જન્માષ્ટમીના પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શહેરના વિવિધ મંદિરોમાં શણગાર, સજાવટ અને વિશેષ કાર્યક્રમોને આખરી ઓપ અપાયો છે. ખાસ કરીને SG હાઈવેના ઇસ્કોન મંદિરમાં આ વખતે જન્માષ્ટમીને લઈને વિશેષ આયોજન કરાયું છે. ઇસ્કોન મંદિરના ડાયરેક્ટર ઓફ કોમ્યુનિકેશન હરેશ ગોવિંદ દાસના જણાવ્યા પ્રમાણે, ઇસ્કોન મંદિરમાં છેલ્લા 29 વર્ષથી જન્માષ્ટમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વખતે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે પહોંચશે. ભક્તો માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેમાં પાર્કિંગ સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે. આ વખતે ઇસ્કોન મંદિરમાં ખાસ આકર્ષણ 7 મિનિટનો ઇમર્સિવ લાઇટ એન્ડ સાઉન્ડ શો રહેશે. ઇન્ટેલિજન્ટ લાઇટિંગ ટેક્નોલોજી અને પ્રોગ્રામ્ડ લાઇટિંગ સિક્વન્સની મદદથી ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સમયનું વાતાવરણ ફરીથી ઊભું કરવામાં આવશે. મૂશળધાર વરસાદ, વીજળીના કડાકા-ભડાકા અને ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્યને લાઇટિંગ અને પાવરફુલ સાઉન્ડ ડિઝાઇન સાથે રજૂ કરવામાં આવશે. આ શો દર અડધા કલાકે દર્શાવાશે, જેથી મંદિરમાં આવતા દરેક દર્શનાર્થી તેનો લાભ લઈ શકે. લાઇટ અને સાઉન્ડને એવી રીતે સિંક્રોનાઇઝ કરવામાં આવ્યા છે, જેથી પરિસરમાં પ્રવેશતાં જ શ્રદ્ધાળુઓને માત્ર દર્શન જ નહીં, પરંતુ એક અનોખો આધ્યાત્મિક અનુભવ પ્રાપ્ત થાય. મધ્યરાત્રિએ ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્ય સમયે પણ વિશેષ આયોજન કરાયું છે. આ વખતે મંદિર પરિસરમાં ડ્રોન શો પણ યોજાશે. 2થી 3 ડ્રોનની મદદથી ભક્તોને આકાશમાં વિશેષ નજારો જોવા મળશે. દેશ-વિદેશના 600 કિલોથી વધુ ફૂલોથી ગર્ભગૃહનો ભવ્ય શણગાર કરાયું છે. 3 તસવીરમાં ઇસ્કોન મંદિરનો શણગાર દેશ-વિદેશના 600 કિલોથી વધુ ફૂલોથી ગર્ભગૃહનો ભવ્ય શણગાર
ભગવાનના શણગારની વાત કરીએ તો આ વખતે વૃંદાવનથી ખાસ તૈયાર કરાવવામાં આવેલા વાઘા ભગવાનને ધારણ કરાવવામાં આવશે. સાથે જ મંદિરના ગર્ભગૃહને દેશ-વિદેશથી મંગાવવામાં આવેલા વિવિધ પ્રકારના ફૂલોથી શણગારવામાં આવશે. થાઈલેન્ડ, સિંગાપોર અને સાઉથ આફ્રિકા ઉપરાંત બેંગલોર અને મુંબઈથી પણ ફૂલો મંગાવવામાં આવ્યા છે. ઓર્કિડ, આફ્રિકન એન્થુરિયમ, ડચ રોઝ, જીપ્સી અને સેવંતી સહિતના ફૂલોનો ઉપયોગ કરવામાં આવશે. અંદાજે 600 કિલોથી વધુ ફૂલોથી ભગવાનના ગર્ભગૃહનો ભવ્ય શણગાર કરવામાં આવશે. વિશાળ પંડાલ-ડોમમાં મધ્યરાત્રિએ ભગવાનનો અભિષેક કરાશે
આ વખતે ઇસ્કોન મંદિર તરફથી વધુ એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. દર વર્ષે ભગવાનનો અભિષેક મંદિરની અંદર કરવામાં આવે છે, પરંતુ આ વખતે મંદિરની બહાર તૈયાર કરવામાં આવેલા વિશાળ પંડાલ-ડોમમાં મધ્યરાત્રિએ ભગવાનનો અભિષેક કરવામાં આવશે. જેથી મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ શાંતિથી બેસીને ભગવાનના અભિષેકના દર્શન કરી શકે. કાન્હા માટે અલગ-અલગ ડિઝાઇન અને સાઈઝમાં અનેક વેરાયટી
માત્ર મંદિરોમાં જ નહીં, પરંતુ અમદાવાદના બજારોમાં પણ જન્માષ્ટમીની રોનક જોવા મળી રહી છે. કાન્હાને શણગારવા માટે ભક્તો ભગવાનના વાઘા, શણગાર સામગ્રી, મોરપીંછ અને ખાસ કરીને કાન્હા માટેના હિંચકા અને ઝૂલા ખરીદવા પહોંચી રહ્યા છે. દુકાનદારોના જણાવ્યા પ્રમાણે, આ વખતે કાન્હા માટે અલગ-અલગ ડિઝાઇન અને સાઈઝમાં અનેક વેરાયટી ઉપલબ્ધ છે. નાના બાળક સ્વરૂપના લાલા માટેના ઝૂલાથી લઈને મોટા કદના ઝૂલા સુધીની વિવિધ રેન્જ બજારમાં જોવા મળી રહી છે. રૂ. 300થી લઈને 15 હજાર સુધીના ઝૂલા
સિલ્ક, સુતરાઉ, નાઈટવેર, મીનાકારી સહિતની અલગ-અલગ ડિઝાઇનમાં કાન્હાના વાઘા અને શણગાર સામગ્રી પણ ઉપલબ્ધ છે. ઝૂલાની કિંમતની વાત કરીએ તો બજારમાં રૂ. 300થી લઈને 15 હજાર સુધીના ઝૂલા ઉપલબ્ધ છે. ગ્રાહકો પોતાની પસંદગી અને બજેટ પ્રમાણે કાન્હા માટે ઝૂલો ખરીદી રહ્યા છે. જન્માષ્ટમી નજીક આવતા બજારમાં ભીડ પણ સતત વધી રહી છે અને દુકાનોમાં ગ્રાહકોની ભારે અવરજવર જોવા મળી રહી છે. બાળગોપાલના સ્વાગત માટે મંદિરોમાં ભવ્ય તૈયારીઓ
એટલે કે, એક તરફ મંદિરોમાં કાન્હાના જન્મોત્સવને ભવ્ય બનાવવા માટે તૈયારીઓ અંતિમ તબક્કામાં છે, તો બીજી તરફ અમદાવાદના બજારોમાં પણ લાલાના સ્વાગત માટે લોકો મન મૂકીને ખરીદી કરી રહ્યા છે. મંદિરોથી લઈને બજારો સુધી ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી’ના પર્વનો રંગ ચઢવા લાગ્યો છે.
જન્માષ્ટમીએ ઇસ્કોન મંદિરમાં ઇમર્સિવ લાઇટ એન્ડ સાઉન્ડ અને ડ્રોન શો:દેશ-વિદેશના 600 કિલો ફૂલોથી ભવ્ય શણગાર, અમદાવાદમાં બાળગોપાલના સ્વાગત માટે મંદિરોમાં તૈયારીઓ
📅 Published: September 3, 2026 |
📂 Category: gujarati-news
