જાપાનની 129 કંપનીઓ સાથે હર્ષ સંઘવીની બેઠક:ગુજરાતમાં કાર ઉત્પાદન બમણું થશે, ભાવનગરમાં સેમિકન્ડક્ટર યુનિટ અને ₹4,500 કરોડના રોકાણની ચર્ચા

📅 Published: October 21, 2026 | 📂 Category: gujarati-news

જાપાનના સત્તાવાર પ્રવાસે ગયેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક જ દિવસમાં ૧૨૯ જાપાની કંપનીઓના ટોચના પ્રતિનિધિઓ સાથે બે મેગા રાઉન્ડ ટેબલ બેઠકો યોજીને રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે મોટો ધમધમાટ સર્જ્યો છે. આ મુલાકાત દરમિયાન તેમણે સુઝુકી મોટર કોર્પોરેશનના પ્રમુખ તોશિહિરો સુઝુકી, જાપાનના વિદેશ રાજ્યમંત્રી નાકાસોને યાસુતાકા અને ઇવાતે પ્રીફેક્ચરના ગવર્નર તાકુયા તાસ્સો સહિતના અગ્રણી મહાનુભાવો સાથે ફળદાયી ચર્ચાઓ હાથ ધરી હતી. ગુજરાત સરકારના પ્રતિનિધિમંડળે ઓટોમોબાઈલ, સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઉપલબ્ધ વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સતત વીજ પુરવઠો, તૈયાર જમીન તેમજ ઝડપી સિંગલ-વિન્ડો મંજૂરી પ્રક્રિયાની વિગતો રજૂ કરીને રોકાણકારોને આકર્ષ્યા હતા. સુઝુકીનું કાર ઉત્પાદન વાર્ષિક 20 લાખ યુનિટ્સ સુધી પહોંચાડવાની યોજના
સુઝુકી મોટર કોર્પોરેશનના પ્રમુખ તોશિહિરો સુઝુકી સાથે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં ગુજરાતમાં ઓટોમોબાઈલ ઉત્પાદન ક્ષમતા બમણી કરવા અંગે વિગતવાર રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. હાલ રાજ્યમાં વાર્ષિક ૧૦ લાખ કારનું ઉત્પાદન થઈ રહ્યું છે, જેને આગામી સમયમાં વધારીને વાર્ષિક ૨૦ લાખ કાર સુધી પહોંચાડવાનું લક્ષ્ય નિર્ધારિત કરાયું છે. આ ઉપરાંત સુઝુકીની સપ્લાય ચેઇન સાથે સંકળાયેલી ૭૨ કંપનીઓ સાથે અલગ બેઠક યોજાઈ હતી, જે પૈકી 24 નવા સપ્લાયર્સે હાંસલપુર ખાતેના સુઝુકી પ્લાન્ટની નજીક પોતાના પાર્ટ્સ ઉત્પાદન એકમો સ્થાપવાની તત્પરતા દર્શાવી છે, જેનાથી સ્થાનિક રોજગારી અને સપ્લાય ચેઇનને જબરદસ્ત વેગ મળશે. ભાવનગરમાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ અને ટોક્યો ઇલેક્ટ્રોન સાથે અંતિમ મંત્રણા
ગુજરાતને દેશનું અગ્રણી સેમિકન્ડક્ટર હબ બનાવવાના પ્રયાસોને મોટું બળ મળ્યું છે. જાપાનની જાણીતી કંપની સુમિતોમો કેમિકલે ભાવનગર ખાતે સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે અતિઆવશ્યક વિશિષ્ટ કેમિકલ્સ તૈયાર કરતો નવો પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ સેમિકન્ડક્ટર સાધનો બનાવતી અગ્રણી કંપની ટોક્યો ઇલેક્ટ્રોન સાથે પણ રાજ્યમાં મોટા પ્રોજેક્ટની સ્થાપના અંગે આખરી તબક્કાની વાટાઘાટો ચાલી રહી છે, જે સ્થાનિક ચિપ ઉત્પાદન ઇકોસિસ્ટમ માટે પાયારૂપ સાબિત થશે. ફુરુકાવા ઇલેક્ટ્રિકનું ₹4500 કરોડથી વધુનું રોકાણ પ્રસ્તાવિત
ડિજિટલ કનેક્ટિવિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં જાપાનની દિગ્ગજ ફુરુકાવા ઇલેક્ટ્રિક કંપની સાથે ડેટા સેન્ટર્સ માટે જરૂરી એડવાન્સ્ડ ઓપ્ટિકલ ફાઇબર કેબલના ઉત્પાદન એકમ સ્થાપવા અંગે ₹4500 કરોડથી વધુના રોકાણ માટે ગંભીર મંત્રણા ચાલી રહી છે. નોંધપાત્ર બાબત એ છે કે કંપની જાપાનની બહાર વૈશ્વિક સ્તરે પ્રથમ વખત આ પ્રકારનું ઉત્પાદન એકમ શરૂ કરવાની યોજના ધરાવે છે. દેશમાં ઝડપથી વિકસી રહેલા ડેટા સેન્ટર ઉદ્યોગ માટે આ પ્લાન્ટ ગેમચેન્જર સાબિત થઈ શકે છે. હોન્ડા દ્વારા 4,000 નવી નોકરીઓનું સર્જન અને ક્યોવા લેધરનું રોકાણ
ઓટોમોબાઈલ સેક્ટરમાં હોન્ડા કંપનીએ ગુજરાતમાં પોતાના વિસ્તરણ પ્રોજેક્ટના માધ્યમથી વર્ષ ૨૦૨૭ના અંત સુધીમાં અથવા ૨૦૨૮ની શરૂઆતમાં અંદાજે 4,000 નવી રોજગારીની તકો ઊભી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. બીજી તરફ, ક્યોવા લેધરે ગુજરાતમાં પોલીયુરેથીન (PU) આધારિત સિન્થેટિક લેધર ઉત્પાદન એકમ સ્થાપવા માટે સંમતિ દર્શાવી છે, જેના માટે એક જ મહિનામાં યોગ્ય જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન ઘડાયું છે. ટોક્યોમાં 57 અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે લંચ રાઉન્ડ ટેબલ બેઠક
ટોક્યો સ્થિત ઐતિહાસિક હોટેલ ઇમ્પિરિયલ ખાતે યોજાયેલી વિશેષ લંચ રાઉન્ડ ટેબલ બેઠકમાં જાપાનના વિવિધ ઔદ્યોગિક સેક્ટરના 57 અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. હર્ષ સંઘવીએ ગુજરાતને રોકાણ માટેનું શ્રેષ્ઠ ગંતવ્ય સ્થાન ગણાવતાં સુમિતોમો કેમિકલ, ફુરુકાવા ઇલેક્ટ્રિક, હોન્ડા, જેરા (JERA), એમયુએફજી (MUFG) બેંક, મારુબેની, સાનરિયો અને મોરિરિન સહિતની 11 વૈશ્વિક કંપનીઓના પ્રતિનિધિઓ સાથે વન-ટુ-વન ચર્ચાઓ કરીને રાજ્યમાં રોકાણ માટે આમંત્રણ પાઠવ્યું હતું. ‘જાપાન અને ગુજરાત વચ્ચે વિશ્વાસનું મજબૂત બંધન’: હર્ષ સંઘવી
પ્રતિનિધિમંડળને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જાપાનના રાજદ્વારીઓ કે ઉદ્યોગપતિઓ જ્યારે પણ ભારતનો વિચાર કરે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ સહજ રીતે સામે આવે છે. વડાપ્રધાનના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન જાપાનના સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે સાથે રચાયેલા પ્રગાઢ સંબંધોએ આજે બંને દેશો વચ્ચે અતુટ વિશ્વાસનું વાતાવરણ સર્જ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ ભરોસાને ગુજરાતના યુવાનો માટે નવી નોકરીઓ, વૈશ્વિક ટેક્નોલોજી અને મૂડીરોકાણમાં ફેરવવાની દિશામાં સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *