લાય અટકાવીને બ્લેકમેલ કરવાની ટ્રાય કરી હતી. હવે ક્વાડ એટલે કે અમેરિકા-ભારત-જાપાન-ઓસ્ટ્રેલિયા એકસાથે મળીને ચીન મુક્ત સપ્લાય ચેઈન ઉભી કરવાની પ્લાનિંગ કરી રહ્યું છે. જેથી કોઈ એક દેશ દુનિયાને બાનમાં ન લઈ લે. કોણ બનશે વેપારનો મસિહા? પણ અસલી ખેલ અને ટ્વિસ્ટ તો ચીનના શેનઝેનમાં જોવા મળી રહ્યો છે, અહીં એપેકની મીટિંગ થવાની છે જ્યાં દુનિયાના ત્રણ સૌથી શક્તિશાળી નેતા એટલે કે ટ્રમ્પ, જિનપિંગ અને પુતિન એક ટેબલ પર સામસામે બેસવાના છે. જિનપિંગ અહીં પોતાને મુક્ત વેપારના મસિહા તરીકે રજૂ કરવા માગે છે તો બીજી બાજુ પુતિનને યુક્રેન યુદ્ધ બાદ પણ તે ઘાયલ નથી થયું અને મહાસત્તા છે તે પોર્ટરે કરવા જઈ રહ્યા છે. વાતો એવી છે કે ટ્રમ્પથી ઈરાન યુદ્ધ પૂરું નથી થઈ રહ્યું એટલે તે ચીન અને રશિયાની મદદથી ઈરાન યુદ્ધ પૂરું કરવા માટે પોતાનો કોઈ પ્રસ્તાવ મૂકે. કારણ કે ચીન અને રશિયાના ઈરાન સાથે સારા સંબંધો છે અને ઈરાન બંને દેશોની વાત માને છે પણ ખરાં. જિનપિંગ-પુતિનનું બંધબારણે ગતકડું? હજુ આ બેઠક થઈ નથી પણ તેના પહેલા જ ત્રિપક્ષીય બેઠકે યુરોપ અને એશિયા સહિત દુનિયાભરમાં ખળભળાટ મચાવી દીધો છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું ટ્રમ્પ, જિનિપિંગ અને પુતિન બંધ બારણે કોઈ મોટી ડિલ કરીને કંઈ મોટું ગતકડું કરી દેશે? ખૈર આ બધા અનુમાનો છે જ્યારે મીટિંગ થશે ત્યારે ખબર પડી જશે કે કોણે શું વાત કરી અને શું ડિલ કરવામાં આવી. જે વાતો ઓફિશિયલ કાગળિયામાં નહીં દેખાય તે આપણે એડિટર્સ વ્યૂમાં રજૂ કરી દઈશું જેથી આપણા દર્શકોને સાદા ન્યૂઝની જગ્યાએ ઈનસાઈડ ઈન્ફોર્મેશન મળી રહે. ડિજિટલ-દરિયાઈ તાકાત વધારવા આશિયાન મૂડમાં હવે વાત આપણી એટલે કે ભારતની કરી લઈએ. આસિયાનના 11 દેશો કોઈના પ્યાદા બનવા તૈયાર નથી. ભારતે એક બાજુ ક્વાડમાં રહીને અમેરિકા-જાપાન-ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથે હાથ મિલાવ્યા છે, તો બીજી બાજુ આશિયાન દેશો સાથે મળીને પોતાની ડિજિટલ અને દરિયાઈ તાકાત વધારવાના ફૂલઓન મૂડમાં છે. તો આની અસર ગુજરાત કે ભારતમાં કઈ રીતે પડી શકે? ચાલો ચોંકાવનારા આંકડાઓની માયાજાળથી આખી વાતને સમજીએ. મનિલા અને શેનઝેનની રાજદ્વારી રમત મનિલા અને શેનઝેનની ડિપ્લોમેટિક ગેમ પાછળ અબજો-ખરબો ડોલરનું ગણિત કામ કરી રહ્યું છે. સૌથી પહેલા ક્વાડની તાકાત જુઓ. ચીનની રેર અર્થ મિનરલ્સ પરની મોનોપોલી તોડવા માટે ક્વાડ દેશોએ 20 બિલિયન ડોલર એટલે કે અંદાજે 1.68 લાખ કરોડ રૂપિયાનું સરકારી અને ખાનગી ફંડ ઊભું કર્યું છે. વાત અહીં જ નથી પૂરી થઈ જતી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ચિપ્સના સપ્લાય ચેઈનને સિક્યોર રાખવા માટે મનિલામાં 85 મિલિયન ડોલરના ક્વાડ એઆઈ એક્સલરેટરની જાહેરાત પણ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનું કામ કંઈક એવું રહેશે કે ચીપ્સ સપ્લાયમાં જે ચોક પોઈન્ટ્સ આવે તેને અગાઉથી જાણી કે ઓળખીને તેનો ઉકેલ લાવવા માટે કામ બને. આસિયાન દેશોએ ભેગા મળીને શું ગેમ રમી? આની બીજી બાજુ, સાઉથ-ઈસ્ટ એશિયાના 11 દેશોના આસિયાન સંગઠને 14 નવેમ્બરે દુનિયાનો પહેલો બાઈન્ડિંગ ડિજિટલ વેપાર કરાર DEFA સાઈન કર્યો છે. અંદાજ મુજબ આ કરારથી આસિયાનની ડિજિટલ ઈકોનોમી વર્ષ 2030 સુધીમાં ડબલ થઈને 2 લાખ ડોલર સુધી પહોંચી શકે એમ છે. ભારત અને આશિયાન વચ્ચે નો વેપાર પણ 2025-26માં વધીને 128 બિલિયન પર પહોંચ્યો છે. જો કે આ વેપારમાં ભારતની ઈમ્પોર્ટ વધારે ને એક્સપોર્ટ ઓછી છે. આ ટ્રેડ ડેફિસિટના કારણે મોદીએ મનિલામાં વેપાર કરાર AITIGAની કડક સમીક્ષા કરવા અને ભારતની UPI સિસ્ટમને આસિયાન સાથે જોડવાનો દાવ રમ્યો છે. ચીનને અટકાવવાના અમેરિકન અખતરા હવે ચીન બાજુ નજર ફેરવીએ. ચીન દર વર્ષ 1 ટ્રિલિયનથી વધુની ટ્રેડ સરપ્લસ ઊભી કરીને ગ્લોબલ બજારમાં પોતાનો માલ ઠાલવી રહી છે. અમેરિકાએ ચીનને અટકાવવા અનેક અખતરા કર્યા, પણ ભેગું ન થયું. અમેરિકાએ એનવીડિયાના એડવાન્સ એઆઈ ચિપ્સ પણ ચીનને વેચવાની ના પાડી દીધી પણ ચીને શેનઝેનમાં 2 હજાર ડ્રાઈવરલેસ રોબોટેક્સી અને સિક્સજી ટેક્નોલોજીનું પ્રદર્શન કરીને અમેરિકાને કહ્યા વગર પોતાની તાકાત દેખાડી દીધી કે તમારા વગર અમારું ગાડું રોકાઈ નહીં જાય. માઈક્રોનથી મોટર સુધી ગુજરાતનો દબદબો ખૈર! આ ગ્લોબલ ડખાનો ફાયદો ભારતને થઈ શકે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે. સરકારી આંકડાઓનું કહેવું છે કે ભારતની સ્માર્ટફોન એક્સપોર્ટ ખાલી 6 જ મહિનામાં 35.8 ટકાથી ઉછળીને 18.17 બિલિયન ડોલર થઈ ગઈ છે, સામેની બાજુ ઈલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટ પણ 44 ટકા વધી છે. ગુજરાતની જ વાત કરીએ તો ભારતનું નવું સેમિકન્ડક્ટર અને ઈલેક્ટ્રિક વેહિકલ હબ બનવા તૈયાર થઈ રહ્યું છે. ધોલેરામાં 91 હજાર કરોડના ખર્ચે ટાટાનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને સાણંદમાં 13 હજાર કરોડના ખર્ચે અમેરિકાની માઈક્રોનનો મેમરી ચીપ પ્લાન્ટ આ જ બદલતી સપ્લાય ચેઈનનું રિઝલ્ટ છે. આવા પ્રોજેક્ટથી ગુજરાતમાં 45 હજારથી વધુ નવી રોજગારી શરૂ થઈ શકે એવી સંભાવના છે. ભારતની વધતી તાકાતના આંકડાઓ જોઈ લો ઓટોમોબાઈલની વાત કરીએ તો આ સેક્ટરમાં પણ ગુજરાત બાજી મારી રહ્યું છે. હાંસલપુરની મારૂતિ સુઝુકીના પ્લાન્ટમાંથી બનેલી 50 હજારથી વધુ ઈ વિટારા ઈલેક્ટ્રિક કાર બ્રિટન, જર્મની અને જાપાન સહિત 50 જેટલા દેશોમાં એક્સપોર્ટ થઈ રહી છે. ભારતની કૂલ ઈલેક્ટ્રિક કાર એક્સપોર્ટમાં એકલા ગુજરાતનો હિસ્સો 93 ટકા છે, એટલે કે ભારતમાંથી એક્સપોર્ટ થતી 100 ઈવીમાંથી 93 તો ગુજરાતમાં બને છે. 2027થી સાણંદમાં ટાટાની ગીગા ફેક્ટરી શરૂ થતા દર વર્ષે 7 લાખ ઈવી કાર માટે બેટરી પણ ગુજરાતમાં જ બનવાની છે. ટૂંકમાં નંબર્સનું કહેવું છે કે દુનિયા ચીનનો ઓપ્શન શોધી રહી છે અને ભારત તે જગ્યા લઈ રહ્યું છે. પણ અહીં એક મોટો સવાલ ઉભો થયો છે કે જો આપણે આટલા શક્તિશાળી બની રહ્યા છીએ તો પછી દુનિયાના 60 ટકા જીડીપીવાળા એપેક સંગઠનમાં આપણે કેમ નથી? શેનઝેનમાં ટ્રમ્પ, જિનપિંગ અને પુતિન સાથે મોદી કેમ નહી જોડાય? ચાલો હવે તેના પડદા ખોલીએ… યુક્રેનનું ભવિષ્ય ઝેલેન્સ્કી નક્કી કરશે કે એપેક? વાત ચીનના શેનઝેનમાં મળનાર એપેક સમિટની. પુતિન-જિનપિંગ-ટ્રમ્પ માટે આ મહત્વની બેઠક છે. પુતિનની વાત કરીએ તો ચાર વર્ષથી યુક્રેન યુદ્ધ અને પશ્ચિમી બેનમાં ફસાવા છતાં તે દેખાડવા માગે છે કે યુક્રેનનું ભવિષ્ય ઝેલેન્સ્કી નહીં પણ મોસ્કો, બેજિંગ અને બેઈજિંગ મળીને નક્કી કરશે. બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ નવેમ્બર મિડ ટર્મ ઈલેક્શનમાં હાર પછી સાબિત કરવા માગે છે કે દુનિયાની ચાવી હજુ પણ અમેરિકાના જ હાથમાં છે. અને શી જિનપિંગ? બેઈજિંગને ટ્રમ્પ અને પુતિનની વચ્ચે ઉભા રહીને દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ તરીકે પોતાની ઈમેજ બનાવવી છે. પણ આ ત્રણેયને એક સાથેની છબી જોઈએ છે પણ તેની કિંમત નથી જોઈએ. ભારત કેમ એપેક સમિટના સભ્ય નથી? હવે બીજી મોટી વાત દુનિયાની 60 ટકા જીડીપી ધરાવતા એપેક સંગઠનમાં ભારત કેમ નથી તેની. બધાને એવું છે કે ભારત પાસે પ્રશાંત મહાસાગર નથી એટલે આપણે એપેકના સભ્ય નથી. પણ અસલી કારણ કંઈક બીજું જ છે. 1997માં જ્યારે ભારતની ઈકોનોમી ખુલી રહી હતી ત્યારે આપણને તક નહોતી મળી અને તેના પછી તો 1998માં એપેકે નવા સભ્યો જોડવા પર જ પ્રતિબંધ મૂકી દીધો. જે આજ સુધી અકબંધ છે. એટલા માટે ભારત એપેક ગ્રુપમાં નથી અને ચોથા વર્લ્ડ લીડર તરીકે ફોટોઓપમાં બાકી રહી ગયું છે. મોદી કેમ ટ્રમ્પ-જિનપિંગ-પુતિન સાથે નહીં? 2015માં ચીન અને જાપાને ટ્રાય કરી હતી કે ભારતને એપેકમાં જોડવામાં આવે. પણ ત્યારે અમેરિકાએ શરત મૂકી કે ભારત પહેલા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં અમેરિકાનો પક્ષ લે. ત્યારે ભારતે નમતું ન જોખ્યું અને ઝૂકવાને બદલે એપેકનો જ મોહ છોડી દીધો. પછી શું થયું? ભારતને સામેથી ક્વોડ અને પેક્ષ સિલિકા જેવા પાવરફૂલ ગ્રુપમાં સીધી એન્ટ્રી મળી ગઈ. ટૂંકમાં જે એપેકમાં નિર્ણયો લેતા વર્ષો નીકળી જાય છે ત્યાં સમય બગાડવાના બદલે ભારતે ક્વોડમાં રહીને 20 બિલિયન ડોલરના મિનરલ્સ અને ચિપ્સના નેટવર્ક પર કબજો જમાવ્યો છે. બીજી બાજુ આસિયાન સાથે મળીને યુપીઆઈ અને દરિયાઈ સિક્યોરિટીના નિયમો લખવામાં પણ નિર્ણયો લેવાનું ચાલુ કર્યું છે. 21મી સદીમાં કોણ રાજ કરી શકશે? આખી વાતનો સાર એ છે કે 21મી સદીમાં દુનિયા પર રાજ કરવાની ડેફિનેશનલ બદલાઈ ગઈ છે. રશિયા પાસે સૌથી વધુ પરમાણુ બોમ્બ છે, છતાં તેને પ્રતિબંધોમાંથી બહાર નીકળવા માટે ટ્રમ્પ અને જિનપિંગની મદદ લેવી પડી શકે છે. ચીન પાસે સૌથી મોટી ફેક્ટરીઓ છે છતાં એનવીડિયાની એક ચિપ પર બેન લાગતા ફ્રી ટ્રેડની ગુહાર લગાવવી પડે છે. આનાથી સમજી શકાય કે આવનાર દુનિયામાં તે જ રાજ કરશે જેની પાસે ટેક્નોલોજી, સપ્લાય ચેઈન અને વેપારના નિયમો ઘડવાની તાકાત હશે. વિદેશ નીતિ એટલે સૌને સાથે ચાલું નવેમ્બરની આ ત્રણેય મોટી બેઠકોએ સાબિત કરી દીધું છે કે ન તો અમેરિકા એકલું દુનિયા ચલાવી શકે છે, ન તો ચીન, ન તો રશિયા કે. બધાને બધાની સાથે ચાલવું પડે છે ત્યારે વિદેશ નીતિનું ગાડું ચાલે છે. અને છેલ્લે… રાહુલ ગાંધી ફરીવાર વિદેશમાં હતા અને પોતાની વાત રાખતા કોલંબિયા યુનિવર્સિટીમાં કહ્યું કે આપણો દેશ આર્થિક સંકટ બાજુ આગળ વધી રહ્યો છે. યુવાનો બેરોજગારી અને શિક્ષણ વ્યવસ્થાના કારણે નિરાશ છે. રાહુલની વિદેશ પ્રવાસ પર ભડકતી ભાજપને વધુ એક મુદ્દો હાથે લાગ્યો છે. જોઈએ હવે આ મામલે આગળ શું દાવ રમાશે. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
ચીનને પાડી દેવાનો પ્લાન તૈયાર:6 દિવસ, 3 સમિટ અને મુદ્દો એક, મોદીના બન્ને હાથમાં લાડવા, ગુજરાતને મોટો ફાયદો થઇ શકે, દરિયામાં દબદબાની ખતરનાક ગેમ
📅 Published: November 18, 2026 |
📂 Category: International
