જામનગરના પ્રાચીન દુઃખ ભંજન મહાદેવ મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અને 121 દિવડાની મહાઆરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. મંદિર પરિસરમાં 121 દિવડાની મહાઆરતી યોજાઈ હતી. આ દરમિયાન સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. મંદિરના મહંત પ્રવિણગીરી ગોસાંઈના જણાવ્યા અનુસાર, દુઃખ ભંજન મહાદેવનું આ મંદિર 400 વર્ષથી વધુ જૂનું છે અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. અહીં સ્વયંભૂ શિવલિંગ બિરાજમાન છે. ભગવાન દુઃખ ભંજન મહાદેવ સાથે અહીં દિવ્ય દુઃખ ભંજન હનુમાનજી મહારાજનો પણ અનેરો મહિમા માનવામાં આવે છે. આ પ્રાચીન મંદિર પરિસરમાં આશરે 19 જેટલા અન્ય દેવી-દેવતાઓના મંદિરો પણ આવેલા છે, જે ભક્તો માટે આસ્થાનું વિશેષ કેન્દ્ર બન્યું છે. મંદિરના ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વને કારણે ભૂતકાળમાં પ્રેમભિક્ષુજી સ્વામી, ડોંગરેજી મહારાજ તથા જગતગુરુ શંકરાચાર્ય સહિત અનેક મહાન સાધુ-સંતો અહીં દર્શન અને પૂજન માટે પધારી ચૂક્યા છે. શ્રાવણ માસ દરમિયાન મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બીજા સોમવારના પાવન અવસરે યોજાયેલી વિશેષ શણગાર આરતી અને મહાઆરતીમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લઈ ભગવાન દુઃખ ભંજન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
જામનગરના 400 વર્ષ જૂના દુ:ખભંજન મહાદેવ મંદિરે વિશેષ શણગાર દર્શન:શ્રાવણના બીજા સોમવારે 121 દિવડાની ભવ્ય મહાઆરતી યોજાઈ
📅 Published: August 25, 2026 |
📂 Category: gujarati-news
