જામનગરના શ્રાવણી મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું:2 દિવસમાં 1 લાખ લોકોએ માણી મોજ, પોલીસની હાઈટેક ‘થર્ડ આઈ’થી નજર

📅 Published: September 5, 2026 | 📂 Category: gujarati-news

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં શ્રાવણી લોકમેળો યોજાયો છે. આ મેળામાં લોકોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહીવટી મંજૂરી મળ્યા બાદ રાત્રે વિધિવત રીતે મેળો શરૂ થયો હતો. સાતમ, આઠમ અને નોમના તહેવાર દરમિયાન બે જ દિવસમાં એક લાખથી વધુ લોકો મેળામાં ઉમટી પડ્યા હતા. પરિવાર સાથે આવેલા લોકોએ વિવિધ રાઈડ્સ, મનોરંજનના સાધનો અને ખાણીપીણીની ભરપૂર મજા માણી હતી. આ કારણે મેળો પૂરી રીતે ખીલી ઉઠ્યો છે. મેળામાં સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે જામનગર પોલીસે ખાસ તૈયારી કરી છે. ભીડને કાબૂમાં રાખવા, ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને ખિસ્સાકાતરુઓ પર નજર રાખવા માટે પહેલીવાર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. આ ડ્રોન કેમેરાને ‘થર્ડ આઈ’ નામ અપાયું છે. દિવસ દરમિયાન હાઈ-રિઝોલ્યુશન કેમેરાથી ભીડની હિલચાલ અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રખાય છે. રાત્રિના સમયે પણ અંધારામાં સ્પષ્ટ જોઈ શકાય તેવા અત્યાધુનિક નાઇટ-વિઝન ડ્રોન સક્રિય કરાયા છે. જિલ્લા એસ.પી. ડો. રવિ મોહન સૈની અને સિટી ડીવાયએસપી જયેન્દ્રસિંહ ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. પીઆઈ વિપુલસિંહ ડોડીયા અને તેમની ટીમ દિવસ-રાત સુરક્ષા સંભાળી રહી છે. ડ્રોન વીડિયોમાં મેળામાં ઉમટેલી ભીડ અને ઉત્સવનો માહોલ સ્પષ્ટ દેખાય છે. ટેકનોલોજી આધારિત આ ચુસ્ત બંદોબસ્તને કારણે લોકો કોઈપણ ડર વગર તહેવારની ઉજવણી કરી રહ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *