સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. જાની વડલાના પુલ પાસેથી એક ટેન્કરની ટાંકીમાંથી કુલ ₹39.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં ₹24.85 લાખનો દારૂનો જથ્થો સામેલ છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ટેન્કરની ટાંકીમાંથી 180 MLના 13,584 શીલબંધ ચપલા અને 960 બીયર ટીન સહિત કુલ 14,544 નંગ દારૂનો જથ્થો કબજે કર્યો હતો, જેની કિંમત ₹24,85,344 આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત ₹15 લાખનો ટ્રક, ₹10,000નો મોબાઈલ ફોન, ફાસ્ટેગ અને નંબર પ્લેટ સહિત કુલ ₹39,95,344નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ કેસમાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના નરપતલાલ માંગીલાલ ભાદુ જાટ નામના ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ટ્રકના સાચા રજિસ્ટ્રેશન નંબર GJ.31.U.0536નો માલિક, ભીલવાડા, રાજસ્થાનનો ઉમેશ (દારૂ મોકલનાર) અને દારૂ મંગાવનાર અજાણ્યો ઇસમ સહિત અન્ય આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ચોટીલા નેશનલ હાઇવે પર ₹39.95 લાખનો દારૂ ઝડપાયો:ટેન્કરની ટાંકીમાંથી 14,544 બોટલ-ટીન કાઢ્યા, અલગ અલગ નંબર પ્લેટ મળી, ટેન્કરચાલકની ધરપકડ
📅 Published: August 26, 2026 |
📂 Category: gujarati-news
