ચોટીલા પાસે આશીર્વાદ હોટલ નજીક ગૌરક્ષા દળ અને જીવદયા પ્રેમીઓએ 40 ઘેટાં લઈ જતી ગાડી રોકી હતી. ઘેટાંને અજમેરથી કતલખાને લઈ જવાતાં હતાં. તમામ પશુઓને રાજકોટ પાંજરાપોળમાં રાખવામાં આવ્યાં છે. પ્રાથમિક તપાસ મુજબ, ઘેટાં અજમેરથી કઠલાલ થઈ જૂનાગઢ અને માંગરોળના કતલખાને લઈ જવાતાં હતાં. જૂનાગઢના સોયેબે આ પશુઓ મંગાવ્યાં હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, ગાડીમાં ઘેટાં માટે ઘાસચારા કે પીવાના પાણીની વ્યવસ્થા નહોતી. તેમને ટૂંકા દોરડાથી બે માળમાં ઠાંસી ઠાંસીને લઈ જવાતાં હતાં. સરકારી પાસ-પરમિટ પણ નહોતાં અને પશુઓના પરિવહનના નિયમોનું પાલન કરાયું નહોતું. ગૌરક્ષા દળે ગાડીને રોક્યા બાદ 112 અને ચોટીલા પોલીસને જાણ કરી હતી. પોલીસ ટીમ સ્થળે પહોંચી હતી. પોલીસે અજમેરના સમીર કુરેશી અજમેરી (શરીફ), એમદ કુરેશી (ડ્રાઇવર), અહમદ કુરેશી અને મુર્શીદ કુરેશીને પકડ્યા છે. પોલીસ એફઆઈઆર નોંધવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. બચાવ કામગીરીમાં વનરાજસિંહ, રહવર, દીપકભાઈ વાંકાનેર, બુધાભાઈ ગૌરક્ષક (ચોટીલા), હરેશભાઈ ચૌહાણ (અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ, ચોટીલા અને એસપીસીએ સભ્ય, સુરેન્દ્રનગર), રઘુભાઈ ગૌશાળા, સાગરભાઈ રબારી અને ચોટીલા ગૌરક્ષા દળની ટીમ જોડાઈ હતી.
ચોટીલા પાસે 40 ઘેટાંને બચાવી લેવાયા:અજમેરથી કતલખાને લઈ જવાતાં પશુઓને બચાવ્યા, ચાર લોકો ઝડપાયા
📅 Published: November 12, 2026 |
📂 Category: gujarati-news
