સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતે બે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વઢવાણ ખાતે ‘ધરોહર લોકમેળો–૨૦૨૬’ અને સુરેન્દ્રનગર શહેર ખાતે ‘વિરાસત લોકમેળો’ યોજાશે. આ બંને મેળાઓ ૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ શરૂ થશે અને લોકકલા, ગુજરાતી પરંપરા, સંસ્કૃતિ તથા મનોરંજનનો અનોખો સંગમ રજૂ કરશે. વઢવાણ ખાતે યોજાનારા ‘ધરોહર લોકમેળો–૨૦૨૬’નો ઉદ્ઘાટન સમારોહ ૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે મેળા મેદાન ખાતે યોજાશે. આ મેળાનું ઉદ્ઘાટન વઢવાણ સ્વામિનારાયણ મંદિરના માધવેન્દ્રપ્રસાદજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે વઢવાણના ધારાસભ્ય અને નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર રાકેશકુમાર રાઠોડ, સાંસદ ચંદુભાઈ મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખિલભાઈ ચાંપાનેર તેમજ સાંસ્કૃતિક સમિતિના ચેરમેન ગજેન્દ્રભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. બીજી તરફ, સુરેન્દ્રનગર શહેર ખાતે પણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે ‘વિરાસત લોકમેળા’નું આયોજન કરાયું છે. આ મેળાનો ઉદ્ઘાટન સમારોહ ૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે મેળાના મેદાન ખાતે યોજાશે. મેળાનું ઉદ્ઘાટન વડવાળા મંદિર, દુધરેજ ધામના પૂજ્ય મુકુંદદાસજી બાપુના વરદ હસ્તે કરવામાં આવશે. આ બંને લોકમેળાઓનો મુખ્ય હેતુ સુરેન્દ્રનગરની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર, લોકકલા અને લોકપરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે. આ મેળાઓ માત્ર મનોરંજન પૂરતા મર્યાદિત ન રહેતાં ગુજરાતી લોકજીવનની પરંપરા, કલા અને સંસ્કૃતિને લોકો સમક્ષ જીવંત કરવાનું માધ્યમ બનશે. મેળામાં પરંપરાગત લોકજીવનના વિવિધ રંગો સાથે મનોરંજનની વિવિધ પ્રવૃત્તિઓ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. બંને લોકમેળાઓને સફળ બનાવવા માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જે. કે. જાદવ, નાયબ કમિશનર જી. કે. મકવાણા તેમજ સાંસ્કૃતિક સમિતિના ચેરમેન ગજેન્દ્રભાઈ ચૌહાણ સહિતની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના પર્વે શહેરના નાગરિકોને લોકસંસ્કૃતિ અને મનોરંજનનો સમૃદ્ધ અનુભવ મળી રહે તે માટે વિવિધ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
જન્માષ્ટમી પર્વે સુરેન્દ્રનગર-વઢવાણમાં બે લોકમેળા:મહાનગરપાલિકા દ્વારા 'વિરાસત' અને 'ધરોહર' મેળાઓનું આયોજન
📅 Published: August 31, 2026 |
📂 Category: gujarati-news
