જામનગરમાં આમ આદમી પાર્ટીમાં મોટો ભડકો:3 સંગઠન મંત્રીઓનાં સામૂહિક રાજીનામાં, અન્ય પક્ષમાં જોડાવા અંગે હજુ નિર્ણય નહીં

📅 Published: October 30, 2026 | 📂 Category: gujarati-news

જામનગર જિલ્લા આમ આદમી પાર્ટીના સંગઠનમાં મોટો ભડકો થયો છે. લોકસભા અને બે વિધાનસભા બેઠકોની જવાબદારી સંભાળતા ત્રણ સંગઠન મંત્રીઓએ એકસાથે પક્ષના હોદ્દા સહિત પ્રાથમિક સભ્યપદેથી રાજીનામાં આપી દેતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજીનામું આપનારા હોદ્દેદારોમાં 12-જામનગર લોકસભા સંગઠન મંત્રી દુર્ગેશ ગાડલિંગ, 78-વિધાનસભા સંગઠન મંત્રી જીવરાજભાઈ બી. ચૌહાણ અને 79-વિધાનસભા સંગઠન મંત્રી નિલેશ ભાલારાનો સમાવેશ થાય છે. ત્રણેયે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ પ્રભારી ગોપાલ રાયને પોતાના રાજીનામા પત્રો મોકલી આપ્યા છે. પ્રદેશ નેતૃત્વનો આભાર વ્યક્ત કરી હોદ્દા અને સભ્યપદેથી મુક્ત કરવાની વિનંતી
રાજીનામા પત્રોમાં ત્રણેય હોદ્દેદારોએ પક્ષમાં કામ કરવાની તક આપવા અને વિવિધ જવાબદારીઓ સોંપવા બદલ પ્રદેશ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો છે. પૂર્વ શહેર પ્રમુખ (SC વિભાગ) અને 78-વિધાનસભા સંગઠન મંત્રી જીવરાજ ચૌહાણે પોતાના કાર્યકાળ દરમિયાન મળેલા અનુભવ, માર્ગદર્શન અને સહયોગને યાદગાર ગણાવ્યો હતો. જ્યારે પૂર્વ શહેર મહામંત્રી અને 79-વિધાનસભા સંગઠન મંત્રી નિલેશભાઈ ભાલારાએ પણ સંગઠન મંત્રી પદની સાથે પક્ષના પ્રાથમિક સભ્યપદેથી મુક્ત કરવા વિનંતી કરી હતી. 2014થી પક્ષ સાથે જોડાયેલા દુર્ગેશગાડલિંગે પણ આપ્યું રાજીનામું
12-જામનગર લોકસભા સંગઠન મંત્રી દુર્ગેશ ગાડલિંગ વર્ષ 2014થી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા. તેમણે પ્રદેશ પ્રભારીને મોકલેલા રાજીનામા પત્રમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પક્ષ માટે કામ કરતી વખતે સેન્ટ્રલ ટીમ, સ્થાનિક આગેવાનો અને સંઘર્ષના સાથીઓ તરફથી મળેલા સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પક્ષમાં રજૂઆતો છતાં યોગ્ય નિર્ણય ન લેવાતો હોવાનો નિલેશ ભાલારાનો આક્ષેપ
ત્રણેય હોદ્દેદારોના રાજીનામા પાછળનાં કારણો અંગે વાત કરતાં નિલેશ ભાલારાએ પક્ષની આંતરિક સ્થિતિ સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “અમે પાર્ટીમાં સાચી હકીકતો અને સ્થિતિ અંગે વારંવાર યોગ્ય સ્તરે રજૂઆતો કરીને થાકી ગયા હતા. કોર્પોરેશનની ચૂંટણી વખતથી જ અમે કહેતા આવ્યા છીએ કે પાર્ટીની અંદર બધું સમુસૂતરું ચાલી રહ્યું નથી, પરંતુ પાર્ટી દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવતો ન હતો.” વધુમાં તેમણે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, “જો આમ આદમી પાર્ટીમાં રહીને જ ભાજપનું કામ કરવું પડે, તો તેના કરતાં ઘરે બેસવું વધુ યોગ્ય માન્યું. આથી નાછૂટકે અમે ત્રણેય હોદ્દેદારોએ સાથે મળીને રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે.” અન્ય પક્ષમાં જોડાવા અંગે હજુ નિર્ણય નથી, સામાજિક કાર્યો ચાલુ રાખશે
રાજીનામા બાદ આગામી રાજકીય નિર્ણય અંગે નિલેશ ભાલારાએ સ્પષ્ટતા કરી હતી કે હાલ અન્ય કોઈ પક્ષમાં જોડાવા અંગે નિર્ણય લીધો નથી. સમય આવ્યે કાર્યકરો સાથે ચર્ચા કરીને આગળનો નિર્ણય કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે તેઓ જાહેર જીવન છોડવાના નથી અને આગામી સમયમાં પણ સામાજિક કાર્યો સતત ચાલુ રાખશે. જામનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીના ત્રણ મહત્વના સંગઠન મંત્રીઓએ એકસાથે રાજીનામાં આપતાં પક્ષના સંગઠનને મોટો ફટકો પડ્યો છે. હવે આ ત્રણેય હોદ્દેદારોની આગામી રાજકીય ભૂમિકા શું રહેશે અને તેઓ કોઈ અન્ય પક્ષમાં જોડાશે કે નહીં તેના પર સ્થાનિક રાજકીય વર્તુળોની નજર છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *